BREAKING NEWS

રાજકોટમાં 53 વર્ષમાં 23 મેયર: 13 જનરલ, 8 OBC અને બે વખત SCને તક, જુઓ તમામના નામનું લિસ્ટ

  • May 01, 2026 04:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરના ૨૪મા મેયર પદે કોણ નિયુક્ત થશે ? તે બાબત હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે ત્યારે રાજકોટને ૧૯૭૩માં મહાનગરનો દરજ્જો મળ્યાથી હાલ ૨૦૨૬ સુધીના મેયર પદની તવારીખ જોઇએ તો બાવન વર્ષમાં પ્રથમ મેયર સરકાર નિયુક્ત ત્યારબાદ કુલ ૨૨ મેયર ચૂંટાયા છે જેમાંથી ૧૩ જનરલ કાસ્ટ, આઠ ઓબીસી અને બે વખત એસસીને તક અપાઇ છે. રાજકોટના ૨૪મા મેયર તરીકે કોણ ચૂંટાશે તે પખવાડિયામાં સુનિશ્ચિત થઇ જશે. હાલ તો એકાદ ડઝન નામો ચર્ચાય રહ્યા છે.

તા.૧લી મે ૧૯૬૦ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું તે પૂર્વે સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું અને રાજકોટ તેની રાજધાની હતું, લાંબી લડત અને હિંસક આંદોલન બાદ બૃહદ મુંબઈમાંથી ગુજરાતને અલગ કરી રાજ્યનો દરજ્જો અપાયો અને સૌરાષ્ટ્ર રાજ્યનું ગુજરાતમાં વિલીનીકરણ કરાયું. આજે સૌરાષ્ટ્ર ભલે ગુજરાત રાજ્યનો હિસ્સો બની ગયું તેમ છતાં રાજકોટ શહેર તો આજે પણ સૌરાષ્ટ્રનું સૌથી મોટું મહાનગર બની રહ્યું છે. દરમિયાન તાજેતરમાં યોજાયેલી રાજકોટ મહાપાલિકાની ચૂંટણી પૂર્ણ થતા હવે શહેરના નવા મેયર કોણ તે બાબત ટોક ઓફ ધ ટાઉન બની છે. રાજકોટ શહેરને ૧૯૭૩માં મહાનગરના દરજ્જો મળ્યો ત્યારથી હાલ સુધીમાં કુલ ૨૩ મેયર ચૂંટાયા છે તેમાં ૧૩ વખત જનરલ કાસ્ટ, આઠ વખત ઓબીસી અને બે વખત એસસી મેયર ચૂંટાયા છે. આ તમામમાં સૌથી વધુ ટર્મ અને સૌથી વધુ સમય મેયર પદે રહેવાનો રેકોર્ડ વજુભાઇ વાળાના નામે અકબંધ છે.

રિઝર્વેશન રોસ્ટર અનુસાર રાજકોટ મહાપાલિકામાં આગામી ટર્મમાં મેયરપદે પ્રથમ અઢી વર્ષ જનરલ કાસ્ટ અને બીજા અઢી વર્ષ દરમિયાન એસ.સી.મહિલા મેયર પદે આવશે. પ્રથમ અઢી વર્ષ જનરલ કાસ્ટ માટે રિઝર્વ હોય તેમાં શાસક પક્ષ પોતાની ઇચ્છા અનુસાર જનરલ અથવા તો ઓબીસી કે એસસી કે એસટી કોઇ પણ કેટેગરીના મેયર નિયુક્ત કરી શકે છે. જનરલ રિઝર્વેશનમાં અન્યને મૂકી શકાય છે પરંતુ અન્ય રિઝર્વેશનમાં જનરલને મુકી શકાતા નથી.અગાઉ એક વખત જનરલ કેટેગરી રિઝર્વેશન આવ્યું ત્યારે ભાજપે મેયર પદે ઓબીસી મહિલા રક્ષાબેન બોળીયાને મેયરપદે નિયુક્ત કર્યા હતા તે સર્વવિદિત છે.

ભાજપ રાજકોટમાં બ્રાહ્મણ કે કડવા પાટીદારને મેયર પદ મળી શકે તેવી ચર્ચા છે, તદ્ઉપરાંત ક્ષત્રિય સમાજને ક્યારેય મેયરપદે તક અપાઇ ન હોય તે બાબત પણ વિચારાધિન છે. રાજ્યના અન્ય મહાનગરોમાં કઈ જ્ઞાતિ કે કયા સમાજના મેયર નિયુક્ત કરાય છે તેમજ રાજકોટમાં ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ કોને આપવાનું નક્કી થાય છે તેના આધારે મેયર પદ કોને આપશે તે નક્કી થશે. એકંદરે ભાજપ પાસે પદ આપવા માટેના અને પદ નહીં આપવા માટેના અને દાવેદારોને સમજાવવા માટેના તાર્કિક કારણો હંમેશા ઉપલબ્ધ હોય છે.


રાજકોટ મહાપાલિકાના મેયર પદની તવારીખ

1. રમેશભાઇ છાયા(નિયુક્ત)- ૧૯૭૩થી ૧૯૭૪

2. અરવિંદભાઇ મણિયાર- ૧૯૭૫થી ૧૯૮૦

3.અરવિંદભાઇ મણિયાર- ૧૯૮૧થી ૧૯૮૩

4.વજુભાઇ વાળા- ૧૯૮૩થી ૧૯૮૭

5.વજુભાઇ વાળા- ૧૯૮૭થી ૧૯૮૮

6.વિનોદભાઇ શેઠ- ૧૯૮૮થી ૧૯૯૧

7.વજુભાઇ વાળા- ૧૯૯૧થી ૧૯૯૩

9.ભાવનાબેન જોષીપુરા- ૧૯૯૫થી ૧૯૯૬

9.વિજયભાઇ રૂપાણી- ૧૯૯૬થી ૧૯૯૭

10.ઉદયભાઇ કાનગડ- ૧૯૯૭થી ૧૯૯૮

11.ગોવિંદભાઈ સોલંકી- ૧૯૯૮થી ૧૯૯૯

12.મંજુલાબેન પટેલ- ૧૯૯૯થી ૨૦૦૦

13.અશોકભાઇ ડાંગર- ૨૦૦૦થી ૨૦૦૩

14.મનસુખભાઈ ચાવડા- ૨૦૦૩થી ૨૦૦૪

15.ગૌરીબેન સિંધવ- ૨૦૦૪થી ૨૦૦૫

16.ધનસુખભાઇ ભંડેરી- ૨૦૦૫થી ૨૦૦૮

17.સંધ્યાબેન વ્યાસ- ૨૦૦૮થી ૨૦૧૦

18.જનકભાઇ કોટક- ૨૦૧૦થી ૨૦૧૩

19.રક્ષાબેન બોળીયા- ૨૦૧૩થી ૨૦૧૫

20.ડો.જૈમન ઉપાધ્યાય- ૨૦૧૫થી ૨૦૧૮

21.બીનાબેન આચાર્ય- ૨૦૧૮થી ૨૦૨૦

22.ડો.પ્રદીપ ડવ- ૨૦૨૦થી ૨૦૨૩

23.નયનાબેન પેઢડીયા- ૨૦૨૩થી ૧૧.૩.૨૦૨૬ સુધી

૨૪. ???



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application