ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ ઉત્તર કોરિયાએ પોતાની પરમાણુ નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. દક્ષિણ કોરિયાની નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસ (NIS) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર ઉત્તર કોરિયાએ હવે તેના પરમાણુ હુમલાની પ્રક્રિયાને 'ઓટોમેટિક' મોડ પર મૂકી દીધી છે.
બંધારણમાં કયા ફેરફારો કરવામાં આવ્યા?
ઉત્તર કોરિયાની 15મી સુપ્રીમ પીપલ્સ એસેમ્બલીના સત્રમાં પરમાણુ નીતિ કાયદાની કલમ 3 માં સુધારો કરવામાં આવ્યો છે. આ નવા સંશોધનના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
કમાન્ડ એન્ડ કંટ્રોલ: અત્યાર સુધી પરમાણુ હુમલાની કમાન સંપૂર્ણપણે કિમ જોંગ ઉનના હાથમાં હતી. પરંતુ જો તેઓ દુશ્મન દેશના હુમલામાં માર્યા જાય અથવા કામ કરવા અસમર્થ બને, તો પણ હુમલો અટકશે નહીં.
તરત અને આપમેળે હુમલો: જો દેશની પરમાણુ કમાન સિસ્ટમ પર જોખમ ઊભું થાય, તો સેનાએ કોઈ પણ વધારાની મંજૂરી લીધા વિના તરત જ અને આપમેળે (Automatically) પરમાણુ હુમલો શરૂ કરવો પડશે.
વૈશ્વિક સુરક્ષા માટે મોટું જોખમ
નિષ્ણાતો માને છે કે ઉત્તર કોરિયાનો આ નિર્ણય દુનિયાને પરમાણુ વિનાશ તરફ ધકેલી શકે છે. કિમ જોંગ ઉન પહેલેથી જ તેમની મિસાઈલ પ્રણાલીને સતત અપગ્રેડ કરી રહ્યા છે, જે હવે અમેરિકા સુધી પહોંચવા સક્ષમ છે. આ નવા કાયદાથી 'મિસકેલ્ક્યુલેશન' અથવા ગેરસમજને કારણે પણ પરમાણુ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા વધી ગઈ છે.
શા માટે લેવાયું આ પગલું?
ઈરાનના સર્વોચ્ચ નેતાની હત્યા બાદ કિમ જોંગ ઉનને ડર છે કે પશ્ચિમી દેશો તેમને પણ નિશાન બનાવી શકે છે. આથી, તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને સંદેશ આપ્યો છે કે જો તેમના પર કોઈ આંચ આવશે, તો તેનો અંજામ સમગ્ર વિશ્વ માટે ભયાનક પરમાણુ હોનારત તરીકે આવશે. ઉત્તર કોરિયાના આ આક્રમક વલણથી દક્ષિણ કોરિયા, જાપાન અને અમેરિકા સહિતના દેશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.