આજે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો હતો, જેમાં રાજકોટ 44.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. રાજ્યના અન્ય પાંચ શહેરોમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયો હતો, જેના કારણે લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડ્યો હતો.
આજે નોંધાયેલું શહેરવાર મહત્તમ તાપમાન નીચે મુજબ છે:
રાજકોટ: 44.5 ડિગ્રી સેલ્સિયસ
અમરેલી: 43.8 ડિગ્રી સેલ્સિયસ
અમદાવાદ: 43.5 ડિગ્રી સેલ્સિયસ
ડીસા: 43.5 ડિગ્રી સેલ્સિયસ
ગાંધીનગર: 43.4 ડિગ્રી સેલ્સિયસ
ભુજ: 42.4 ડિગ્રી સેલ્સિયસ
વડોદરા: 41.6 ડિગ્રી સેલ્સિયસ
ભાવનગર: 39.6 ડિગ્રી સેલ્સિયસ
નલિયા: 37.4 ડિગ્રી સેલ્સિયસ
કંડલા: 37.3 ડિગ્રી સેલ્સિયસ
સુરત: 35.6 ડિગ્રી સેલ્સિયસ
પોરબંદર: 35.0 ડિગ્રી સેલ્સિયસ
ઓખા: 33.6 ડિગ્રી સેલ્સિયસ
દ્વારકા: 32.4 ડિગ્રી સેલ્સિયસ
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગરમીનું જોર યથાવત રહેવાની આગાહી કરી છે. લોકોને બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવા અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને ગરમીથી બચવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
હીટવેવથી બચવા આટલું કરો :-
- પુરતું પાણી પીઓ, તરસ ન લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું.
- શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરો.
- બને તેટલું ઘરની અંદર રહો.
- વજનમાં હળવા, હળવા રંગના, ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ.
- શક્ય હોય તેટલું ઘરની અંદર રહેવું. તડકામાં ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો
- આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવો.
- પીક અવર્સ દરમિયાન રસોઈ કરવાનું ટાળો. રસોડામાં પૂરતા પ્રમાણમાં હવાની અવર-જવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ.
- નાગરીકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું
- ભરબપોરે કામ પર જતા સમયે થોડો સમય છાયડામાં આરામ કરવો
- ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં.
- ઉપવાસ કરવાનું ટાળવું
- મંદિર, મસ્જિદ, થિયેટર, શોપીંગ મોલ જેવા ઠંડક વાળા સ્થળોએ જવું
- ઘર, ઓફીસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા, કુલર તેમજ ACનો ઉપયોગ કરવો.
- બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.
- ઘરની છત પર સફેદ રંગ, સફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવવી, જે ઘરનું તાપમાન ઘટાડશે.
- પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો. બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ "લૂ"ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખો.
હીટવેવ સમયે આટલું ન કરો :-
- શક્ય હોય ત્યાં સુધી બપોરના ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી તડકામાં બહાર ન નીકળવું જોઈએ.
- શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ટાળવું જોઈએ. તેમજ બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ટાળવો જોઈએ.
- વધુ પ્રોટીન ધરાવતો ખોરાક, મીઠું, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળો. વાસી ખોરાક ન ખાવો.
- બાળકો અથવા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડશો નહીં.
- અગ્નિથી પ્રકાશિત બલ્બનો ઉપયોગ કરવાનું ટાળો, જે બિનજરૂરી ગરમી પેદા કરી શકે છે, જેમ કે કમ્પ્યુટર અથવા ઉપકરણો.
લૂ લાગવાના/સનસ્ટ્રોકના લક્ષણો :-
-માથું દુ:ખવું, પગની એડીઓમાં દુઃખાવો થવો
- શરીરનું તાપમાન વધી જવું
- ખૂબ તરસ લાગવી
- શરીરમાંથી પાણી ઓછું થઈ જવું
- વધુ તાવ આવવો
- ગરમ અને સૂકી ત્વચા
- નાડીના ધબકારા વધવા
- ઉલ્ટી થવી, ઉબકા આવવા
- ચકકર આવવા, આંખે અંધારા આવવા
- બેભાન થઈ જવું
- સુધ-બુધ ગુમાવી દેવી
- અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી.
હીટવેવની આગાહી દરમિયાન આવા લક્ષણ કોઈ પણ વ્યક્તિમાં જણાય તો તાત્કાલીક નજીકના ડોક્ટર, નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. આપાતકાલીન સ્થિતિમાં ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરવો.
લૂ લાગે ત્યારે વ્યક્તિની પ્રાથમિક સારવાર માટે આટલું કરો:-
- જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો
- શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ORS દ્રાવણ અથવા લીંબુ પાણી આપો
- લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઇ જવા
- જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુઃખાવો હોય, નબળાઈ હોય, ઉલટી થતી હોય કે બેભાન થઈ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવી
લૂ લાગવાના અમુક કિસ્સામાં જો તાત્કાલિક રીતે દર્દીને સારવાર ન મળે તો હીટસ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. ત્યારે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર, ગરમીની ઋતુમાં વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું સરબત પીવું જોઈએ. રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી જોઈએ. આ ઉપરાંત તરબુચનું દરરોજ સેવન કરવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોંઘવારીનો વધુ એક માર: અમૂલ દૂધના ભાવમાં આજ મધરાતથી 2 રૂપિયાનો વધારો લાગુ
April 30, 2025 07:45 PMસુરત શિક્ષિકા-વિદ્યાર્થી કેસ મામલે નવો વળાંક, ફરવા ગયા હોવાનો દાવો
April 30, 2025 07:02 PMરાજકોટ 44.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, છ શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન
April 30, 2025 07:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech