BREAKING NEWS

પીડીએમ પાસે અન્ડરબ્રિજને સૈદ્ધાંતિક મંજૂરી; રાજકમલ ફાટકે H આકારના બ્રિજની વિચારણા

  • June 29, 2026 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ રોડ અને ઢેબર રોડની ટ્રાફિક સમસ્યા ઉકેલવા પીડી માલવિયા કોલેજના રેલવે ફાટકે રૂ.૮૨ કરોડના ખર્ચેઅંડરબ્રિજ બનાવવા રાજ્ય સરકાર તરફથી સૈધ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે પરંતુ માલવિયા કોલેજ વિસ્તારમાં તેમજ ઢેબર રોડ ઉપર નારાયણનગર વિસ્તારના અનેક રહેણાંક મકાનો કપાતમાં જતા હોય કપાત મામલે કોકડું ગૂંચવાયું છે, જો કે ટીપી બ્રાન્ચ દ્વારા કપાતનો સર્વે શરૂ કરી દેવાયો છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની ટ્રાફિક સમસ્યા ઉકેલવા ગોંડલ રોડ ઉપરના રાજકમલ ફાટકે અંગ્રેજી એચ આકારના અંડરબ્રિજનું પ્લાનિંગ હાથ ધર્યું હોવાનું જાણવા મળે છે.

રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રેલ્વે ફાટકમુક્ત વ્યવસ્થા ઊભી કરવાના ઉદ્દેશ સાથે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ આગળ વધારવામાં આવી રહ્યા છે. પી.ડી. માલવિયા કોલેજ પાસે આવેલ રેલ્વે ફાટક નજીક અન્ડરબ્રિજ બનાવવાની સરકારશ્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે અંદાજે રૂ.૮૨ કરોડની રકમને સૈદ્ધાંતિક મંજૂરી મળતા હવે આગામી પ્રક્રિયાઓને ગતિ મળશે.

પ્રસ્તાવિત અન્ડરબ્રિજના એલાઈમેન્ટ મુજબ ઢેબર રોડ અને ગોંડલ રોડ પર કેટલીક મિલકતો કપાતમાં આવતી હોવાથી, લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ કપાતની કામગીરી ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે જ પ્રોજેક્ટનું ડી.પી.આર., ટેન્ડર પ્રક્રિયા અને રેલ્વે વિભાગ સાથેનું સંકલન બાંધકામ શાખા સેન્ટ્રલ ઝોન દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ અન્ડરબ્રિજ તૈયાર થયા બાદ ઢેબર રોડ, ગોંડલ રોડ અને પી.ડી. માલવિયા કોલેજ વિસ્તારના ટ્રાફિકને મોટી રાહત મળશે. ખાસ કરીને ફાટક બંધ રહેવાના કારણે થતા ટ્રાફિકજામ, વાહનોની લાંબી લાઈનો અને સમય બગાડ જેવી સમસ્યાઓમાં ઘટાડો થવાની શક્યતા છે.

આ સાથે હવે રાજકોટના રાજકમલ ફાટક અંગે પણ આગામી સમયમાં વિચારણા આગળ વધે તેવી શક્યતા છે. રાજકમલ ફાટક પાસે એચ આકારના બ્રિજનો પ્રાથમિક વિચાર ચાલી રહ્યો છે, જેનો અંદાજીત ખર્ચ આશરે રૂ.૮૨ કરોડ માનવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ આગળ વધે તો કોઠારીયા તરફથી આવતા ભારે વાહનોને સીધું ક્રોસિંગ મળી શકે અને શહેરના આંતરિક ટ્રાફિક પરનો ભાર ઘટી શકે.

રાજકમલ ફાટક પર એચ આકારનો બ્રિજ બને તો ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને મોટો લાભ મળી શકે છે. કોઠારીયા અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાંથી આવતા ભારે વાહનોને ફાટક પર અટકવું ન પડે અને સીધી કનેક્ટિવિટી મળે, તો માલવાહક વાહનોના સમય અને ઇંધણ બંનેમાં બચત થશે.

જોકે, આ બંને પ્રોજેક્ટમાં રેલ્વે વિભાગ અને ટાઉન પ્લાનિંગ વિભાગની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. મિલકત કપાત, એલાઈમેન્ટ, ડી.પી.આર., ટેન્ડર, રેલ્વે મંજૂરી અને ટેકનિકલ સંકલન જેવી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ જ પ્રોજેક્ટ વાસ્તવિક અમલીકરણ તરફ આગળ વધી શકશે. હાલ પી.ડી. માલવિયા કોલેજ નજીકના અન્ડરબ્રિજની કામગીરી માટે પ્રાથમિક તબક્કાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, જ્યારે રાજકમલ ફાટકનો વિચાર પણ આગામી સમયમાં આગળ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application