BREAKING NEWS

આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ડ્રાઈવરને ઝોકું આવતા બસ પલટીઃ છ લોકોનાં મોત

  • May 26, 2026 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે સવારે છ વાગ્યે ઔરસ વિસ્તારમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર 100 કિમીની ઝડપે દિલ્હીથી બિહાર જતી એક સ્લીપર બસના ડ્રાઈવરને ઝોકું આવતા કાબુ ગુમાવ્યો હતો. આથી બસ અંડરપાસના ડિવાઇડર સાથે અથડાઈ એલ્યુમિનિયમ ગાર્ડ તોડી અને સામેની લેનમાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બિહાર પોલીસના સબ-ઇન્સ્પેક્ટર અને એક કેદી સહિત છ લોકોના મોત નિપજ્યાં હતા જ્યારે 22 મુસાફરો ઘાયલ થયા હતા.


મળતી માહિતી મુજબ, શ્રી સરોજ ટ્રાવેલ્સની માલિકીની સ્લીપર બસમાં આશરે 45 મુસાફરો હતા. અકસ્માત સમયે મોટાભાગના લોકો ગાઢ નિંદ્રામાં હતા. સવારે છ વાગ્યે ઔરસ વિસ્તારમાં નિંબાખેડા નજીક ડ્રાઇવરને ઊંઘ આવી ગઈ હતી, જેના કારણે બસનો પાછળનો ભાગ અંડરપાસના કોંક્રિટ ડિવાઇડર સાથે અથડાઈ ગયો હતો. બસ રસ્તા પરથી ઉતરી ગઈ હતી અને એલ્યુમિનિયમ ગાર્ડ તોડીને ભારે વાહનના લેનમાં પલટી મારી ગઈ હતી. બસ પલટી જતાં, ઘણા મુસાફરો તેમની સીટ પરથી નીચે પટકાયા અને એકબીજા પર પડી ગયા હતા.


લગભગ 10 મિનિટ પછી, યુપીડીએ અને ઔરસ પોલીસ આવી અને રાહત કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને સેન્ટ્રલ હેલ્થ સેન્ટર (સીએચસી) લઈ જવામાં આવ્યા, જ્યાં બિહારના સિવાનના રહેવાસી ઇન્સ્પેક્ટર રવિચરણ અને હરિયાણાના રહેવાસી કેદી છત્રપાલને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. તેમની સાથે રહેલા એક કોન્સ્ટેબલને ઈજા થઈ હતી. મૃતકોમાં ઇન્સ્પેક્ટર રવિચરણ (બિહારના સિવાનના રહેવાસી), સુરેશ કુમાર જયસ્વાલ, વિજેશી ગુપ્તા, વિજય કુમાર અને છત્રપાલ તોમરનો સમાવેશ થાય છે. જ્યારે છઠ્ઠા મૃતકની ઓળખ થઈ નથી.


ઇન્સ્પેક્ટર કેદીને તેનું નિવેદન નોંધવા માટે દિલ્હી લઈ ગયા હતા અને ત્યાંથી પાછા ફરી રહ્યા હતા. ગોરખપુરના રહેવાસી સુરેશ જયસ્વાલ, વિજયશી ગુપ્તા અને વિજય કુમારનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મૃતકોમાંથી એકની ઓળખ હજુ સુધી થઈ નથી. પોલીસ તેની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. અકસ્માત બાદ, એક્સપ્રેસ વે પર ભારે અને હળવા વાહનો માટેનો માર્ગ લગભગ એક કલાક માટે બંધ કરવામાં આવ્યો હતો.


ક્રેનનો ઉપયોગ કરીને બસને દૂર કરવામાં આવી હતી. વાહનો ઓવરટેકિંગ લેનમાંથી પસાર થતા રહ્યા હતા. યુપીડીએએ ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત બસને દૂર કરીને લેન સાફ કરી હતી. અકસ્માતની માહિતી મળતાં, ડીએમ ઘનશ્યામ મીણા, એસપી જયપ્રકાશ સિંહ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એકવીસ ઘાયલોને સીએચસી ઔરસથી લખનઉના કેજીએમયુમાં રિફર કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News