BREAKING NEWS

વરસાદની સંભવિત આફતને ધ્યાને રાખી રાજકોટ યાર્ડનો નિર્ણયઃ ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ટોકન સિસ્ટમ અમલમાં

  • June 02, 2026 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં બદલાતા વાતાવરણ અને પ્રિ-મોન્સૂન વરસાદની ગતિવિધિઓ વચ્ચે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ અને આગોતરો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ, યાર્ડમાં પોતાની જણસી લઈને આવતા જગતના તાતના પાકને કોઈ નુકસાન ન થાય અને માલ પલળીને બગડે નહીં તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. યાર્ડ પ્રશાસન દ્વારા ખેડૂતોના હિતમાં અનેક સુરક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી યાર્ડમાં પાકની આવકને વ્યવસ્થિત કરવા અને બિનજરૂરી ભીડ ટાળવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને આધુનિક ટોકન સિસ્ટમનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ, ઘઉં અને ચણા જેવા મહત્વના પાકોને માત્ર ટોકન પદ્ધતિ દ્વારા જ મંગાવવામાં આવી રહ્યા છે, જેથી વાહનોની લાંબી લાઈનો ન લાગે. જ્યારે કપાસ, મગફળી, જીરું, ધાણા, સોયાબીન અને સિંગફાળા સહિતના અન્ય તમામ રોકડિયા પાકો માટે ખેડૂતોને તેમના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા આગોતરી જાણ કરીને જ યાર્ડમાં બોલાવવામાં આવે છે.


શેડની અંદર જ હરાજી અને તાડપત્રી રાખવા અપીલ

ચોમાસાની સંભવિત આફતને ધ્યાનમાં રાખીને યાર્ડના સત્તાધીશોએ કડક નિયમ બનાવ્યો છે કે, ખેડૂતો દ્વારા લાવવામાં આવતો તમામ પાક ખુલ્લામાં રાખવાને બદલે માત્ર અને માત્ર મોટા વોટરપ્રૂફ શેડની અંદર જ ઉતારવામાં આવે. આ ઉપરાંત, યાર્ડના ચેરમેન અને સેક્રેટરી દ્વારા ખેડૂતોને પણ એક ખાસ અપીલ કરવામાં આવી છે કે, તેઓ જ્યારે પણ ઘેરથી નીકળે ત્યારે પોતાના વાહનમાં પાકને સુરક્ષિત રાખવા માટે તાડપત્રી અચૂક સાથે રાખે અને માલ બરાબર ઢાંકીને જ યાર્ડ સુધી લાવે જેથી રસ્તામાં અચાનક વરસાદ આવે તો પણ નુકસાન ન થાય.


વેપારીઓને પણ કડક સૂચના

યાર્ડ તંત્ર દ્વારા માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ સ્થાનિક વેપારીઓ અને કમિશન એજન્ટોને પણ આદેશ આપવામાં આવ્યો છે કે જે માલની હરાજી થઈ જાય, તેનું લોડિંગ સમયસર અને ઝડપથી કરી લેવામાં આવે. વેપારીઓ દ્વારા માલનો ઝડપી નિકાલ થવાથી શેડમાં અન્ય ખેડૂતો માટે જગ્યા ખાલી રહેશે અને કોઈપણ પાક વાતાવરણના પલટાના કારણે બગડશે નહીં. તંત્રની આ સુવ્યવસ્થિત કામગીરીથી રાજકોટના ખેડૂતોએ પણ સંતોષ વ્યક્ત કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application