સાણથલીની પરિણીતાને મરવા મજબૂર કરનાર પતિ સહિત સાસરિયા સામે ગુનો

  • September 26, 2024 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જસદણ તાલુકાના સાણથલી ગામે ગઈકાલે પરિણીતાના આપઘાત પ્રકરણમાં માવતરના પતિ સહિતના સામે આક્ષેપોના પગલે પોલીસે પરિણીતાને મરવા મજબુર કરવા બદલ કોટડા સાંગાણીના રામોદ ગામે રહેતા મૃતકની માતા વિજયાબેન મોહનભાઇ રાઠોડની ફરિયાદ પરથી મૃતકના પતિ વિપુલ ઉર્ફે અનિલ કાનાભાઇ પરમાર, સસરા કાનાભાઇ, સાસુ નિમુબેન, દિયર કલ્પેશ ઉર્ફે જીગો, મંગાભાઇ રૂડાભાઈ પરમાર અને તેની પત્ની શારદાબેન સામે બીએનસીની કલમ 108,54 મુજબ ગુનો નોંધ્યો છે.
મૃતકના માતા વિજયાબેનને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સંતાનમાં બે દીકરી એક દીકરો છે જેમાં નાની દીકરી સુધા હતી જેના લગ્ન પાંચેક વર્ષ પહેલા સાણથલી ગામે રહેતા વિપુલ ઉર્ફે અનિલ કાનાભાઇ પરમાર સાથે થયા હતા જેને સંતાનમાં એક દીકરો છે. મંગળવારે હું ઘરે હતી ત્યારે દીકરીના સાસરિયા પક્ષના બે વ્યક્તિઓ ઇકોકાર લઈને ઘરે આવ્યા હતા અને મને કહ્યું હતું કે, તમારી દીકરી સુધાએ ગળાફાંસો ખાઈ લીધો છે. વાત સાંભળી પરિવારજનોને જાણ કરતા બધા સાણથલી હોસ્પિટલએ પહોંચતા દીકરીનો મૃતદેહ પીએમ રૂમએ રાખવામાં આવ્યો હતો. દીકરીને મારી નાખ્યાની શંકા લાગતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં જણાવ્યું છે, દીકરીના લગ્ન થયા ત્યારથી પતિ વિપુલ સાસુ નિમુબેન, સસરા કાનાભાઇ, દિયર કલ્પેશ વિપુલનો નાનો ભાઈ મંગા રૂડાભાઈ પરમાર અને તેની પત્ની શારદાબેન દીકરી સાથે અવાર નવાર કામ બાબતે મેણાંટોણાં મારી, ઝગડાઓ કરી પૈસાની માગણી કરી રિસામણે અમારા ઘરે મોકલી દેતા હતા. દીકરીનો ઘર સંસાર સારી રીતે ચાલે એ રીતે અમે સમાધાન કરીને પરત મૂકી આવતા હતા. ગત તા.14-9ના હું દીકરીના ઘરે ગઈ ત્યારે મને સુધાએ વાત કરી હતી કે, પતિ, સાસુ,સસરા અને દિયર બધા બહુ દુ:ખ ત્રાસ આપે છે. આમ દીકરીએ બધાના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ મરવા મજબુર થઇ હતી. બનાવ અંગે પોલીસે ધરપકડની તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News