BREAKING NEWS

હજુ ગોળી મારો આ જીવતો ન રહેવો જોઇએ, રાજકોટમાં રાત્રે ફાયરિંગ કરી પોલીસમેનના ભત્રીજાની હત્યાઃ આ રીતે ખેલાયો ખૂની ખેલ

  • July 09, 2026 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીઆરપી ગેમ ઝોનવાળા રોડ પર બુલેટની રેસ લગાવવા બાબતે ટકોર કરી ક્ષત્રિય યુવાને વાળા બંધુ સાથે ધોલધપાટ કરતા મામલો બીચકયો: બંન્નેએ ફોન કરતા તેના પિતા રણજીત વાળાએ અહીં આવી ચાર રાઉન્ડ ગોળીબાર કર્યો, વચ્ચે પડતા યુવાનના દાદાને માથામાં બંદુકનો કુંદો માર્યો: ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા, આરોપીઓની શોધ


શહેરના નાના માવા ગામમાં ગઈકાલ રાત્રીના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ જાડેજાના ભત્રીજા કૃષ્ણસિંહ હરદેવસિંહ જાડેજા (ઉ.વ.30) પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી તેની હત્યા કરી દીધી હતી. બચાવવા વચ્ચે પડેલા યુવાનના કૌટુંબિક દાદા અને પોલીસમેનના પિતા રહેન્દ્રસિંહ જાડેજા(ઉ.વ.૬૦) ને માથામાં બંદૂકનો ફુંદો મારી દેતા તેમને પણ ગંભીર ઈજા પહોચી હતી. ફાયરિંગ અને હત્યાના આ બનાવને લઈ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ રાત્રીના અહીં બનાવસ્થળે દોડી આવ્યા હતા.


અહીં ટીઆરપી ગેમ ઝોનવાળા રોડ પર પૂરપાટ ઝડપે બુલેટ ચલાવવા બાબતે ક્ષત્રિય યુવાને વાળા બંધુઓને ટપારી તેમની સાથે ધોલ ધપાટ કરતા તેમણે તેના પિતા રણજીત વાળાને ફોન કરી બોલાવી બાદમાં તેના પિતાએ ફાયરિંગ કર્યું હતું. બનાવને લઈ મૃતક યુવાનના માસીયાઇ ભાઈની ફરિયાદ પરથી તાલુકા પોલીસે નવલનગરમાં રહેતા વાળા બંધુ અને તેના પિતા વિરુદ્ધ હત્યા અને આર્મ્સ એકટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


હત્યાના આ બનાવ અંગે નાનામવા ગામ તળ શેરી નંબર 4 માં રહેતા કુલદીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.40) દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અભિમન્યુ વાળા, રાજવીર વાળા અને તેના પિતા રણજીત વાળાના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રીના નવ વાગ્યા આસપાસ તે જમીને શેરીમાં વોકિંગ કરવા નીકળ્યો હતો ત્યારે 9:30 વાગ્યા આસપાસ શેરીમાં માસીયાઇ

ભાઈ કૃષ્ણસિંહ જાડેજા તથા ત્રણ છોકરા ઉભા હોય જેથી તે ત્યાં ગયા હતા અને કૃષ્ણસિંહ ત્યાં આ છોકરાઓ સાથે બોલાચાલી કરતા હતા જેથી આ બાબતે પૂછતાં તેને કહ્યું હતું કે, આ છોકરાઓ અવારનવાર રોડ પરથી બુલેટ સ્પીડમાં ચલાવી નીકળે છે અને હલ્લાબોલ કરે છે તેમને રોડ પર બુલેટ ધીમે ચલાવવા બાબતે અવારનવાર કહ્યું છે છતાં બુલેટ લઈને નીકળે છે અને આજે પણ રેસ લગાવતા હોય તેમ બુલેટ લઈને નીકળ્યા હતા જેથી મેં તેને રોકયા હતા.


દરમિયાન આ છોકરાઓમાંથી અભીમન્યુ બોલવા લાગ્યો હોય જેથી કૃષ્ણસિંહ તેને થપ્પડ મારી હતી બાદમાં કુલદીપસિંહે બંનેને છૂટા પડાવ્યા હતા તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ અભિમન્યુ જણાવ્યું અને તેના પિતાનું નામ પૂછતા રણજીત વાળા કહ્યું હતું ત્યારબાદ અભિમન્યુને કહ્યું હતું કે, ઊભા રહો હમણાં મારા ભાઈ રાજવીરને બોલાવું છું તેમ કહી તેને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, અમારે ટીઆરપી વાળા રોડ પર લપ થઈ છે તું જલ્દી આવ ત્યારબાદ પાંચેક મિનિટમાં એક છોકરો એકટીવા લઈને આવ્યો હતો અને કૃષ્ણની સામે ઉભો રહી કહ્યું હતું કે શું છે તમારે, મારા ભાઈની સાથે કેમ લપ કરી? બાદમાં આ શખસે કૃષ્ણસિંહને ગાળો આપવા લાગ્યો હતો જેથી કૃષ્ણસિંહે તેને પણ ઝાપટ મારી હતી. જેથી અભિમન્યુ બોલ્યો હતો કે તું આપણા પપ્પાને બોલાવ તેમ કહેતા રાજવીરે ફોન લગાવી તેના પિતાને કહ્યું હતું કે, તમે અહીં ટીઆરપી વાળા રોડ પર આવો અહીં મને અને અભિમન્યુને માર માર્યો છે.


