BREAKING NEWS

સ્ટોન ક્રશરમાં ભાગીદારીના બહાને નમકીનના વેપારી સાથે રૂા.૧૦.૯૮ કરોડની છેતરપિંડી

  • January 16, 2026 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના મોટામવા રોડ પર ગોલ્ડન આર્ક ફલેટમાં રહેતા અને વડાલિયા ફૂડસ નામે નમકિન પ્રોડકટસનું મેન્યુફેકચરિંગ ધરાવતા નામાંકિત ઉધોગપતિને રેતી કપચીની ૩ અલગ અલગ ક્રશર પેઢીમાં ભાગીદારીની લાલચ આપી ૧૨ ટકા વાર્ષિક વળતરની લોભામણી લાલચમાં ફસાવી વિશ્ર્વાસ કેળવ્યા બાદ દર્શન મીનરલ્સ પેઢી, જય સ્ટોન ક્રશર પેઢી અને દર્શિલ સ્ટોન ક્રશર નામે પેઢી ધરાવતા બે ભાગીદારોએ ઉધોગપતિ અને તેના પરિવારના તેમજ સગા–સબંધીઓ કરોડો રૂપિયા ભાગીદારીમાં ઇન્વેસ્ટ કરાવી હાથ ઉંચા કરી લેતાં ક્રાઇમબ્રાંચમાં જીપીઆઇડી એકટ હેઠળ ગુનો દાખલ થતાં સનસનાટી મચી જવા પામી છે.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત  વિગત રાજકોટ શહેરના મોટામવા રોડ પર આવેલ ગોલ્ડન આર્ક ફલેટ ૯૦૨માં રહેતા અને ગોંડલ રોડ ગાંધી ચેમ્બર્સમાં વડાલિયા ફૂડસ નામે નમકીનની પેઢી ધરાવતા અને નમકીન પ્રોડકટનું મેન્યુફેકચરિંગ કરતા દર્શનભાઇ રસીકભાઇ વડાલિયા (ઉ.વ.૪૨)વાળાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદમાં દર્શનભાઇ વડાલિયાએ  જણાવ્યા મુજબ ૨૦૧૯ની સાલમાં વિજયભાઇ હરિભાઇ માકડિયા (રહે. ફોચ્ર્યુન એકઝોટિક એપાર્ટમેન્ટ, મોટામવાવાળા) સબંધી થતાં હોય આઠેક વર્ષથી પરિચય હોય જેઓ રેતી કપચી ક્રશર પેઢી ધરાવતા હોય તેમજ તેના ભાગીદાર તરીકે અમીત રમેશભાઇ ભાણવડિયા (રહે.ફોચ્ર્યુન એકઝોટિક એપાર્ટમેન્ટ, મોટામવાવાળા) સાથે પરિચય થયો હતો.

દર્શનભાઇએ ૨૦૧૯ની સાલમાં પંચાયત ચોકમાં આવેલ વિજય માકડીયા અને અમિત ભાણવડીયાની ઓફિસએ મળવા માટે અવારનવાર ફોન કરતા હોય તેઓની ઓફિસે મળવા ગયા હતાં અને બન્નેએ પોતાની દર્શન મીનરલ્સ પેઢી, જય સ્ટોન ક્રશર અને દર્શિલ સ્ટોન ક્રશરની ભાગીદારી પેઢીમાં કપચીનો ધંધો કરતા હોય તેમાં રોકાણ કરવા અને વાર્ષિક રૂપિયા ૧૨ ટકા વળતર મળશે તેવી લાલચ આપી વિશ્ર્વાસમાં લીધા  હતાં. ત્યારબાદ વિજયભાઇ સબંધી થતાં હોય અને તેનો ભાગીદાર અમિત ભાણવડિયા મિત્ર હોય જે બન્નેના કહેવાથી દર્શનભાઇએ તેના માતુશ્રી જોશનાબેન રસિકભાઇ વડાલિયા, દાદા ગોકળભાઇ અંબાવીભાઇ વડાલિયા, કાકા નવનિતભાઇ, કૌટુંબિક દાદા વલ્લભભાઇ, કૌટુંબિક ભાઇ નવનીત વડાલિયા, કાકી નીતાબેન, કાકી સાધનાબેન, સહિતના પરિવારજનોના અલગ અલગ ત્રણ પેઢીમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું.
૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાન આ કુટુંબીઓના બેન્ક એકાઉન્ટમાંથી વિજયભાઇ અને અમીતભાઇ તેમને જણાવેલ વ્યકિતઓ તથા ભાગીદારોના ક્રશર પેઢીના એકાઉન્ટમાં ૬.૯૦ કરોડ જમા કરાવ્યા હતાં. ત્યારબાદ ૧૨ ટકા વ્યાજની રકમ માગતા થોડો સમય માટે આપેલ નાણાનું વળતર પણ માગ્યું હતું. જેથી બન્ને ભાગીદારો તમારું રોકાણ છે તેના વળતર સહિતની રકમ આગળના રોકાણમાં ગણીને તમામ રકમ વળતર સહિત ચૂકવી આપીશું તેવું કહી વિશ્ર્વાસમાં લીધા હતાં.

આ રોકાણના વળતર પેટેની રકમ અંદાજે એકાદ કરોડ જેટલી પરત આપી હતી. જેથી ભરોષો બેસી જતાં બન્ને પર વિશ્ર્વાસ દ્રઢ બન્યો હતો. પરંતુ નાણાની જરૂરીયાત હોય રોકેલ રૂપિયા પરત માગતા શરૂઆતમાં અલગ અલગ બહાનાઓ બતાવતા હતાં અને ગલ્લ ા તલ્લ ા કરવા લાગ્યા હતાં અને અંતે પૈસા નથી તેમ કહી હાથ ઉંચા કરી લીધા હતાં. ત્યારબાદ નાણાની ઉઘરાણી માટે અવારનવાર ફોન કરવા છતાં ફોન ઉપાડવાનું બધં કરી દીધું હતું. જેથી કુટુંબીજનોના રોકાણ કરાયેલા નાણાની ઉઘરાણી તેઓ દર્શનભાઇ પાસે કરવા દબાણ કરતા હોય અને રૂપિયા ૧૦ કરોડ ૯૮ લાખ ૯૪ હજાર આઠસો ૯૩ બન્ને ચીટર ભાગીદારો હજમ કરી ગયા હોય જે ન આપી છેતરપીંડી આચરતા અંતે ક્રાઇમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ નોંધાવતા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની સુચનાથી એસીપી બી.બી. બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.આર. ગોંડલિયા, પીઆઇ ચીરાગ જાદવ અને ટીમે જીપીઆઇડી એકટ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application