વાગડીયા સીમમાં પવનચકકીના કામમાં ક્રેન તુટી પડતા એક મોત, સાત ઘાયલ

  • September 18, 2023 01:23 PM 

ખાનગી કંપનીની ખેડુતો પર જોહુકમી : બાહુબલીઓને કામના કોન્ટ્રાકટ અપાયા : અનેક ખેડુતોની પાઇપલાઇનો સહિતના અનેક નુકશાન કરાયાની ફરીયાદ : ફીટીંગ દરમ્યાન પોચી માટી અને હવાના દબાણના કારણે સર્જાઇ દુઘર્ટના : તાબડતોબ ઇજાગ્રસ્તોને હોસ્પીટલમાં ખસેડાયા : બે ની હાલત ગંભીર : ક્રેઇન તુટતા અફડાતફડીનો માહોલ


જામનગર તાલુકાના વાગડીયા સીમમાં ખાનગી કંપની દ્વારા પવનચક્કીનું ફીટીંગનું કામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન ક્રેઇન તૂટી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક શ્રમિક યુવાનનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય સાત શ્રમિક ઘાયલ થયા છે, જે પૈકી બેની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.


જામનગર તાલુકાના વાણીયા-વાગડીયા સીમમાં પવનચક્કી લોકેશન નં. 303 પાસે ફીટીંગ કરવાનું કામ ચાલી રહ્યું છે, જે દરમિયાન ગઇકાલે બપોરના અરસામાં ક્રેઇન મારફતે પવનચક્કી ઊભી કરવામાં આવી રહી હતી, ત્યારે એકાએક પવનના કારણે ક્રેઇન તૂટી પડી હતી, અને ક્રેઈનનો હિસ્સો જમીન પર ધસી પડ્યો હતો.


આ સમયે નીચે કામ કરી રહેલા શ્રમિકોમાં ભારે નાસભાગ થઈ હતી, તે દરમિયાન મૂળ રાજસ્થાનના અજમેરના વતની રાજેન્દ્રસિંગ નામના 22 વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાનનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.


આ ઉપરાંત ક્રેઇન નીચે કામ કરી રહેલા હરદીપસિંગ, રૂમાનસિંગ, જેઠાકાંત ઘનુસિંગ સહિતના અન્ય પાંચ શ્રમિકોને નાની મોટી ઈજા થઈ હોવાથી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી બેની હાલત ગંભીર ગણાવાઇ રહી છે, જેમાં એકને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.  


આ ઘટના સમયે ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો, અને કામ કરી રહેલા શ્રમિકોમાં ભારે દોડધામ થઈ હતી. ઘટનાની જાણ થવાથી પંચકોષી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જીમ હોસ્પિટલે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.


બનાવ અંગે મુળ અજમેરના નિયાલીખેડા ગામના વતની હાલ વાગડીયા સીમમાં રહેતા વિશ્રામસીંગ ગંગાસીંગ રાવત (ઉ.વ.27)એ પંચ-એમાં જાણ કરી હતી, જેમાં જણાવ્યુ હતું કે જાહેર કરનાર વિશ્રામસીંગ અને તેના ભાઇ રાજેન્દ્ર ગંગાસીંગ રાવત (ઉ.વ.22) ગીરીરાજ ટ્રાન્સપોર્ટનના ટ્રેલરના ડ્રાઇવર અને ટ્રોલી ઓપરેટર તરીકે કામ કરતા હોય દરમ્યાન ગઇકાલે મોટા વાગડીયા સીમમાં પવનચકકી લોકેશન 303 ઉપર પાંખો લગાડવા માટે પોલ પર ફાઉન્ડેશન ચડાવવાનું કામ ક્રેન વડે ચાલુ હતું.


