BREAKING NEWS

ધોરાજીના મોટી મારડની સીમમાં થયેલી દંપતીની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની મથામણ

  • July 15, 2026 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે વાડી વિસ્તારમાં એમ.પી.ના દંપતીની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી.ત્રણ દિવસ પૂર્વે જ અહીં આવેલા આ પતિ- પત્નીની હત્યાના બનાવનો ભેદ ઉકેલવા સ્થાનિક પોલીસની સાથે એલસીબીની ટીમ મથામણ કરી રહી છે પરંતુ હજુ સુધી કોઇ કડી મળી નથી.


ધોરાજીના મોટી મારડ ગામે રમેશભાઈ ગોવિંદભાઈ ભૂત (રહે. જૂનાગઢ)ની વાડીમાંથી ગઈકાલે સવારે રોહીતભાઈ મથુરાભાઈ ચૌહાણ (ઉ.વ.17) અને દુર્ગાબેન રોહિતભાઈ ચૌહાણ (ઉ.વ.22 બન્ને રહે. મુળ સનોળ ગામ, રાણાપુર, જાંબુઆ, મધ્ય પ્રદેશ)નો લોથીથી લથભથ લાશ મળી આવી હતી. વાડી માલિક અહીં આવતા તેમણે લાશ જોઈ તાત્કાલિક સ્થાનિકો અને પોલોસને જાણ કરી હતી. જેથી પાટણવાવ પોલીસની ટીમો વાડીએ દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોટર્મ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી.


પોલીસની તપાસમાં મૃતક રોહિતભાઈ તેમના સસરા મલિયાભાઈ બિંદિયાભાઈ કે જે રમેશભાઈ ગોવિંદભાઈ ભૂતની વાડી છેલ્લા દાયકાથી વાવે છે. ત્યાં હજુ ત્રણ દિવસ પૂર્વે જ ખેતીકામ અર્થે આવ્યા હતાં. મૃતક રોહિતભાઈના સસરા મલિયાભાઈ વતનમાં ગયા હોય તેમના સ્થાને ખેતીકામ અર્થે પુત્રી અને જમાઈને અહીં બોલાવ્યા હતાં. દરમિયાન ગત તા. 13-07-2026ની રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ દંપતિને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતાં.

બનાવને પગલે પાટણવાવ પોલીસ મથકના પીઆઈ વાય.એમ. ગોહિલની ટીમો બનાવ સ્થળે દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સાથો સાથ ઘટનાની જાણ થતાં રૂરલ એલસીબી પીઆઈ જે.પી. રાવ અને તેમની ટીમો તેમજ એસઓજી, ડોગસ્ક્વોડ સહિતની ટીમોએ દોડી આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ગુનાનો તાત્કાલિક ભેદ ઉકેલવા સૂચના આપી હતી. જેથી પોલીસે પ્રથમ ડોગસ્કોવડની મદદથી ગુનાનો ભેદ ઉકેલવા પ્રયત્ન શરૂ કર્યો હતો.

બનાવ સીમ વિસ્તારમાં બન્યો હોવાથી અહીં સીસીટીવી કેમેરાનો અભાવ છે. સાથોસાથ વાડી વિસ્તારમાં લોકોની અવર જવર પણ ઓછી રહેતી હોય અને હત્યાને રાત્રીના સમયે અંજામ આપવામાં આવ્યો હોય કોઈ પ્રત્યક્ષદર્શી પણ હજુ સુધી સામે આવ્યો નથી. ઘટનાને 24 કલાક વીત્યા છતાં હજુ સુધી પોલીસને હત્યારા કે હત્યાના કારણ અંગે કોઈ સગડ નહીં મળતા પોલીસ બાતમીદારનું નેટવર્ક એકટિવ કરી બનાવનો ભેદ ઉકેલવા મથામણ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application