રાજકોટ મહાપાલિકામાં ૬૫ બેઠક સાથે પુન: ભાજપનું શાસન સ્થાપિત થતા હવે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને શાસક પક્ષ દંડક સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓની નિયુક્તિ માટે પક્ષ લેવલે પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે જેમાં ગઇકાલે મળેલી સંકલન મિટિંગમાં ઉપરોક્ત મુખ્ય પાંચ પદ માટે કુલ ૨૦ નામોનું લિસ્ટ ફાઇનલ કરવામાં આવ્યું હતું, દરમિયાન આજે થયેલા વિચાર વિમર્શ મુજબ ડેપ્યુટી મેયર પદ મહિલા કોર્પોરેટરને આપવા મામલે ગંભીરતા પૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, પાંચ પદાધિકારીઓની પસંદગી ગુજરાત વિધાનસભાની ૨૦૨૭ની ચૂંટણી તેમજ જ્ઞાતિ સમીકરણો સચવાય રહે તે મુજબ કરવાની રહે છે. જો મેયર પદ બ્રાહ્મણ અથવા પાટીદારને અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ ઓબીસી અથવા પાટીદારને અપાય તો ડેપ્યુટી મેયર પદ લોહાણા સમાજના મહિલા કોર્પોરેટરને આપવું તેવી વિચારણા ચાલી રહી છે. જ્યારે શાસક પક્ષના નેતા અને દંડક પદમાં એક સવર્ણ અને અન્ય એકમાં કોઇ પણ ઓછી વસ્તી ધરાવતી જ્ઞાતિના કોર્પોરેટરને આપવું તેવી પ્રાથમિક વિચારણા થઇ છે. અલબત્ત જો લોહાણા સમાજના મહિલા કોર્પોરેટરને ડેપ્યુટી મેયર પદ આપવાનું થાય તો વોર્ડ નં.૯ના સિનિયર કોર્પોરેટર દક્ષાબેન વસાણી ( દ્વિતીય ટર્મ), વોર્ડ નં.૭ના સિનિયર કોર્પોરેટર વર્ષાબેન કિરીટભાઇ પાંધી ( દ્વિતીય ટર્મ) અને વોર્ડ નં.૧૦માંથી પ્રથમ વખત ચૂંટાયેલા નીતાબેન લાલ સહિતના ત્રણ કોર્પોરેટરમાંથી કોને ડેપ્યુટી મેયર પદ અપાશે તે હજુ નક્કી નથી.
સામાન્ય રીતે અપવાદરૂપ સંજોગોને બાદ કરતા ભાજપ ક્યારેય બે મુખ્ય પદ એક જ વોર્ડના બે કોર્પોરેટર ને આપતો નથી તેવી પરંપરા છે. આથી તેના અનુસંધાને એવી ચર્ચા છે કે વોર્ડ નં.૭માંથી જો નેહલભાઇ શુક્લને મોટું પદ અપાય તો પછી તેમના સાથી કોર્પોરેટર વર્ષાબેન પાંધીને ડેપ્યુટી મેયર પદ મળી શકે નહીં, આવી જ રીતે વોર્ડ નં.૧૦માં જો ઘનશ્યામભાઇ હેરભાને મોટું પદ અપાય તો તેમના સાથી કોર્પોરેટર નીતાબેન લાલને ડેપ્યુટી મેયર પદ મળી શકે નહીં. આ મુજબ જોતા જો લોહાણા સમાજને ડેપ્યુટી મેયર પદ આપવું તે વાત ઉપર સર્વ સંમતિ સધાય તો વોર્ડ નં.૯ના ભાજપના સિનિયર કોર્પોરેટર દક્ષાબેન વસાણીને ડેપ્યુટી મેયરપદ મળે તેવી પ્રબળ શક્યતા હોવાનું મનાય રહ્યું છે. લોહાણા સમાજને મેયર પદ આપવું ન પડે તે માટે લોહાણા સમાજના પુરુષોને ટિકિટ અપાય નહીં હોવાનો ગણગણાટ સમાજમાં પ્રસરી ગયો હતો તે નારાજગી દૂર કરવા ડે. મેયર પદ આપવા વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. જો કે આજની સ્થિતિએ હજુ મામલો જો અને તો વચ્ચે છે પરંતુ આવતીકાલે તા.૭ને ગુરુવારે ગાંધીનગર ખાતે મળનારી પાર્લામેન્ટ્રી બોર્ડની મિટિંગમાં રાત્રિ સુધીમાં આ અંગેનો અંતિમ નિર્ણય લેવાઇ જશે તેમ જાણવા મળે છે.