જાહેર કરનારના કબ્જાના ટ્રેલર નં. જીજે12બીટી-5304 તથા તેની સાથે અન્ય બે ટ્રેલર નં. જીજે12બીટી-5412 અને જીજે12બીટી-5216 પણ ઉભા રાખેલ હતા, ત્રણેય ટ્રેલરના ચાલકો અને ટ્રોલી ઓપરેટરો તેમાં બેઠા હતા એ દરમ્યાન ક્રેન વડે ફાઉન્ડેશન ચડાવતી વખતે ક્રેનની નીચેની જમીન માટી પોચી હોવાના કારણે સરકતા ક્રેનનું બેલેન્સ ખોરવાયુ હતું.


જાહેર કરનાર તરફ નમતા વિશ્રામસીંગ અને રાજેન્દ્રસીંગ રાવત પોતાના ટ્રેલરમાંથી નીકળીને ભાગવા લાગેલ દરમ્યાન ક્રેન ઝડપથી પોચી માટી અને હવાના દબાણના કારણે પલ્ટી ખાઇ રાજેન્દ્રભાઇ તથા અન્ય શ્રમિકો પર પડતા ઇજા પહોંચતા 108 મારફત સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં રાજેન્દ્રભાઇનું મૃત્યુ નિપજયુ હતું.


સુઝલોન કંપનીના પવનચકકીના કામમાં ગઇકાલે વાણીયાગામ પાસે દુર્ઘટના સર્જાતા ભારે દોડધામ મચી ગઇ હતી, જામનગર અને દ્વારકા જીલ્લામાં પવનચકકીના કામ ચાલી રહયા છે, અનેક વખતે ફરીયાદો ઉઠવા પામે છે, ખાસ કરીને પવનચકકીના કામ કરતી કંપનીના અધિકારીઓ દ્વારા ખેડુતોની જમીનમાં નુકશાની કરવામાં આવે છે, તેમજ ખેડુતો પર કંપનીઓ દ્વારા જોહુકમી પણ ચલાવવામાં આવે છે.


ખાનગી કંપનીઓ દ્વારા પવનચકકીના મહાકાય કોન્ટ્રાકટ આપવામાં પણ કેટલીક બાબતો પ્રત્યે આંખ આડા કાન કરાય છે, ખાસ કરીને ખાનગી કંપનીઓ દ્વારા પવનચકકીના કોન્ટ્રાકટ બાહુબલીઓને આપી દેવામાં આવે છે, જેના કારણે આવા કોન્ટ્રાકટરો ખેડુતો પર જોહુકમી ચલાવે છે, પોતાની મનમાની કરીને કામ કરતા હોય જેથી જે તે વિસ્તારમાં ખેડુતો અને ગ્રામજનોને કનડગત થાય છે.


કોન્ટ્રાકટરોની જોહુકમી સામે અનેક વખત ફરીયાદો કરવામાં આવે છે પરંતુ પગલા લેવામાં આવતા નથી, જામનગર અને દ્વારકા જીલ્લામાં પવનચકકીના કામોમાં અવાર નવાર નાની મોટી માથાકુટોના બનાવો સામે આવી ચુકયા છે, કામના કારણે આજુબાજુના લોકો મુશ્કેલી ઉપરાંત ખેડુતોની પાઇપલાઇનમાં ભંગાણ થાય છે, પાકને નુકશાન થાય છે, આ પ્રકારની ફરીયાદો પણ અગાઉ ઉઠવામાં આવી હતી, ખાનગી કંપનીઓના કરોડોના કામ અને તેમા નીકળતી મલાઇ તારવી લેવામાં આવતી હોય આથી આવા મહાકાય કામમાં એકબીજા લગત વિભાગો દ્વારા કંપની તરફ કુણું વલણ રાખતી હોવાની પણ અગાઉ વ્યાપક ફરીયાદો ઉઠી હતી, દરમ્યાન જામનગર નજીક પવનચકકીના કામમાં દુર્ઘટના સર્જાતા ભારે ચકચાર મચી જવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application