કોર્પોરેશનના કેટલાક આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર ૪ માસથી ન થતાં રોષ

  • May 16, 2023 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મ્યુ.કમિશ્નર દિનેશ મોદી આઉટસોર્સિંગ એજન્સીઓ ઉપર આકરા પાણીએ થશે?: અધિકારીઓને પણ આઉટસોર્સિંગ એજન્સીઓ ગણકારતી નથી: કેટલીક એજન્સીઓના કર્મચારીઓના પગારમાં દોઢ થી બે હજાર ઓછા આપતા હોવાની થોકબંધ ફરિયાદ

જામનગર કોર્પોરેશનમાં આઉટસોર્સિંગથી અમુક ખાતામાં ભરતીઓ કરવામાં આવી છે, હોંશે-હોંશે મોટા ઉપાડે આઉટસોસિર્ર્ંગ કર્મચારીઓ પગાર વિહોણા થઇ ગયા છે, એટલું જ નહીં કર્મચારીઓના ઘરના ચુલા પણ સળગતા નથી, કર્મચારીઓનું કોઇ માનતું નથી, કોઇ અરજ પણ સાંભળતું નથી, અધુરામાં પુરુ હોય તેમ નકકી કરેલા પગારમાંથી રુા.૧૫૦૦ થી ૨૦૦૦ કટ્ટ કરી નાખવામાં આવે છે, આવી વીમાસણ વચ્ચે કોર્પોરેશનની છ આઉટસોર્સિંગ એજન્સીઓને કોઇ કહેવા વાળુ નથી. અમુક કર્મચારીઓએ તો પગાર માટે રીતસર આજીજી કરી છે, કેટલાક કર્મચારીઓ રડી પડયા છે પરંતુ તેમના આસુ લુછવા માટે એજન્સીના કર્મચારીઓ કે અધિકારીઓ આગળ આવતા નથી અને કર્મચારીઓની હાય તેઓને લાગી શકે છે. શા માટે પગાર કરાતા નથી ? રાજકીય ઓથ ધરાવતી આ કંપનીઓ સામે કેમ કોઇ બોલતું નથી ? નવા કમિશ્નર ડી.એન.મોદી એક કડક અધિકારી તરીકેની છાપ ધરાવે છે ત્યારે હવે તેમણે આ મામલો હાથમાં લઇને કર્મચારીઓના પગાર તાત્કાલીક થાય તે માટે કડક આદેશો આપવાની જરુર છે.
જામનગર મહાપાલિકામાં છ કંપનીઓ કામ કરી રહી છે જેમાં અમીધારા ઇન્ફોટેક કામ કરે છે, રાજકીય વગ પણ ધરાવે છે, આરોગ્ય, જન સંપર્ક, કમિશ્નર કાર્યાલય, વોટર વર્કસ અને હાઉસટેકસમાં તેઓએ નીમેલા કર્મચારીઓ કામ કરે છે, બંસી એન્ટરપ્રાઇઝ નામની એજન્સીમાં લાઇટ શાખા, એકાઉન્ટ શાખા, નાયબ કમિશ્નરની કચેરી, ચૂંટણી-આધાર કાર્ડ, જન્મ-મરણ અને ફુડ શાખામાં કેટલાક કર્મચારીઓ ફરજ બજાવે છે, ત્રીજી કંપની એસ્કોટ સિકયુરીટી સર્વિસ છે તેમાં એસ્ટેટ, લગ્ન નોંધણી, સેક્રેટરી, ફાયર અને ઇમરજન્સી અને અન્ય ડીમાન્ડ મુજબ કર્મચારીઓ ફાળવે છે. ચોથી એજન્સીમાં રાજ સિકયુરીટી સર્વિસ અને મેન પાવર સપ્લાયર જેમાં સિવીલ, ઓડીટ, આસી.કમિશ્નર કાર્યાલય, માહિતી અધિકારમાં કર્મચારીઓ ફરજ બજાવે છે, પાંચમી કંપનીમાં જામનગર સફાઇ કામદાર સમાજ ઔદ્યોગીક સહકારી મંડળી કામ કરે છે જેમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટોર્સ, યુસીડી પ્રોજેકટ, ટીપીડીપીમાં તેમના કર્મચારીઓ કામ કરે છે, ઉપરાંત ટવીન્કલ હાઉસ એન્ડ કીપીંગ સર્વિસમાં પ્રોેજેકટ એન્ડ પ્લાનીંગ, ભૂગર્ભ ગટર, સામાન્ય વહિવટ અને રીચર્સ અને વસ્તી ગણતરીમાં તેમના કર્મચારીઓ કામ કરે છે.
