સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ દાખલ થાય છે તેના સગાઓને રહેવા, જમવાની સુવિધા પુરી પાડવા માટે રેન બસેરા (વિશ્રામ ગૃહ) બનાવવાનો સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, દર્દીના સગાઓને સ્વચ્છ રૂમો, શુઘ્ધ ભોજન અને પીવાનું પાણી મળી રહે તે માટે પણ સરકાર વ્યવસ્થા કરશે, જામનગરને ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થશે, સૌરાષ્ટ્રની ૮ અને રાજયની ૧૪ હોસ્પિટલોમાં આ પ્રકારની સુવિધા પુરી પાડવામાં આવશે તેવો નિર્ણય રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે કેબીનેટની બેઠકમાં નિર્ણય કર્યો છે.
ગઇકાલે રાજય સરકારના પ્રવકતા જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આ વિશ્રામ ગૃહ બનાવવા માટે સેવાદાન ફાઉન્ડેશન અમદાવાદને જમીન લીઝ ઉપર આપવા કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે, લોકોના સગા દુર-દુરથી આવે છે અને સરકારી હોસ્પિટલોમાં આવે છે તેમના સગાઓને રહેવા-જમવાની વ્યવસ્થા ઉપલબ્ધ નથી ત્યારે સરકારે લોકોની આ મુખ્ય સમસ્યાને ઘ્યાનમાં લઇને જામનગર શહેરમાં મેડીકલ કોલેજમાં સલગ્ન હોસ્પિટલ ખાતે આરામ ગૃહ-વિશ્રામ ગૃહ બનાવવા નિર્ણય કર્યો છે જયારે દેવભુમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં પણ વિશ્રામ ગૃહ બનાવવામાં આવશે.
સૌરાષ્ટ્રની ૧૪ હોસ્પિટલોમાં આ પ્રકારના વિશ્રામ ગૃહ બનાવાશે, જેમાં સામાન્ય દરોમાં ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે, સાથે-સાથે શુઘ્ધ પાણી મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે અને સમગ્ર કોન્ટ્રાકટ સેવાદાન ફાઉન્ડેશનને આપવામાં આવ્યો છે તેમ સરકારે જાહેર કર્યુ છે.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં અને દેવભુમિ દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લાના દર્દીઓ પણ સારવાર માટે આવે છે, સૌરાષ્ટ્રની મોટામાં મોટી હોસ્પિટલ તરીકે આ હોસ્પિટલની ગણના થાય છે ત્યારે આગામી દિવસોમાં નવી હોસ્પિટલ માટેની કામગીરી શરૂ કરી દેવાશે, હાલ તો જુની હોસ્પિટલને પાડતોડ કરવામાં આવી રહી છે, સરકારના આ નિર્ણય બાદ હોસ્પિટલના પટાંગણમાં કે મેડીકલ કોલેજની જગ્યામાં આ વિશ્રામ ગૃહ બનાવવામાં આવે તેવી શકયતા છે અને થોડા દિવસોમાં આ અંગેની જમીન સંપાદનની કામગીરી પણ પુરી કરી લેવામાં આવશે.