રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા રૂ. ૪૫૪ કરોડની મિલકત વેરા વસુલતનો લક્ષ્યાંક પૂર્ણ કરવા વધુ કડક પગલા ભરવાનો નિર્ણય લઇ હવે રૂા.પાંચ હજારનો વેરો બાકી હશે તો પણ નળ જોડાણ કટ કરવા અને મિલકત સીલ કરવા સહિતના પગલા લેવામાં આવશે.
વિશેષમાં ટેક્સ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, નોટીસ આપવામાં સમય પસાર ન થાય તે માટે વેરાવિભાગે મનપાની વેબસાઇટ ઉપર બાકીદારોનુ લિસ્ટ મુકી સમયસર વેરો ભરપાઇ કરવાની કડક સુચના આપી આ જાહેરાતને નોટીસ સમજવા સુચના આપી છે.
રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ અને રાજકોટ મહાનગરપાલિકાના રેકર્ડ પર નોંધાયેલ રેસીડન્સ, કોર્મશિયલ, તથા અન્ય કેટેગરીની મિલકત ઇન્ડસ્ટ્રીયલ ધરાવતા મિલકતધારકોને જાણ કરવામાં આવે છે કે જે મિલકત ધારકોના મિલકત વેરા તથા પાણી ચાર્જીસની રૂ.પાંચ હજાર કે તેથી વધુ રકમ બાકી હોય તેવા મિલકત ધારકોની યાદી કરવા પાત્ર રકમની વિગત રાજકોટ મહાપાલિકાની વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ છે. આવા બાકીદારોએ આ યાદી પરથી પોતાની મિલકત પેટેની બાકી રકમની વિગતો મેળવી, સત્વરે મિલકત વેરો તથા પાણી ચાર્જીસની બાકી રહેતી તમામ રકમ તાત્કાલિક ભરપાઇ કરવા આથી તાકીદ કરવામાં આવે છે. અન્યથા રાજકોટ મહાનગરપાલિકા વેરા વસુલાત શાખા દ્વારા જી.પી.એમ.સી એકટ ૧૯૪૯ ની કલમ ૧૨૮ હેઠળ, આવી મિલકતો સીલ કરવાની, નળ કનેકશન કપાતની તથા મિલકતની હરરાજી કરવા સુધીની કાર્યવાહી ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે જેની ગંભીર નોંધ લગત તમામે લેવી. મિલકત વેરો/પાણી ચાર્જીસની રકમ ઓનલાઈન, વોર્ડ ઓફીસ, સિટી સિવિક સેન્ટર તેમજ ઝોન ઓફીસથી ભરપાઈ કરી શકશે.