BREAKING NEWS

ભાવનગર સહિત રાજ્યમાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો, ગુજરાતમાં ત્રણ શક્તિશાળી સિસ્ટમ સક્રિય થતા ગાજવીજ સાથે માવઠાની આગાહી

  • April 07, 2026 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં કુદરતનું અજીબ ચક્ર જોવા મળી રહ્યું છે. એક તરફ એપ્રિલ માસની ગરમી પડી રહી છે ત્યાં બીજી તરફ હવામાનમાં આવેલા આકસ્મિક પલટાએ સમગ્ર રાજ્યને બાનમાં લીધું છે. આજે બપોર બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાતાવરણમાં એકસાથે 3 શક્તિશાળી સિસ્ટમ સક્રિય થવાને કારણે આ માવઠું પડ્યું છે. આ અણધાર્યા વરસાદથી લોકોના મનમાં એક તરફ ફાળ પડી છે, તો બીજી તરફ ગરમીમાં રાહત મળતા હાશકારો અનુભવાયો છે.


ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. મહેસાણાના વિસનગર અને ઊંઝા શહેરમાં બપોરના સમયે અચાનક અંધારપટ છવાઈ ગયો હતો અને જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ઊંઝામાં પવનની ગતિ એટલી તીવ્ર હતી કે રસ્તા પર ઉભેલા હોર્ડિંગ્સ અને બેનરો પણ ઉખડી ગયા હતા. પાટણના ચાણસ્મા પંથકમાં પણ મેઘગર્જના સાથે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી, જેના કારણે ઉનાળાના ધોમધખતા તાપમાં રસ્તાઓ પર ચોમાસાની જેમ પાણી ફરી વળ્યા હતા. માણસા તાલુકામાં પણ તોફાની પવન સાથે વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું હતું.


મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ કુદરતી પલટાની વ્યાપક અસર જોવા મળી છે. ખેડા જિલ્લાના નડિયાદમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો, જ્યાં ધૂળની ડમરીઓને કારણે વાહનચાલકોની વિઝિબિલિટી ઘટી ગઈ હતી. માતર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લાના કાવી ગામે વીજળીના તેજ લિસોટા અને કડાકા સાથે મેઘરાજા પધાર્યા હતા. સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ ધીમી ધારે વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સાબરકાંઠાના હિંમતનગર અને પ્રાંતિજમાં પણ ભારે પવન સાથે માવઠું નોંધાયું છે.


જોકે, આ આહલાદક વાતાવરણ વચ્ચે ખેતી માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ભરઉનાળે આવેલા આ કમોસમી વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા રવિ પાક, ખાસ કરીને ઘઉં અને જીરાના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પણ પલળી ગયો હોવાના અહેવાલો છે. પવનને કારણે ઉનાળુ પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેની સીધી અસર ખેડૂતોની આર્થિક સ્થિતિ પર પડશે.


ચિંતાનો વિષય માત્ર કમોસમી વરસાદ નથી, પરંતુ આગામી ચોમાસાને લઈને પણ હવામાન વિભાગે મહત્વના સંકેતો આપ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ વર્ષે દેશમાં ચોમાસું નબળું રહેવાની શક્યતા છે. અલ-નીનોની અસર અથવા અન્ય ભૌગોલિક ફેરફારોને કારણે વરસાદની સરેરાશ ઘટવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં તો હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યના વિવિધ ભાગોમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપી છે, જેના કારણે પ્રશાસને પણ સાવચેત રહેવા સૂચના આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application