મોરબી જિલ્લાના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ઓડિયો વિવાદ બાદ ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાને આંદોલન સમિતિમાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સમિતિએ જાહેર કર્યું છે. આંદોલન સમિતિએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, લાખો ખેડૂતોનો વિશ્વાસ જળવાઈ રહે અને આંદોલનની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તાજેતરમાં લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને નિલેશ એરવાડિયા વચ્ચેની ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ત્યારબાદ હકાભા ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી નિલેશ એરવાડિયા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
હકાભા ગઢવીના જણાવ્યા મુજબ, સરકાર સાથેની વાતચીત માટે નિલેશ એરવાડિયાએ અગાઉથી રૂપિયા 2 કરોડની માંગણી કરી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે સરકાર સમક્ષ રૂપિયા 25 કરોડની માંગણી કરવાની અને તેમાં એડવાન્સ રૂપે 2 કરોડ રૂપિયા લેવાની ચર્ચા કરવામાં આવી હતી. હકાભાએ દાવો કર્યો કે આ રકમમાંથી એક કરોડ રૂપિયા તેમના માટે અને એક કરોડ રૂપિયા નિલેશ એરવાડિયા માટે રાખવાની વાત કરવામાં આવી હતી.
હકાભા ગઢવીએ વધુમાં આક્ષેપ કર્યો કે તેઓ ખેડૂતોના હિત માટે આંદોલનમાં જોડાયા હતા, પરંતુ વ્યક્તિગત લાભ માટે આવા પ્રસ્તાવો સ્વીકારી શકાય તેમ નહોતાં. તેમણે નિલેશ એરવાડિયા પર આંદોલનનો વ્યક્તિગત ફાયદા માટે ઉપયોગ કરવાનો તેમજ ઉપવાસ અને આંદોલનને લઈને અન્ય ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. સાથે જ પોતાના અને પરિવારની સુરક્ષા માટે પોલીસ રક્ષણની માંગ પણ કરી છે.
આ સમગ્ર વિવાદ બાદ આંદોલન સમિતિએ જણાવ્યું કે આંદોલનને કોઈપણ પ્રકારના વિવાદથી બચાવવા અને ખેડૂતોનો વિશ્વાસ અખંડિત રાખવા માટે નિલેશ એરવાડિયાને સમિતિમાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકાર પાસે 25 કરોડની માંગણી કરો અને બે કરોડ રૂપિયા એડવાન્સ લો: નિલેશ એરવાડિયા
હકાભા ગઢવીએ આક્ષેપ કર્યો છે કે, નિલેશ એરવાડિયા એ તેમને કહ્યું હતું કે, સરકાર પાસે 25 કરોડની માંગણી કરો અને વાતચીત કરવા જતી વખતે 2 કરોડ રૂપિયા એડવાન્સ લો, જેમાં 1 કરોડ રૂપિયા તમારા અને 1 કરોડ મારા. આ વાત સાંભળી હકાભા સ્તબ્ધ થઈ ગયા હતા અને તેમને આ બાબતે ખૂબ જ ગ્લાનિ અનુભવાઈ હતી. હકાભાએ જણાવ્યું હતું કે, તેઓ આંદોલનમાં ખેડૂતોના સમર્થન માટે આવ્યા હતા, કોઈના ખિસ્સા ભરવા માટે નહીં.
એક-બે કરોડ નહીં, 15-20 કરોડની ઓફરો થઇ, મને મારી નાખવાની ધમકીઓ પણ મળી: નિલેશ
હકાભા ગઢવીના આક્ષેપ પર નિલેશ અરવાડિયાની પ્રતિક્રિયા આવી છે. તેમણે જણાવ્યું કે, ખેડૂત આંદોલનને તોડવાના છેલ્લા 10 દિવસથી પ્રયાસ થઈ રહ્યા છે. એક-બે કરોડ નહીં, પણ 15-20 કરોડની પણ ઓફરો થાય છે અને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. એટલે આંદોલનની અંદર આવું બધું ચાલું જ રહે, કારણ કે સરકાર સામે ખેડૂતો પડ્યા છે. તેમણે કહ્યું કે, કેટલા આંદોલન સ્થળે આવીને પહેલા લાલચ આપે છે અને તેમની વાતમાં ન આવી એટલે ધમકી આપે છે. હકાભા ગઢવીના આક્ષેપ સાવ ખોટા છે. આંદોલનને ડેમેજ કરવા આખી ટૂકડી ઉતારવામાં આવી છે.
નિલેશ ઉપવાસના નામે નાટક કરતો હતો: હકાભા
હકાભા ગઢવીએ નિલેશ એરવાડિયાને ગદ્દાર ગણાવતા કહ્યું કે, આ વ્યક્તિ ખેડૂતોને માત્ર હાથો બનાવી પોતાના ફાયદા માટે આંદોલન ચલાવી રહ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે, નિલેશ ઉપવાસના નામે નાટક કરતો હતો અને આંદોલન દરમિયાન દારૂના સેવન જેવી વાતો કરતો હતો. આ ખુલાસા બાદ પોતાના અને પોતાના પરિવાર માટે હકાભા ગઢવીએ પોલીસ સુરક્ષાની પણ માંગ કરી છે.