આગામી ચોમાસાની ઋતુમાં વેરાવળ શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉભી ન થાય અને નાગરિકોને હાલાકીનો સામનો કરવો ન પડે તે માટે વેરાવળ–પાટણ સંયુકત નગરપાલિકા દ્રારા વ્યાપક પ્રીમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લ ા કેટલાક દિવસોથી ચાલી રહેલી આ ઝુંબેશને કારણે ગટર, બોકસ ડ્રેન અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફિસર પારસ મકવાણાએ જણાવ્યું હતું કે તા. ૩૧ મે, ૨૦૨૬ સુધીમાં શહેરમાંથી અંદાજે ૧૬૦૦ મેટિ્રક ટન જેટલા ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. કામગીરીને ઝડપી અને અસરકારક બનાવવા માટે પાંચ જેસીબી મશીનો તેમજ ૧૨ ટ્રેકટરો સતત કાર્યરત રાખવામાં આવ્યા છે. સેનીટેશન અને પૌડી શાખાના સંકલનથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાંચ વિશેષ ટીમો કાર્યરત છે, જેમાં ૬૦થી વધુ કર્મચારીઓ દિવસ–રાત મહેનત કરી રહ્યા છે. નગરપાલિકાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં પ્રિ મોન્સુન કામગીરીનું અંદાજે ૮૫ ટકા કામ પૂર્ણ થઈ ચૂકયું છે અને આગામી ૧૦ જૂન સુધી સમગ્ર કામગીરી પૂર્ણ કરવાનો લયાંક નક્કી કરવામાં આવ્યો છે. શહેરના તમામ મહત્વના વિસ્તારોમાં ગટર લાઈનો, ડ્રેનેજ ચેમ્બર અને વરસાદી પાણીના નિકાલ માટેના માર્ગેાની સફાઈને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વેરાવળ–પાટણ શહેરના ૧૧ વોર્ડ વિસ્તારમાં અંદાજે ૧૬ કિલોમીટર લાંબી બોકસ ગટર અને ૪ કિલોમીટર સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ કાર્યરત છે. ચોમાસા દરમિયાન યાં પાણી ભરાવાની સંભાવના વધુ રહે છે તેવા નાના–મોટા જંકશન સહિત ૫૭ મહત્વના પોઈન્ટોની ઓળખ કરી ત્યાં વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં જમા થયેલો કાદવ, પ્લાસ્ટિક અને અન્ય ઘન કચરો દૂર કરીને પાણીના વહનને સરળ બનાવવામાં આવી રહ્યું છે