દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને સભા-સરઘસ કાઢવા માટે પરવાનગી અંગેનું જાહેરનામું

  • June 03, 2025 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકીય પક્ષો કે વ્યક્તિઓએ વાહનોની પૂર્વમંજૂરી મેળવવી આવશ્યક

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન તા. 22 જૂનના રોજ યોજાનાર છે. જો પુનઃ મતદાન યોજવાનું થાય તો તેની તા. 24 તથા મતગણતરી તા. 25 જૂનના રોજ હાથ ધરાશે.


જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જરૂરી શાંતિમય વાતાવરણમાં યોજાય તથા વિક્ષેપો ઊભા થાય નહીં તે જરૂરી જણાતું હોય તથા ચૂંટણીના સરળ સંચાલન માટે જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવો આવશ્યક જણાતો હોય તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.


અહીંના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જિલ્લાના જે ગામોમાં ચૂંટણી યોજાનાર છે, ત્યાં તા. 22 જૂન સુધી અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતા વધારે વ્યક્તિઓને એકત્રિત થવું નહીં અથવા કોઈ સભા ભરવી નહીં કે સરઘસ કાઢવું નહીં. સભા - સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણીના હિસાબમાં ઉમેરવાનો રહેશે. ​​​​​​​ફરજ પર હાજર હોય તેવું ગૃહ રક્ષકદળની વ્યક્તિ તથા સરકારી નોકરીમાં અને રોજગારમાં હોય તેવા વ્યક્તિને લાગુ પડશે નહીં.


ચૂંટણી પ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ઉમેદવારો તરફથી પોતપોતાના મતવિસ્તારમાં પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે. આ હેતુ માટે તેઓ દ્વારા મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે જરૂરી છે. ચૂંટણી પ્રચારમાં વપરાતા વાહનોની અસર સામાન્ય જનમાનસ તેમજ પ્રતિસ્પર્ધી ઉમેદવારો ઉપર પણ થાય છે. જેના કારણે ખોટી ફરિયાદો ઉપસ્થિત થવાની, ઉમેદવારોના એકબીજા જૂથો વચ્ચે મનદુઃખ થાય અને ઘર્ષણ ઊભું થવાની તેમજ સુલેહશાંતિ ભંગ થવાની સંભાવના રહેલી છે. આ બાબતો ધ્યાને લેતા નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.


જે ગામોમાં ચૂંટણી યોજાનાર છે ત્યાં કોઈપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા, ચૂંટણીના ઉમેદવારો અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ ઉમેદવાર કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી યોજાઈ રહી છે તેવા સમગ્ર વિસ્તારમાં ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજિસ્ટર કરાવવાના રહેશે. રજિસ્ટર કરાવેલ વાહનની પરમિટ તેઓની પાસેથી મેળવી વાહનોની વિન્ડ સ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. આ પરમિટમાં વાહન ક્યા મતદાર વિભાગ, ક્યા વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરવામાં આવી છે, તેની સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે. વપરાશમાં લેવાયેલ વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે. ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારી પાસેથી પરમિટ મેળવ્યા સિવાય અને વાહન રજિસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહીં.



આ નિયંત્રણોમાં યાંત્રિક શક્તિથી ચાલતા કે બીજી કોઈ રીતે ચાલતા વાહનો જેવા કે, બસ, મીની બસ, ટેક્સી, ખાનગી કાર, ટ્રક, ટેમ્પો, ટ્રેલર સાથેનું કે તે વિનાનું ટ્રેક્ટર, ઑટોરિક્ષા, સ્કૂટર, પશુથી ચાલતા વાહનો સહિત તમામ પ્રકારના વાહનોને લાગુ પડે છે.


ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરતા સંદેશાઓ પ્રસારિત કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું


અગાઉની ચૂંટણીઓમાં કેટલાક વાંધાજનક એસ.એમ.એસ. (ટૂંકા સંદેશ), એમ.એમ.એસ., સોશિયલ મીડિયા તથા સંદેશ વ્યવહારના અન્ય સાધનો થકી ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરવાનો કેટલાક લોકો દ્વારા પ્રયાસ થયાનું અનુભવ પરથી જણાયું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણીઓમાં સ્થાપિત હિતો ધરાવતા ઈસમો દ્વારા એવો દૂરપયોગ કરવામાં આવે તેવી શક્યતા રહેલ છે. આવા કૃત્યોના લીધે ચૂંટણીના કાયદાની જોગવાઇઓ, આચાર સંહિતા તથા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો કે સૂચનાઓનો ભંગ થાય છે. આવા અનિચ્છનીય કૃત્યોથી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા દૂષિત થવાની સંભાવના હોય આવી પ્રવૃતિઓ તાત્કાલિક અટકાવી અત્યંત આવશ્યક છે. આ ઉપરાંત ચૂંટણી સંદર્ભમાં શાંત વાતાવરણ ડહોળાઈ જાય તેવા બદઇરાદાથી તેમજ કોમ કે ધર્મ કે જ્ઞાતિ વચ્ચે સંઘર્ષ ઉભો કરવાના હેતુથી કેટલાક ઈસમો ઉશ્કેરણી એસ.એમ.એસ., એમ.એમ.એસ, સોશિયલ મીડિયા તથા સંદેશા વ્યવહારના અન્ય સાધનોનો ઉપયોગ કરે તેવી શક્યતા નકારી શકાતી નથી. અનુભવના આધારે અને વ્યાપક મળતી માહિતીના આધારે પ્રસ્થાપિત થયેલ છે કે કોમી તંગદિલી ફેલાવે કે કાયદો અને વ્યવસ્થા જોખમાવે કે ચૂંટણી પ્રક્રિયાને ખોરંભે પાડે તેવા વજુદ વગરના સમાચારો મોબાઈલ ફોનના ગ્રુપ કે વ્યક્તિગત એસ.એમ.એસ., એમ.એમ.એસ. સંદેશ વ્યવહારના અન્ય સાધનો દ્વારા પ્રસારિત થાય છે અને આવા ખોટા સંદેશા વ્યવહારની લોકોમાં આપ-લે થવાના પરિણામે કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહશાંતિ જોખમાય તેવી સંભાવના રહે છે. મુક્ત, ન્યાયી અને તટસ્થ ચૂંટણી યોજવાના હેતુથી આવી શક્યતાઓનું તાત્કાલિક અસરકારક નિવારણ કરવું અતિ આવશ્યક અને અનિવાર્ય છે.

જેથી જે ગામોમાં ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયત વિસ્તારમાં કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં મોબાઈલ સર્વિસ આપતી કંપનીઓ તેમજ ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ વગેરે જેવી સોશિયલ સાઇટ પુરી પાડતી કંપનીઓએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચૂંટણી હેઠળના તમામ વિસ્તારોમાં પ્રસ્થાપિત કાયદાનો ભંગ થાય તેવો કે ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ થાય તેવા કે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશ અને સૂચનાઓનો ભંગ થાય તેવા કે મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરે તેવા ગ્રુપ કે બલ્ક એસ.એમ.એસ., એમ.એમ.એસ., તથા અન્ય કોઈપણ પ્રકારના સંદેશાઓ તા. 27 જૂન સુધી પ્રસારિત કરી શકાશે નહીં કે કરવા દેશો નહીં. વધુમાં રાજકીય સ્વરૂપના કોઈપણ પ્રકારના સંદેશાનું પ્રસારણ મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા એટલે કે તા. 20 ના સાંજના 6 વાગ્યાથી તા. 22 સાંજના 6 વાગ્યા સુધી સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. ઉપરોક્ત જાહેરનામા તા. 27 જૂન સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application