મમતાના ગળાનું હાડકું બની ગયો છે શાહજહાં શેખ

  • February 26, 2024 01:56 PM 

પશ્ચિમ  બંગાળમાં આવેલા ઉત્તર- ચોવીસ પરગણા જિલ્લાના સુંદરવન વિસ્તારમાં નદીઓથી ઘેરાયેલા સંદેશખાલી અને તૃણમુલ કોંગ્રેસના બાહુબલી નેતા શાહજહાં શેખનું નામ અત્યાર સુધી રાજ્યમાં પણ વધારે લોકો જાણતા ન હતાં. જોકે, આ બન્ને નામ હવે રાષ્ટ્રીય મીડિયાના અહેવાલોમાં છે. સંદેશખાલીની ઘટના પર રાજકીય વિવાદ ચરમ પર છે. ટીએમસી નેતાની ચર્ચિત ત્રિપુટી શાહજહાં, શિબુ હાઝરા અને ઉત્તમ સરદારનાં કથિત અત્યાચારો અને જાતીય સતામણી વિરુદ્ધ મહિલાઓએ બળવો કર્યો છે. આ કારણે લોકસભાની ચૂંટણી પહેલા મુખ્ય મંત્રી મમતા બેનર્જીની સરકારની સાથે-સાથે તેમની પાર્ટી તૃણમુલ કોંગ્રેસને પણ મુશ્કેલીમાં મૂકી દીધા છે. જોકે, સંદેશખાલીના ત્રણેય નેતાઓમાંથી સૌથી વધારે ચર્ચા ટીએમસી નેતા શાહજહાં શેખની થઈ રહી છે. શાહજહાં શેખનું નામ પાંચ જાન્યુઆરીએ એ સમયે સામે આવ્યું જ્યારે બંગાળના કથિત રેશન ગોટાળાની તપાસ કરી રહેલી ઈડીની ટીમ તપાસ માટે તેમના ઘરે પહોંચી. આ સૂચના મળતાની સાથે જ શાહજહાંના સમર્થકોએ ઈડીની ટીમ અને તેમની સાથે ગયેલા કેન્દ્રીય દળો અને પત્રકારોને ઘેરી લીધા. ગામલોકોના હુમલામાં ત્રણ અધિકારીઓ ઘાયલ થયા. એ સમયે શાહજહાં તેના ઘર પર જ હતા. જોકે, આ દુર્ઘટના પછી તે તરત જ ફરાર થઈ ગયા. ત્યારબાદ અત્યાર સુધી તેમની કોઈ ખબર નથી. આ ઘટના પછી ઈડી તેમને સમન મોકલતી રહી. જોકે, તે ક્યારેય પણ હાજર ન થયા. આ દરમિયાન તેમણે તેના વકીલ દ્વારા કલકત્તા હાઈકોર્ટમાં આગોતરા જામિન માટે અરજી પણ દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું કે જો ઈડી તેમની ધરપકડ ન કરવાનો ભરોસો આપે તો તેઓ તેમની સમક્ષ હાજર રહેવા માટે તૈયાર છે. જોકે, તેમની આ અરજી પર હજી સુધી કોઈ નિર્ણય થયો નથી. આ મહિનાની શરૂઆતમાં અચાનક ગામની ડઝનેક મહિલાઓએ શાહજહાં અને બે સાથીઓ શિવ પ્રસાદ ઉર્ફે શિબૂ હાઝરા અને ઉત્તમ સરદારની વિરુદ્ધ અનેક પ્રકારના આરોપ મૂક્યા અને તેમની ધરપકડની માંગણી સાથે રસ્તાઓ પર ઊતરી આવ્યાં. મહિલાઓએ તૃણમૂલ નેતાઓનાં મરઘાં ઉછેર કેન્દ્રો અને ઘરોમાં પણ આગ ચાંપી દીધી. આ મહિલાઓએ શાહજહાં શેખ અને તેમના સાથીઓ વિરુદ્ધ જમીન પર બળજબરીથી કબજો કરવા અને મબિલાઓ સાથે જાતીય શોષણ અને બળાત્કાર જેવા ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. આ વિસ્તારમાં પરિસ્થિતિ ખરાબ થવાને કારણે મોટી સંખ્યામાં પોલીસની ટુકડીઓ મોકલવામાં આવી અને કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. મહિલાઓના ગુસ્સાને ધ્યાનમાં રાખતા પોલીસે પહેલા ઉત્તમ સરદાર અને પછી શિબૂ હાઝરાની ધરપકડ કરી હતી. જોકે, શાહજહાં શેખ હજુ પણ ફરાર છે. શાહજહાં સરહદ પાર કરીને બાંગ્લાદેશ જતા રહ્યા હોય તેવી આશંકાઓ છે. મુખ્ય મંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી્એ તો એવું કહ્યું હતું કે સંદેશખાલી વિસ્તાર આરએસએસનો ગઢ છે. આ કારણે જ ત્યાં દરેક પ્રકારની ગરબડ થઈ રહી છે. જોકે, પોલીસે આ મામલે કાર્યવાહી કરી રહી છે અને દોષીઓની પણ ધરપકડ કરવામાં આવી રહી છે. શાહજહાં શેખ જેવા નેતાઓ રાજકીય પાર્ટીઓની જરૂરત છે. શેખ જેવા લોકો પોતાના વિસ્તારમાં જે તે પાર્ટીના રાજકીય હિતનું ધ્યાન રાખે છે અને બદલામાં રાજકીય પક્ષના નેતાઓ તેમની પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરી લે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application