ત્યારબાદ ફરિયાદી કુલદીપસિંહે કહ્યું હતું કે આ છોકરાઓ સાથે આપણે માથાકૂટ નથી કરવી ચાલ ઘરે જઈએ અને તેઓ કૃષ્ણસિંહના ઘરે જતા રહ્યા હતા. કૃષ્ણસિંહ ફાકી ખાય ગેટ ખોલી થુકવા જતા શેરીમાં દેકારો થતો હતો. કૃષ્ણસિંહે કહ્યું હતું કે જેની સાથે લપત થઇ હતી તે અહીં માથાકૂટ કરવા આવ્યા હતા. આ શખસો ગાળાગાળી કરતા હતા દરમિયાન અભિમન્યુ તથા રાજવીર ગાળો દઈ કહેતા હતા કે આ જો અમારો બાપ આવી ગયો એટલું કહેતા તેના પિતા રણજીત વાળા કે જેના હાથમાં બંદૂક હોય તેનાથી હવામાં ફાયરિંગ કર્યું હતું. કૃષ્ણસિંહ તેને રોકવા જતા તેના બંને પુત્ર અભિમન્યુ અને રાજવીરે કૃષ્ણસિંહ સાથે મારામારી કરવા લાગ્યા હતા અને બોલતા હતા કે પપ્પા આને પતાવી દો આપણું નામ જ કેમ લીધું બાદમાં આ ત્રણેય કૃષ્ણસિંહને માર મારવા લાગ્યા હતા. યુવાન વચ્ચે પડતા રણજીતે તેને ધક્કો માર્યો હતો અને કૃષ્ણસિંહ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ કૃષ્ણસિંહ નીચે પડી જતા તેના છોકરાઓ બુમો પાડતા હતા કે પપ્પા અને મારી જ નાખો હજી ગોળી મારો આ જીવતો ન રહેવો જોઈએ.


દરમિયાન યુવાન તેના માસાને બોલાવવા ગયેલ ત્યારે કૃષ્ણસિંહના દાદા રહેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.60) બહાર આવ્યા હતા તે પણ વચ્ચે પડવા જતા રણજીતે તેના હાથમાં રહેલ બંદૂકનો કુંદો તેમને માથામાં મારી દીધો હતો. આ સમયે દિગ્વિજયસિંહ વચ્ચે આવતા રણજીતને તેની સામે બંદૂક તાકી કહ્યું હતું કે નજીકમાં ન આવતો નહીં તો ઉડાવી દઈશ. તેવામાં કિરીટસિંહે પાઇપ લઈને રણજીતને બે ત્રણ ઘા મારી દેતા રણજીત તથા તેના બંને પુત્ર પાર્કિંગ તરફથી ભાગી ગયા હતા.


હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કૃષ્ણસિંહને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેમના પિતરાઈ દાદા રહેન્દ્રસિંહને માથામાં ઇજા પહોંચી હોય તેને સારવાર બાદ રજા આપી દેવાઇ હતી.


બનાવને લઈ ઘટનાસ્થળે તાલુકા પોલીસ મથકના પીઆઇ એસ.આર. મેઘાણી તથા ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. ફાયરિંગ અને હત્યાના આ બનાવને લઇ સ્થાનિક પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમને આરોપીઓના ઘરે દરોડા પાડ્યા હતા પરંતુ હજુ આરોપીઓના સગડ મળ્યા નથી.


વાળા બંધુએ પિતાને કહ્યું હજુ ગોળી મારો આ જીવતો ન રહેવો જોઇએ

નાનામવામાં રાત્રીના રણજીત વાળા બંદુક લઇ આવી પહોંચ્યા બાદ તેના બંને પુત્રો કહેતા હતા કે, પપ્પા આને પતાવી દો આપણું નામ જ કેમ લીધું બાદમાં આ ત્રણેય કૃષ્ણસિંહને માર મારવા લાગ્યા હતા. રણજીતે કૃષ્ણસિંહ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ કૃષ્ણસિંહ નીચે પડી જતા તેના છોકરાઓ બુમો પાડતા હતા કે, પપ્પા અને મારી જ નાખો હજી ગોળી મારો આ જીવતો ન રહેવો જોઈએ.


યુવાન માતા- પિતાનો એકનો એક પુત્ર હતો: બે સંતાનો પિતાની છત્રછાયા ગુમાવી

ઘર પાસે બુલેટ લઇ પૂરપાટ ઝડપે નીકળવા બાબતે ઠપકો આપતા ગરાસીયા યુવાન કુષ્ણસિંહ જાડેજા(ઉ.વ.૩૦) ની હત્યા કરી દેવાઇ હતી. મૃતક યુવાન ધાંગધ્રા સર જાડેજા હોટલ ધરાવતા હતા.યુવાન માતા- પિતાનો એકના એક પુત્ર હતો. યુવાનને સંતાનમાં એક દીકરો-દીકરી છે. બનાવને લઇ પરિવારમાં માતમ છવાય ગયો હતો.


બુલેટ સ્પીડમાં ચલાવવાથી શ્વાન ભસતા હોય માટે ઠપકો આપ્યો’તો

આરોપીઓ રાત્રીના ટીઆરપી ગેમઝોનવાળા રોડ પર બુલેટ પૂરપાટ ઝડપે લઇ નીકળતા હોય જેથી શ્વાન ભસતા હોય તેની પાછળ દોડતા હતાં. દરમિયાન અહીં ગામમાં રમતા બાળકોને તેના લીધે શ્વાન કરડવાનો ખતરો રહેતો હોય જેથી યુવાને આ શખસોને ઠપકો આપ્યો હતો. જે ઠપકો આપવા બદલ યુવાનને જીવ ગુમાવ્યો પડયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application