BREAKING NEWS

ચૂંટણી પહેલા રાજકોટમાં રાજકીય ગરમાવો, ક્ષત્રિય આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર પદ્મિનીબા વાળા AAPમાં જોડાયા

  • April 07, 2026 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ક્ષત્રિય આંદોલન દરમિયાન ચર્ચામાં આવેલા અને મહત્વની ભૂમિકા ભજવનાર પદ્મિનીબા વાળા વિધિવત રીતે આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા છે. અમદાવાદ ખાતે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં તેમણે કેસરીયો છોડી 'ઝાડુ' પકડ્યું છે.


તાનાશાહી સામે એકજૂથ થવા આહવાન

પદ્મિનીબાને પક્ષમાં આવકારતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, "જે લોકો ભાજપ સરકારની તાનાશાહી અને અન્યાયનો ભોગ બન્યા છે, તેવા તમામ સંઘર્ષશીલ ચહેરાઓને અમે 'આપ'માં આવકારીએ છીએ. પદ્મિનીબા જેવા લડાયક નેતાના આવવાથી પક્ષને મજબૂતી મળશે."


2024ના આંદોલનનો ઉલ્લેખ અને બદલાની વાત

ઈસુદાન ગઢવીએ ભૂતકાળના ક્ષત્રિય આંદોલનને યાદ કરતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "2024માં ક્ષત્રિય આંદોલન દરમિયાન જે રીતે પોલીસે ક્ષત્રિયાણીઓની ટીંગાટોળી કરી હતી અને અપમાન કર્યું હતું, તેને સમાજ ભૂલ્યો નથી. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તે અપમાનનો બદલો લેવાનો અને સરકારને પાઠ ભણાવવાનો યોગ્ય સમય પાકી ગયો છે."


શા માટે 'આપ'ની પસંદગી?

પદ્મિનીબા વાળાના જોડાણ પાછળ પંજાબ સરકારની જનકલ્યાણકારી યોજનાઓનું આકર્ષણ હોવાનું જણાવાયું છે. ઈસુદાન ગઢવીએ ઉમેર્યું કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા મહિલાઓને દર મહિને રૂ.1000 આપવાની જે સન્માનજનક યોજના અમલમાં મૂકવામાં આવી છે, તેનાથી પ્રેરિત થઈને પદ્મિનીબાએ 'આપ' સાથે જોડાવાનો નિર્ણય લીધો છે.


ચૂંટણી સમીકરણો પર અસર

પદ્મિનીબા વાળાના આગમનથી ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્ર પંથકમાં ક્ષત્રિય મતોનું ધ્રુવીકરણ થઈ શકે છે. ભાજપ સામેના નારાજ વર્ગને પોતાની તરફ ખેંચવા માટે 'આપ' આ રણનીતિનો ઉપયોગ કરી રહી હોય તેમ જણાય છે. આગામી મનપા ચૂંટણીઓમાં પદ્મિનીબાની સક્રિયતા ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application