રાજકોટના ૩૧મા ડેપ્યુટી મેયર કોણ ?
૧.વિનોદભાઇ બુચ (નિયુક્ત) ૧૯૭૩થી ૭૪
૨.અકબરઅલી લુકમાનજી ૧૯૭૫થી ૮૦
૩.કાંતિભાઇ વૈદ્ય ૧૯૮૧થી ૧૯૮૭
૪.કાંતિભાઇ વૈદ્ય ૧૯૮૭થી ૧૯૮૮
૫.કાનજીભાઈ પરસાણા ૧૯૮૮થી ૧૯૯૧
૬.ગોવિંદભાઇ પટેલ ૧૯૯૧થી ૧૯૯૩
૭.માવજીભાઇ ડોડીયા ૧૯૯૫થી ૧૯૯૬
૮.હરગોવિંદભાઇ વ્યાસ ૧૯૯૬થી ૧૯૯૭
૯.પુષ્પાબેન પંડ્યા ૧૯૯૭થી ૧૯૯૮
૧૦.લાલુભાઇ પારેખ ૧૯૯૮થી ૧૯૯૯
૧૧.મુકેશભાઇ ડાંગર ૧૯૯૯થી ૨૦૦૦
૧૨.મીનાબેન વસંત ૨૦૦૦થી ૨૦૦૧
૧૩.ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ૨૦૦૧થી ૨૦૦૩
૧૪.મોહનભાઇ સોજીત્રા ૨૦૦૩
૧૫.ભરતભાઇ મકવાણા ૨૦૦૩થી ૨૦૦૪
૧૬.શકીલભાઇ રફાઇ ૨૦૦૪થી ૨૦૦૫
૧૭.જશુમતીબેન વસાણી ૨૦૦૫થી ૨૦૦૬
૧૮.લાલુભાઇ પારેખ ૨૦૦૬થી ૨૦૦૭
૧૯.જનકભાઇ કોટક ૨૦૦૭થી ૨૦૦૮
૨૦.નરેન્દ્રભાઇ એમ.સોલંકી ૨૦૦૮થી ૨૦૦૯
૨૧.વલ્લભભાઇ દુધાત્રા ૨૦૦૯થી ૨૦૧૦
૨૨.ભીખાભાઇ વસોયા ૨૦૧૦થી ૨૦૧૧
૨૩.દીપાબેન ચીકાણી ૨૦૧૧થી ૨૦૧૩
૨૪.વિનુભાઇ ધવા ૨૦૧૩થી ૨૦૧૪
૨૫.ઉદયભાઇ કાનગડ ૨૦૧૪થી ૨૦૧૫
૨૬. ડો.દર્શિતાબેન શાહ ૨૦૧૫થી ૨૦૧૮
૨૭.અશ્વિનભાઇ મોલિયા ૨૦૧૮થી ૨૦૨૦
૨૮.ડો.દર્શિતાબેન શાહ ૨૦૨૧થી ૨૦૨૩
૨૯.કંચનબેન સિધ્ધપુરા માર્ચથી સપ્ટેમ્બર ૨૦૨૩
૩૦.નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજા ૨૦૨૩થી ૨૦૨૬