BREAKING NEWS

PM મોદીનું ગુજરાતમાં આગમન, ખરાબ હવામાનને કારણે વડોદરા એરપોર્ટથી બાય રોડ કેવડિયા જવા રવાના

  • October 30, 2025 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને લઈને કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવતીકાલે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના હોય તેઓ આજે વડોદરા એરપોર્ટ પર ઉતર્યા હતા. જો કે, ખરાબ હવામાનને કારણે નરેન્દ્ર મોદી એરપોર્ટથી બાય રોડ કેવડિયા જવા રવાના થયા હતા.


કેવડિયા વિસ્તારમાં સવારથી વરસાદ

વડાપ્રધાનની આ બે દિવસીય મુલાકાત કેવડિયાને વિકાસની નવી ભેટ આપવાની સાથે રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવશે. બીજી તરફ કેવડિયા વિસ્તારમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આ બે દિવસના કાર્યક્રમની તૈયારીઓમાં વિઘ્ન ઉભું થયું છે.


1220 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

નરેન્દ્ર મોદી આજે સાંજે નિર્ધારિત કાર્યક્રમ મુજબ વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત વડોદરાના મેયર અને વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી વડોદરા એરપોર્ટ પર ટૂંકું રોકાણ કર્યા બાદ અહીંથી સીધા એકતા નગર (કેવડિયા) જવા રવાના થયા હતા, જ્યાં તેઓ આજે સાંજે રૂ.1220 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.


ભારતની પ્રથમ વામન વૃક્ષ વાટિકાનું લોકાર્પણ કરશે

વડોદરા એરપોર્ટ પરથી વડાપ્રધાનનો કાફલો નીકળ્યો તે પૂર્વે જ સુરક્ષાના ભાગરૂપે માર્ગના બંને તરફના રોડ બંધ કરી દેવામાં આવ્યા હતા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વડાપ્રધાનના હસ્તે અનેક મહત્વના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થશે, જે પ્રવાસીઓ માટે વધારાની સુવિધાઓ પૂરી પાડશે. આમાં સૌથી આકર્ષક છે ભારતની પ્રથમ વામન વૃક્ષ વાટિકા (બોન્સાઈ ગાર્ડન)નું લોકાર્પણ, જે રૂ.18.68 કરોડના ખર્ચે 13,885 ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવી છે અને જેમાં 65 જાતિના 1,147 મિનીએચર વૃક્ષો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application