કેન્દ્રીય બજેટ 2026-27માં નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતને આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે રેર અર્થ કોરિડોરના નિર્માણનો દૂરદર્શી પ્રસ્તાવ મૂક્યો છે. આ પગલું મુખ્યત્વે ચીન જેવા દેશો પર ભારતની નિર્ભરતા ઘટાડવા અને ભવિષ્યના ઉદ્યોગોને સુરક્ષિત કરવા માટે લેવામાં આવ્યું છે.
નાણામંત્રીએ ખનિજ સમૃદ્ધ રાજ્યો ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં સમર્પિત કોરિડોર વિકસાવવા માટે સહાયની જાહેરાત કરી છે. આ પહેલ નવેમ્બર2025 માં શરૂ કરાયેલ રૂ. 7,280 કરોડની રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ સ્કીમનો જ એક ભાગ છે.
આ કોરિડોર માત્ર ખાણો નથી, પરંતુ એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ છે. જેમાં દરિયાકાંઠાની રેતીમાંથી દુર્લભ ખનિજો શોધી કાઢવા, કાચી ધાતુને શુદ્ધ ઓક્સાઈડ અને ધાતુઓમાં રૂપાંતરિત કરવી, આ ખનિજોનો ઉપયોગ કરીને 'પરમેનન્ટ મેગ્નેટ' અને હાઈ-ટેક ઘટકોનું નિર્માણ કરવું વગેરેનો સમાવેશ થાય છે.
ભારતમાં રેર અર્થ તત્વોનો સૌથી મોટો ભંડાર દરિયાકિનારે જોવા મળે છે. ઓડિશા અને કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોનાઝાઈટ અને ઈલ્મેનાઈટ જેવા ખનિજોનો વિશાળ ભંડાર છે. તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઇલના મોટા મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર છે, જ્યાં આ ખનિજોની સૌથી વધુ જરૂર પડે છે.
વૈશ્વિક સપ્લાય ચેઈનનો વિકલ્પ: અત્યારે વિશ્વ રેર અર્થ માટે ચીન પર 90 ટકા નિર્ભર છે. જો ચીન નિકાસ અટકાવે, તો દુનિયાની ટેકનોલોજી થંભી શકે છે. ભારત આ કોરિડોર દ્વારા વિશ્વ માટે 'વૈકલ્પિક સપ્લાયર' બની શકે છે. ભારત અત્યારે મેગ્નેટ અને ચિપ્સની આયાત કરે છે. સ્થાનિક સ્તરે ઉત્પાદન થવાથી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને કારની કિંમતોમાં 10 ટકાથી 15 ટકાનો ઘટાડો થઈ શકે છે.
આ માત્ર વિજ્ઞાનનો વિષય નથી, પરંતુ આ ચાર રાજ્યોમાં માઇનિંગ એન્જિનિયર્સ, કેમિકલ રિસર્ચર્સ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં હજારો નવી નોકરીઓ ઊભી થશે. સરકારે જાહેર કરેલ રૂ 40,000 કરોડનું 'ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ ફંડ' અને આ કોરિડોર મળીને ભારતને 'ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ હબ' બનાવશે.