રાજકોટ મહાપાલિકાએ વોર્ડ નં.૩માં રેલવે જંકશન સ્ટેશન નજીક આવેલા પોપટપરાના નાલામાં દર ચોમાસે કેડ સમાણા વરસાદી પાણી ભરાવાને કારણે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ જતો હોય આ સમસ્યા કાયમી ધોરણે ઉકેલવા માટે હવે મહાપાલિકાએ માસ્ટર પ્લાન તૈયાર કરીને રેલવેમાં રજૂ કર્યેા છે, દરમિયાન રેલવેએ આ પેટે .૫.૫૦ કરોડની રકમ માંગીને પ્લાન મંજૂરી અટકાવી હોવાનું જાણવા મળે છે. વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ, પોપટપરાના નાલા ઉપરથી રેલવે લાઇન પસાર થાય છે રેલવે લાઇનની બંને બાજુમાં પણ રેલવેની જગ્યા છે. આથી રેલવે લાઇનની બાજુમાં પાણી ડાયવર્ટ કરવા માટેની પાઇપ લાઈન નાખવા રેલવેની મંજૂરી માંગવામાં આવી છે. પરંતુ રેલ્વે તંત્રએ તેની જમીનમાં પાઇપ લાઇન નાખવા માટે .૫.૫૦ કરોડ માંગ્યા છે. રેલવે તંત્રએ માંગેલી રકમમાં ઘટાડો કરવાની માંગણી સાથે મહાનગરપાલિકા તંત્રમાંથી પત્ર વ્યવહાર ચાલુ છે અને રકમ ઘટાડવા વિનંતી કરાઇ છે. જો રેલવે મંજૂરી આપે તો જ અહીં કામ થઇ શકે છે. બીજી બાજુ રેલવે દ્રારા સેફટી સહીતની બાબતો ચકાસવામાં આવનાર છે. પોપટપરાના નાલામાં વરસાદી પાણી ભરાતું કાયમી ધોરણે રોકવાના ઉપરોકત મ્યુનિસિપલ પ્રોજેકટ માટે રેલવે તંત્રએ માંગેલા ચાર્જ, પાઇપ લાઈન ખર્ચ સહિત કુલ આઠેક કરોડનો ખર્ચ થવાનો પ્રાથમિક અંદાજ છે.આવતા ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવાનું આયોજન છે.નાળા બાજુમાંથી લાઇન પસાર કરી વરસાદી પાણી ડાયવર્ટ થઈ શકે. સંતોષીનગર તરફથી આવતું વરસાદી પાણી સીધું આજી–૨ ડેમ તરફ ચાલ્યું જાય તેવો પ્રોજેકટ છે. પોપટપરા નાળામાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન આ રીતે જ ઉકેલાઈ શકે તેમ છે તેમ મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું.