BREAKING NEWS

રાજકોટ ગ્રામ્ય પોલીસનું ઓપરેશન કારાવાસ: લૂંટ, ધાડ, ચોરી, ઠગાઈ સહિતના ગુનામાં ફરાર 17 આરોપીઓને ઝડપી લેવાયા

  • June 30, 2026 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ રૂરલ પોલીસે ઓપરેશન કારાવાસ-2 હેઠળ ચોરી, ઠગાઈ, દારૂ, લૂંટ, ધાડ સહિતના ગુનામાં નાસતા ફરતા 17 આરોપીઓને પકડી પાડ્યા હતા. રૂરલ પોલીસે અલગ અલગ રાજ્યોમાંથી આરોપીઓને ઝડપી લીધા હતા.

રાજ્યના ડીજીપી દ્વારા 8 જૂનથી 21 જૂન સુધી પેરોલ જમ્પ, વચગાળાના જામેલ મેળવી ફરાર થઈ ગયેલા કેદીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી. તેમજ સીઆઈડી ક્રાઇમના ડીજીપી દ્વારા 12 જૂનથી 21 જૂન સુધી ગુનામાં ફરાર લિસ્ટેડ આરોપીઓને પકડવા 'ઓપરેશન કારાવાસ-2' લોન્ચ કરવામાં આવ્યું હતું. જે ઓપરેશન હેઠળ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે.

આ ડ્રાઈવ દરમિયાન રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયન માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપવામાં આવી હતી. જે સૂચના અનુસંધાને જેતપુર ડિવિઝનના ડીવાયએસપી આર.એ. ડોડીયાના સુપરવિઝન હેઠળ એલસીબીના પીઆઈ જે.પી. રાવની રાહબરી હેઠળ પીએસઆઇ કે.એમ.ચાવડા, એચ.સી. ગોહિલ, આર.વી. ભીમાણી અને પી.એન. ભરવાડની રાહબરીમાં સ્ટાફે અલગ અલગ રાજયોમાંથી ૧૭ ફરાર આરોપીઓને ઝડપી લીધા હતાં.


આ ૧૭ ફરાર આરોપીઓને ઝડપી લેવાયા

માણાવદર પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટ અને ધાડના ગુનામાં આઠ વર્ષથી વચગાળાના જામીન મેળવી ફરાર થઇ જનાર આરોપી સબુરભાઈ જોખલાભાઈ મૈડા (રહે. ભાયાવદર અરણી રોડ, ઉપલેટા, રાજકોટ મૂળ રહે. જાંબુઆ, એમપી)ને તેના વતનમાંથી પકડી જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. કોટડાસાંગાણી પોલીસ મથકના અપહરણના ગુનામાં છેલ્લા તેર વર્ષથી ફરાર આરોપી ખેલુભાઈ થાવરીયાભાઈ બામણીયા (રહે. અલીરાજપુર, એમપી), કોટડાસાંગાણી પોલીસ મથકે વર્ષ 2015 માં નોંધાયેલ વર્ધીત વેરા અધિનિયમ હેઠળના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપો ઉમાશંકર સમીન્દ્ર બૈતાલિક (રહે. વેરાવળ શાપર, કોટડાસાંગાણી, મૂળ રહે. કમાલપુર, પશ્ચિમ બંગાળ)ને પકડી લેવાયો હતો.


જેતપુર સીટી પોલીસ મથકના અને ઉદ્યોગનગર પોલીસ મથકના દારૂના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી શ્યામલાલ લઘુરામ બિશ્નોઈ (રહે. જોધપુર, રાજસ્થાન)ને જોધપુર ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો. પાટણવાવ પોલીસ મથકમાં દોઢ વર્ષ પૂર્વે નોંધાયેલ દુષ્કર્મ અને પોક્સો એક્ટના ગુનામાં ફરાર આરોપી જવસીંગભાઈ મંગાભાઈ મંડોડ (રહે. ગરબાડા, દાહોદ), લોધિકા પોલીસ મથકના વિશ્વાસઘાતના ગુનામાં એક વર્ષથી ફરાર શ્યામ ઉર્ફે અંકિત મનસુખભાઇ ખાંટ (મૂળ રહે. ભાણવડ, જામનગર હાલ રહે. ઘંટેશ્વર તુલસી બંગ્લોઝ નં.-111, રાજકોટ) ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ચોરાઉ સામાન ખરીદવાના, આઈટી એક્ટના ગુનામાં તેમજ ઉત્તરપ્રદેશના ગોરખપુર સાયબર ક્રાઇમ પોલીસ મથકના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી ભરત અરજણ રાવતાણી અને જીતેન્દ્ર અરજણ રાવતાણી (બંને રહે. રેલનગર કુંજ રોડ, માતૃ મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટ, રાજકોટ) ને ઝડપી પાડવામાં આવ્યો હતો.


કોટડાસાંગાણી પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં એક વર્ષથી ફરાર મહિલા તસ્કર ચાંદનીનેણ દીપકભાઈ ભાકોડિયા (રહે. નાડોદાનગર, ખોખડદડ નદી કાંઠે, રાજકોટ) પોરબંદર જિલ્લાના કમલાબાગ પોલીસ મથકમાં નોંધાયેલ ખંડણી અને વ્યાજના ગુનામાં તેમજ સાયબર ક્રાઇમ પોલીસ મથકના છેતરપિંડી અને આઈટી એક્ટના ગુનામાં એક વર્ષથી ભૂગર્ભમાં ઉતરી ગયેલ આરોપી મોહન ઉર્ફે ધોબી રણછોડભાઈ વાજા (રહે. સુરજ પેલેસ પાછળ, પોરબંદર), મેટોડા પોલીસ મથકના દારૂના ગુનામાં બે માસથી નાસતો ફરતો આરોપી વિપુલ લાભુભાઈ મેતા (રહે. પરિશ્રમ સોસાયટી, ઇસ્કોન મંદિર પાછળ, રાજકોટ) કોટડાસાંગાણી પોલીસ મથકમાં છ માસ પૂર્વે દારૂના ગુનામાં બુટલેગર ભાવેશ ઉર્ફે ટાઇગર વિનુભાઈ મેટાળીયા (રહે. પાંચવડા, ચોટીલા, સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી સંબંધિત પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

ચોરીના ગુનામાં પાંચ મહિનાથી નાસતો ફરતો આરોપી મોક્ષ ઉર્ફે મૌલીક ભરતભાઈ સોલંકી(રહે. તાલાળા, ગીર સોમનાથ), દારૂના ગુનામાં છ મહિનાથી ફરાર લિસ્ટેડ બુટલેગર ધવલ રસિકભાઈ સાવલિયા(રહે. રાજકોટ)ને રાજસ્થાનના વિજયનગરથી ઝડપી લીધો હતો. દારૂના ગુનામાં ત્રણ માસથી ફરાર બુટલેગર દિલુભાઈ જેઠસુરભાઈ તકમરીયા (રહે. કણકોટ પાટીયા, ઉપવન પાર્ક શેરી નં.-10, રાજકોટ) ત્રણ વર્ષ જૂના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપી સરમ ઉર્ફે સારમ જામસિંગ શીંગાળા અને તેના સાગરીત બબલુ જામસિંગ શીંગાળા (બંને રહે. ધાર, મધ્યપ્રદેશ), દારૂના ગુનામાં છ મહિનાથી ફરાર બુટલેગર જગદીશ ઉર્ફે જગો ગૌર રતિલાલ મહેતા (રહે. બોટાદ) નું મોત થઇ ગયાનું ધ્યાને આવતા રિપોર્ટ કરવામાં આવેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application