BREAKING NEWS

અષાઢસ્ય પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર કચ્છના માત્ર સાત તાલુકામાં ઝાપટાં

  • July 15, 2026 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોમાસાના ધોરી માસ અષાઢના પ્રથમ દિવસની શરૂઆત પણ રાજ્યમાં વરસાદની દૃષ્ટિએ નિરાશાજનક રહી હતી. છેલ્લા લાંબા સમયથી નોંધપાત્ર વરસાદના અભાવે ચોમાસું મંદ પડ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 277 તાલુકામાંથી માત્ર 17 તાલુકામાં જ વધુમાં વધુ 5 મિ.મી. સુધીના ઝાપટાં નોંધાયા હતા. તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છના માત્ર સાત તાલુકામાં વધુમાં વધુ 4 મિ.મી. સુધી વરસાદ વરસ્યો હતો. આજે સવારે તાલાલા, કુંકાવાવ-વડિયા અને લાલપુર તાલુકામાં વધુમાં વધુ 8 મિ.મી. સુધીના ઝાપટાં નોંધાતા થોડી રાહત અનુભવાઈ હતી, પરંતુ ખેડૂતો અને જળાશયો માટે જરૂરી એવો વ્યાપક વરસાદ હજુ પણ દૂર હોવાનું ચિત્ર સામે આવ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દિવસભર આકાશ વાદળછાયું રહ્યું હતું અને 20 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો. રાજકોટનું ગઈકાલનું મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે આજે સવારે 33.6 ડિગ્રી તાપમાન, 53 ટકા ભેજ અને સરેરાશ 20 કિ.મી. પ્રતિ કલાકની પવનની ઝડપ નોંધાઈ હતી. વાદળો અને પવનનું જોર હોવા છતાં નોંધપાત્ર વરસાદ નહીં વરસતા 'શ્રીકાર' વરસાદની કમી ક્યારે દૂર થશે તે પ્રશ્ન ખેડૂતોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ મોનસૂન ટ્રફ જમ્મુ, દેહરાદૂન, બારાબંકી, પટના, બાંકુરા અને કેનિંગ થઈ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી સુધી લંબાયેલી છે. ઉત્તર ગુજરાત અને નજીકના દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર ઉપલા હવાના ચક્રવાતી પરિભ્રમણની અસર છે. ઉપરાંત ઉત્તર બંગાળની ખાડી અને નજીકના દક્ષિણ બાંગ્લાદેશ વિસ્તારમાં ઉપલા હવાના ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ આગામી સમયમાં લો-પ્રેશર ક્ષેત્ર રચાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમ સક્રિય બન્યા બાદ ચોમાસાની ગતિવિધિઓમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની 21 જુલાઈ સુધીની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત પ્રદેશ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. જોકે 15 જુલાઈથી 21 જુલાઈ દરમિયાન રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદના છૂટાછવાયા ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સ્થાનિક સ્તરે વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. જોકે વ્યાપક અને સારો વરસાદ ક્યારે શરૂ થશે તે હજુ આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં સર્જાનારી નવી સિસ્ટમની સક્રિયતા પર નિર્ભર હોવાનું હવામાન નિષ્ણાતો માની રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application