જામનગરના કામદાર કોલોની શેરી નં. ૩માં મકાન માલિક બહારગામ ગયા હતા અને પાછળથી તસ્કરો ત્રાટકીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ ૧.૪૦ લાખનો મુદામાલ ચોરી કરી ગયા છે.
જામનગરમાં કામદાર કોલોની શેરી નંબર ૩માં રહેતા અને મુળ ભરૂચ રોહીણીનગરના વતની તથા ખાનગીમાં નોકરી કરતા હિરેનભાઈ કૌશિકભાઇ સોની નામના ૩૭ વર્ષના યુવાને પોતાના બંધ મકાનમાંથી કોઈ તસ્કરો રૂપિયા ૧૦,૦૦૦ની રોકડ અને ચાંદીનુ પેડલ, બુટી, સોનાનું મંગળસુત્ર, બુટી, મોતીનું પેડલવાળુ જવેલરી સેટ, ઇમીટેશન ૨ હાર તથા ૨ જોડી બુટી, ૫ જોડી ઇમીટેશન કાનની બુટી, મળી કુલ ૧,૩૯,૧૦૦ની માલમતા ઉઠાવી ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પોતાના પત્ની અને બે બાળકો સાથે કચ્છમાં ફરવા માટે ગયા હતા, જે દરમિયાન પાછળથી તેઓના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરે નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રોકડ તથા દાગીના ઉઠાવી ગયા હતા.
તેઓ બહારગામથી પરત ફર્યા ત્યારે ઉપરોક્ત ચોરી થઈ હોવાનું અને પોતાના ઘરનો માલ સામાન વેરણ છેરણ થયો હોવાનું જાણવા મળતાં પોલીસ ફરિયાદ કરી છે. જે મામલે સીટી-સી ડીવીઝનના પીએસઆઇ ઝાલા તપાસ ચલાવી રહયા છે.