ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. આ ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે, જે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની ચાર બેઠકો માટે પોતાના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા આ વખતે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. રાજ્યની આ ચાર પ્રતિષ્ઠિત બેઠકો માટે ભાજપે રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારિયાના નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
કોણ છે ચારેય ઉમેદવારો?
જીતેન્દ્ર કણઝારીયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના અગ્રણી નેતા અને કાર્યકર છે. તેઓ ખંભાળિયા અને કલ્યાણપુર વિસ્તારના વિવિધ સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં સક્રિય રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે. 2021માં કોરોનાના કારણે મેઘજીભાઈ કણઝારિયાનું અવસાન થયું હતું.
માનસિંહ પરમાર ગીર સોમનાથના વતની અને વર્તમાન બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે, અગાઉ ગીર સોમનાથના જિલ્લાના સંગઠનમાં કામગીરી કરી ચૂક્યા છે. મયંક નાયક બાદ વર્તમાન ઓબીસી સમાજના ભાજપના પ્રમુખને હવે રાજ્યસભામાં તક આપવામાં આવી છે.
રાજુ શુક્લા મૂળ કડીના વતની છે. તેમજ કલોલ ભાજપના કાર્યકર અને સુરેન્દ્રનગરના પ્રભારી છે. ઉપરાંત પૂર્વ જીપીએસસીમાં સદસ્ય રહી ચૂક્યા છે. હાલ તેઓ ભાજપના કારોબારી સભ્ય છે.
મુકેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના વતની છે. ભાજપના વિદ્યાર્થી પરિસદ પાંખથી સક્રિય છે અને આદિવાસી સમુદાયમાંથી આવે છે. તેમજ હાલ યુવા ભાજપ મોરચાના હોદેદાર છે
૮ જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે, ૧૮ જૂને મતદાન
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર સમયપત્રક અનુસાર, ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે આગામી ૮ જૂન સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. ઉમેદવારીપત્રોની ચકાસણી અને નામ ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, જો જરૂર જણાશે તો ૧૮ જૂનના રોજ સવારથી મતદાન યોજાશે અને તે જ દિવસે પરિણામો પણ જાહેર કરવામાં આવશે. જો કે, વર્તમાન રાજકીય સ્થિતિ જોતાં આ ચૂંટણીમાં મતદાનની સ્થિતિ ઊભી થાય તેવી શક્યતાઓ નહિવત દેખાઈ રહી છે.
સંખ્યાબળ જોતાં ભાજપના તમામ ઉમેદવારો બિનહરિફ ચૂંટાય તે નક્કી
ગુજરાત વિધાનસભાના વર્તમાન સમીકરણો અને ગણિત પર નજર કરીએ તો, ૧૮૨ સભ્યોની વિધાનસભામાં શાસક પક્ષ ભાજપ પાસે ૧૬૧ ધારાસભ્યોનું પ્રચંડ અને મજબૂત સંખ્યાબળ છે. આ જંગી બહુમતીના કારણે ભાજપના ચારેય ઉમેદવારોનો વિજય સો ટકા નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ, વિપક્ષ કોંગ્રેસ પાસે માત્ર ૧૨ ધારાસભ્યોનું જ સંખ્યાબળ હોવાથી તે એક પણ બેઠક જીતી શકે તેમ નથી. કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવાર ઊભા રાખવાની સંભાવના નહિવત હોવાથી ભાજપના આ ચારેય ઉમેદવારો બિનહરિફ વિજેતા જાહેર થાય તે લગભગ નક્કી છે.
ટર્મ પૂરી થનાર અને હાલના સાંસદોની સ્થિતિ
આ ચૂંટણી એવા સાંસદોની ખાલી પડનારી બેઠકો માટે યોજાઈ રહી છે જેમની ટર્મ (મુદત) ટૂંક સમયમાં પૂરી થઈ રહી છે. ટર્મ પૂરી થનાર સાંસદોમાં ભાજપના રમીલાબેન બારા, નરહરિ અમીન, રામભાઈ મોકરિયા અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. શક્તિસિંહ ગોહિલની ટર્મ પૂરી થતાં કોંગ્રેસે આ બેઠક ગુમાવવી પડશે.
જ્યારે આ ચાર નવી બેઠકો ઉપરાંત, ગુજરાતમાંથી રાજ્યસભામાં હાલમાં પ્રતિનિધિત્વ કરી રહેલા અન્ય સાંસદોની વાત કરીએ તો તેમાં દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર, જે. પી. નડ્ડા, બાબુભાઈ દેસાઈ, ગોવિંદભાઈ ધોળકિયા, કેસરીદેવસિંહ ઝાલા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે, જેઓ પોતપોતાની ટર્મ કાર્યકાળ મુજબ સંસદના ઉપલા ગૃહમાં યથાવત રહેશે. ભાજપ દ્વારા આ ચાર નવા નામોની જાહેરાત કરાતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.