BREAKING NEWS

પ્રેમીએ પ્રેમિકા અને તેના પતિને પાઇપના ઘા મારી પતાવી દીધા, પાટણવાવ ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો

  • July 19, 2026 05:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પાટણવાવ પોલીસ સ્ટેશન હેઠળના મોટીમારડ ગામે વાડી વિસ્તારમાં બનેલી કાળજું કંપાવતી ડબલ મર્ડરની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. ત્રણ વર્ષ જૂના પ્રેમ સંબંધનો બદલો લેવા માટે એક ઉશ્કેરાયેલા પ્રેમીએ પોતાની પ્રેમિકા અને તેના પતિની ક્રૂરતાપૂર્વક લોખંડની પાઇપના ઘા મારી હત્યા કરી નાખી હતી. રાજકોટ રૂરલ પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સઘન સર્ચ ઓપરેશન ચલાવીને અંતે હત્યારા પ્રેમીની ધરપકડ કરી લીધી છે.


પ્રેમિકાના અન્ય યુવક સાથે લગ્ન થતાં ખાર રાખ્યો હતો

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, આરોપી સુરેશ બારીયા મૂળ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મલેકપુરનો વતની છે અને છેલ્લા ચાર-પાંચ વર્ષથી મોટીમારડ ગામે વાડીમાં ભાગીયા તરીકે કામ કરે છે. તેને બાજુની જ વાડીના ભાગીયાની દીકરી દુર્ગા સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. જો કે, પારિવારિક કારણોસર બંનેના લગ્ન થઈ શક્યા ન હતા અને દોઢ વર્ષ પહેલાં દુર્ગાના લગ્ન રોહિત નામના યુવક સાથે થઈ ગયા હતા. પ્રેમિકાના અન્ય વ્યક્તિ સાથે લગ્ન થતાં જ પ્રેમી સુરેશ અંદરથી ભારે રોષે ભરાયો હતો અને મનમાં ખાર રાખીને ફરતો હતો.


દવા છાંટવા આવેલા પતિ-પત્નીને સાથે જોઈ પ્લાન ઘડ્યો

ગત ૧૩ અને ૧૪ જુલાઈની રાત્રિ દરમિયાન મોટીમારડથી જુનાગઢ તરફના વાડી વિસ્તારમાં આવેલી રમેશભાઇ ભૂતની વાડીમાં આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. દુર્ગાના પિતા કોઈ કામસર મધ્યપ્રદેશ ગયા હોવાથી, ખેતરમાં કપાસના પાકમાં દવા છાંટવા માટે દુર્ગા અને તેનો પતિ રોહિત ત્યાં આવ્યા હતા. તેમણે વાડી માલિકની સહમતીથી બહારથી બે વ્યક્તિઓને દવા છાંટવાના કામ માટે બોલાવ્યા હતા, જેમાં બાજુના ખેતરમાં કામ કરતો સુરેશ પણ સામેલ હતો. દિવસ દરમિયાન જ્યારે સુરેશે પોતાની પૂર્વ પ્રેમિકા દુર્ગાને તેના પતિ રોહિત સાથે ખુશહાલ અવસ્થામાં જોઈ, ત્યારે તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તેણે બંનેને મોતને ઘાટ ઉતારવાનો ઘાતકી પ્લાન ઘડી નાખ્યો.


રાત્રિના અંધકારમાં પાઇપથી કર્યો જીવલેણ હુમલો

આરોપી સુરેશ રાત્રિના અંધકારમાં એક મજબૂત લોખંડની પાઇપ લઈને વાડીના ઓરડે પહોંચ્યો હતો. ત્યાં ઊંઘી રહેલા દંપતી પર તેણે ઓચિંતો તૂટી પડીને સૌપ્રથમ રોહિતના માથાના ભાગે પાઇપના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા, જેથી રોહિતનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પતિને બચાવવા વચ્ચે પડેલી પૂર્વ પ્રેમિકા દુર્ગા પર પણ આરોપીએ દયા રાખ્યા વિના માથામાં જીવલેણ પ્રહાર કર્યા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે બંનેના સ્થળ પર જ શ્વાસ રૂંધાઈ ગયા હતા. બીજે દિવસે સવારે જ્યારે વાડીના માલિક ત્યાં પહોંચ્યા ત્યારે લોહીલુહાણ હાલતમાં લાશ જોઈને તેમણે તુરંત પોલીસને જાણ કરી હતી.


10 કિલોમીટરના CCTV અને સર્ચ ઓપરેશનથી આરોપી ઝડપાયો

રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે આ કેસ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતા જોઈને એલસીબી (LCB) અને પાટણવાવ પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. શરૂઆતમાં કોઈ સુરાગ કે હત્યાનું હથિયાર મળ્યું ન હતું. પોલીસે આસપાસના ૫ કિલોમીટરના વિસ્તારમાં આવેલા તમામ ઘરો અને વાડીઓમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તેમજ આસપાસના ૧૦ કિલોમીટરના વિસ્તારના સરકારી અને ખાનગી સીસીટીવી કેમેરા પણ ખંખોળ્યા હતા. અંતે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની ચોક્કસ માહિતીના આધારે સુરેશ બારીયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હાલ આરોપી પાસેથી હત્યામાં ઉપયોગમાં લેવાયેલી લોખંડની પાઇપ રિકવર કરવાની તજવીજ હાથ ધરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News