ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા અને વહીવટી માળખું મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં HTAT (હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ) મુખ્ય શિક્ષક, વર્ગ-૩ની નવી જગ્યાઓ ઊભી કરવા તેમજ ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરવા અંગેનો એક સત્તાવાર પત્ર જાહેર કર્યો છે. આ અંગે ગાંધીનગર સચિવાલય ખાતેથી સેક્શન અધિકારી આર. જે. ચૌધરીની સહીથી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને લેખિત સૂચનાઓ મોકલી દેવામાં આવી છે.
ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા (સેમી ડાયરેક્ટ)ના આધારે પ્રક્રિયા પૂર્ણ કરાશે
સરકારના સત્તાવાર પત્રમાં જણાવ્યા અનુસાર, મુખ્ય શિક્ષક, વર્ગ-૩ના ભરતી નિયમોમાં સુધારો કરીને સીધી ભરતી, બઢતી અને ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા (સેમી ડાયરેક્ટ)નો રેશિયો ૧:૧:૨ નક્કી કરવામાં આવ્યો છે. આ સુધારેલા રેશિયો અનુસાર, ખાસ સ્પર્ધાત્મક ફાળાની જે પણ ખાલી જગ્યાઓ છે તેને અંદાજપત્રમાં સમાવીને ઊભી કરવામાં આવેલ કુલ ૧૧,૦૦૦ કરતાં વધે નહીં તે રીતે મર્યાદિત રાખવાની રહેશે. આ ખાલી જગ્યાઓને ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે ભરવા માટેની વહીવટી કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરીને પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે.
નાણાં વિભાગની મંજૂરી બાદ ૧,૮૦૮ બાકી જગ્યાઓ પહેલા ભરાશે
વધુમાં આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં મુખ્ય શિક્ષક વર્ગ-૩ની તત્કાલીન સમયે બાકી રહેલી ૧,૮૦૮ જગ્યાઓ ઊભી કરવા અંગે નવી બાબત નાણા વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જો કે, નાણા વિભાગે સૂચન કર્યું છે કે મંજૂર થયેલી જગ્યાઓ પૈકી જે જગ્યાઓ હાલ ખાલી છે તેને પ્રથમ ભરવામાં આવે અને ત્યારબાદ જ નવી જગ્યાઓ ઊભી કરવા માટેની દરખાસ્ત મૂકવી. આથી શિક્ષણ વિભાગે આ ૧,૮૦૮ ખાલી જગ્યાઓ ભરવાની કામગીરી આગામી અંદાજપત્ર તૈયાર થાય તે પહેલાં જ આટોપી લેવા જણાવ્યું છે.
નવી જગ્યાઓ મંજૂર કરવા માટે સમયમર્યાદા નક્કી કરાઈ
શિક્ષણ વિભાગે ભવિષ્યના આયોજન અંગે પણ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ૩૧ જુલાઈ, ૨૦૨૬ની સ્થિતિએ જે મહેકમ મંજૂર થાય, તેને ધ્યાનમાં રાખીને મુખ્ય શિક્ષક સંવર્ગની જેટલી પણ નવી જગ્યાઓ મંજૂર કરવાની થતી હોય તેની દરખાસ્ત નિયત નમૂનામાં તૈયાર રાખવી. આ દરખાસ્ત આગામી અંદાજપત્ર તૈયાર કરતી વખતે નિર્ધારિત સમયમર્યાદામાં જ સત્તાધિકારીઓ સમક્ષ રજૂ કરી દેવાની રહેશે. સરકારના આ આદેશથી રાજ્યની સરકારી શાળાઓને ટૂંક સમયમાં જ કાયમી મુખ્ય શિક્ષકો મળશે, જેનાથી શાળાઓના સંચાલનમાં મોટો સુધારો જોવા મળશે.