BREAKING NEWS

ગુજરાતમાં કાલથી બે દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની આગાહી, જાણો સૌરાષ્ટ્રમાં ક્યાં મેઘરાજા વરસશે

  • May 21, 2026 05:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે ફરી એકવાર કમોસમી વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લોકલ વેધર સિસ્ટમના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ સુધી રાજ્યના દરિયાકાંઠાના અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેના કારણે ખેડૂતોમાં ફરી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.


22 અને 23 મેના રોજ કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતવાર આગાહી મુજબ, આગામી 22 મેના રોજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે 23 મેના રોજ વરસાદનો વ્યાપ વધવાની સંભાવના છે. આ દિવસે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં ગાજવીજ અને તેજ પવન સાથે માવઠું થવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


વરસાદ છતાં ગરમીથી રાહત નહીં, તાપમાન 40 ડિગ્રીને પાર રહેશે

એક તરફ કમોસમી વરસાદની આશંકા છે, તો બીજી તરફ ગરમીના મોરચે કોઈ મોટી રાહત મળવાના સંકેત નથી. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યના સરેરાશ તાપમાનમાં કોઈ ખાસ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને અસહ્ય ગરમીનો દોર યથાવત્ રહેશે. રાજ્યના મોટાભાગના છૂટાછવાયા વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 40°Cથી વધુ જ નોંધાશે. જો કે, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત મુખ્ય ભૂમિભાગ, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું અને ગરમ રહ્યું હતું.


અમદાવાદ સહિત 6 શહેરોમાં પારો 42 ડિગ્રીને પાર, સુરતમાં રાહત

બુધવારે રાજ્યના અનેક શહેરો અગનભઠ્ઠીમાં શેકાયા હતા. અમદાવાદ, કંડલા એરપોર્ટ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થઈ ગયો હતો. ખાસ કરીને અમદાવાદમાં ગરમીનું જોર યથાવત્ રહ્યું છે અને સતત ત્રીજા દિવસે મહત્તમ તાપમાન 43.7°C જેટલું ઊંચું નોંધાયું હતું. રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં પારો 43 ડિગ્રીથી ઉપર રહેતાં નાગરિકોને અસહ્ય લૂ અને આગઝરતી ગરમીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, સુરતીલાલાઓ માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં જ મહત્તમ તાપમાનમાં 3.4 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થતાં સ્થાનિક લોકોને ગરમીથી મહદંશે રાહત મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application