ભૂતકાળમાં રચના નંદાણીયાએ અને આનંદ રાઠોડે રજૂઆતો પણ કરી છે અને બોર્ડમાં પણ પ્રશ્ર્ન ઉઠાવ્યા છે પરંતુ કેટલીક કંપનીએ તેમના કર્મચારીઓના ચાર-ચાર મહીનાથી પગાર કર્યા નથી તેથી કર્મચારીઓમાં રોષની લાગણી જન્મી છે. આવી એજન્સી સામે પગલા શા માટે લેવાતા નથી ? એક ધારાસભ્ય, એક પત્રકાર, એક ભાજપના અગ્રણી, એક પૂર્વ કર્મચારી જેવા લોકો આઉટસોર્સિંગ કંપનીમાં જોડાયેલા છે તેથી તેમને એવો પાવર છે કે અમારો વાળ કોઇ વાંકો વાળી શકે તેમ નથી, એકાદ મહીના બાદ થોડા દિવસ કોઇનો પગાર ન થાય તો લોકોને કેવી તકલીફ પડે છે તે કર્મચારી જ સમજી શકે. કમિશ્નરને મળવા જાય તો તેમના પીએ કર્મચારીઓને મળતા અટકાવે છે તેવી ફરિયાદ ખુદ મેયર કરી ચૂકયા છે, ત્યારે આ કર્મચારીઓનું કોણ ? તે પ્રશ્ર્ન છે.
**
 મ્યુ.કમિશ્નરને મળવું હોય તો કર્મચારીઓને રોકવામાં આવે છે
જામનગર મહાપાલિકાના મ્યુ.કમિશ્નરને જો મળવું હોય તો સહેલાઇથી મળી શકાતું નથી તેવી છાપ ઉભી થઇ છે, ખુદ મેયર બિનાબેન કોઠારીએ જણાવ્યું છે કે, કર્મચારીઓને તેમના પ્રશ્ર્ન અંગે મ્યુ.કમિશ્નરને રજૂઆત કરવા મળવું હતું પરંતુ તેમને મળવા દેવામાં કમિશ્નરના પીએ બિપીન પરમાર ખોટો પાવર રાખીને તેમને મળવા દેતા નથી, મેયરે કમિશ્નરને ફોન કર્યા બાદ કર્મચારીઓ મળી શકયા, કમિશ્નરના પીએને આટલી બધી સતા આપી દેવામાં આવી છે કે, સામાન્ય માણસ તેમને મળી ન શકે ? મ્યુ.કમિશ્નરે પણ કડક સુચના આપીને લોકોને અને કર્મચારીઓને સરળતાથી મળવા દેવા આદેશ કરવો જોઇએ. જો કે આ મામલે મેયર પણ કમિશ્નરના પીએ બિપીન પરમાર સામે ગુસ્સામાં છે અને તેમની વર્તણુંક અંગે પણ કમિશ્નરને ફરિયાદ કરી ચુકયા છે.
**
કર્મચારીઓના પગાર કાપી લેવાય છે, પીએફ અપાતું નથી
મોટાભાગના કર્મચારીઓએ આજકાલ સાથેની વાતચીતમાં એવી ફરિયાદ કરી છે કે, અમારો પગાર ૧૧ હજાર છે, ૨ હજાર કાપી લેવાય છે અને શેના કાપ્યા છે ? તો તેમ કહે છે કે, નોકરી કરવી હોય તો કરો, આમ જ થશે. બીજા કર્મચારીનો પગાર સોળેક હજાર આસપાસ છે તેમના પણ બે હજાર કાપી લેવાય છે, ખુદ વિરોધ પક્ષની કચેરીમાં બે કોમ્પ્યુટર ઓપરેટર પહેલા ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતાં હવે તેને પટ્ટાવાળા બનાવી દેવાયા છે, આ કયાંનો ન્યાય ? બેરોજગારીના હીસાબે આ બંને કયાંય જતાં નથી, જયારે તેમને પગાર અપાતો હતો ત્યારે પણ તેમના પગારમાંથી રુા.૨ હજાર કાપી લેવામાં આવતા નથી, ત્યારે વિરોધ પક્ષના સભ્યો કયાં હતાં ? તેમના કર્મચારીઓને બચાવી શકતા નથી તો બીજાનું શું બચાવવાના ? એટલું જ નહીં અમુકના પગારમાંથી રુા.૬૫ અને ૯૫ પીએફના કાપી લેવાય છે, અન્યના પીએફ કાપવામાં આવતા નથી, આ ભાંજગડની કોઇને ખબર નથી ?
**
પેધી ગયેલી એજન્સી સામે વહિવટી તંત્ર કોની લાજ કાઢે છે ?
જામનગર મહાપાલિકામાં આઉટસોર્સિંગ છ એજન્સીઓ છે, આગામી દિવસોમાં નવી એજન્સી આવવાની છે, ઉચ્ચ અધિકારીઓ ઓર્ડર કરે છે કે કર્મચારીઓના પગાર સમયસર કરો અને પીએફ પણ કાપો પરંતુ રાજકીય ઓથ ધરાવતાં વહિવટી તંત્રના અધિકારીઓનું માનતા નથી, કારણ કે તેઓ મોટામાથાને કંઇ કહી શકતા નથી અને કર્મચારીઓના પગાર પણ થતાં નથી. વહિવટી તંત્ર શા માટે આ એજન્સીઓના મોટામાથા સામે કડક પગલા લેતું નથી ? મ્યુ.કમિશ્નર હવે તેમના હાથમાં આ પ્રોજેકટ લે અને કર્મચારીઓને ઝડપથી પગાર કરાવી આપે તેવું જ લોકો ઇચ્છી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application