રાજકોટ મહાપાલિકાની આગામી ચૂંટણીમાં વોર્ડ નં.૧૧માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવનાર એડવોકેટ રક્ષિત કલોલાની ઉમેદવારી સામે કોંગ્રેસે એવા મતલબનો વાંધો રજૂ કર્યો હતો કે, સરકારી વકીલ ઉમેદવારી નોંધાવી શકે નહીં. દરમિયાન ઉમેદવારી પત્ર રજૂ થયા બાદ આજે થયેલી ચકાસણી પ્રક્રિયા અંતર્ગત આ વાંધો ગ્રાહ્ય રહ્યો ન હતો કારણ કે, ઉમેદવારી કરતા પુર્વે તેમણે તા.૯ એપ્રિલના રોજ સરકારી વકીલ તરીકે રાજીનામું આપી દીધું હતું.વિશેષમાં આ અંગે જાણવા મળતી વિગતો મુજબ એડવોકેટ રક્ષિત કલોલાએ ઉમેદવારી નોંધાવતા પુર્વે તા.૯ એપ્રિલના રોજ જિલ્લ | સરકારી વકીલ એસ.કે.વોરાને રાજીનામું આપી દીધું હતું. દરમિયાન આ મામલે એવો મુદ્દો પણ ઉપસ્થિત કરાયો હતો કે, જિલ્લ । સરકારી વકીલને આપેલું રાજીનામું ગ્રાહ્ય રહે નહીં કારણ કે, કાયદા વિભાગમાં આ પ્રક્રિયા કરવાની રહે છે. અલબત આ મુદ્દો પણ ગ્રાહ્ય રહ્યો ન હતો કારણ કે, કાયદા વિભાગ દ્વારા આ અંગેનું જરૂરી જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું હતું અને તે તા.૯ એપ્રિલ સુધીની અસરથી પ્રસિધ્ધ કરાયું હતું. આજરોજ ઉમેદવારી પત્રની ચકાસણી પ્રક્રિયા અંતર્ગત એડવોકેટ રક્ષિત કલોલાની ઉમેદવારી સામેના વાંધાઓ ગ્રાહ્ય રાખવા લાયક નહીં જણાતા આર.ઓ. દ્વારા તેમનું ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યું હતું.ભાજપના વોર્ડ નં ૧૧ના ઉમેદવાર રક્ષિત કલોલા તરફે લીગલ સેલના અનિલભાઈ દેસાઈ, કિરીટભાઈ પાઠક તેમજ રાજુભાઈ ચાવડા દ્વારા ચુંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરેલ હતી.