આધારકાર્ડ કેન્દ્રનું નવું બિલ્ડિંગ તૈયાર; લોકાર્પણની તૈયાર

  • August 23, 2023 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની મુખ્ય સેન્ટ્રલ ઝોન ઓફિસમાં રોજ આધાર કાર્ડ કેન્દ્રમાં અરજદારોની લાંબી લાઇન લાગતી હોય અને માથાકૂટો થતી હોય કચેરીની પાછળના ભાગે પાસપોર્ટ ઓફિસ જેવી સુવિધાઓ સાથેનું અધતન આધારકાર્ડ કેન્દ્રનું બિલ્ડીંગ તૈયાર કરાયું છે અને તેના લોકાર્પણની હવે ઘડીઓ ગણાઇ રહી છે. હવે જોવાનું એ રહેશે કે મહાપાલિકાના વર્તમાન પદાધિકારીઓ લોકાર્પણ કરી જશ લેતા જશે કે પછી નવા પદાધિકારીઓના નામની તખતી લાગશે ?

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે આધારકાર્ડ કેન્દ્રના નવા બિલ્ડીંગને શકય તેટલું અધતન બનાવાયું છે, ખાસ કરીને અરજદારોને વેઇટિંગમાં ઉભું રહેવું ન પડે તે માટે નવા આધારકાર્ડ કેન્દ્રમાં એક સાથે આઠ કીટ કાર્યરત થશે જેથી એક સાથે આઠ અરજીનો નિકાલ થશે અને મહાપાલિકા સંકુલમાં અરજદારોની લાઇન ભૂતકાળ બની જશે.આધારકાર્ડ કેન્દ્રના નવા બિલ્ડીંગમાં વેઇટિંગ લોન્જ, હેલ્પ ડેસ્ક, ટોકન ડિસ્પ્લે સિસ્ટમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. બિલ્ડીંગનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ ગયું છે. હાલમાં ફર્નિચર અને કલરકામ વિગેરે આખરી તબક્કાનું કામ ચાલી રહ્યું છે.
સૂત્રોએ ઉમેયુ હતું કે પાસપોર્ટ ઓફિસ અને બેન્કની જેમ ટોકન સિસ્ટમ રખાશે. અરજદારોએ વેઇટિંગ લોન્જમાં બેસવાનું રહેશે ત્યાંથી ડિસ્પ્લેમાં તેમના ટોકન નંબર ડિસ્પ્લે થાય ત્યારે જ તેમણે ઓપરેટર પાસે જવાનું રહેશે. તદ્દઉપરાંત અરજદારોને પૂરતી માહિતી અને માર્ગદર્શન મળી રહે તેમજ ફોર્મ ભરવા વિગેરે માટે હેલ્પ ડેસ્કની પણ સુવિધા રહેશે. ખાસ કરીને જો કોઇ અરજદારો અપોઇન્ટમેન્ટ મેળવીને પછી આવવા ઇચ્છતા હોય તો તેઓ ટેલિફોન કરીને તારીખ અને સમય મેળવી શકે તે માટે આધારકાર્ડ કેન્દ્રમાં લેન્ડ લાઇન ટેલિફોન નંબરની સુવિધા પણ ખાસ ઉપલબ્ધ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ મહાપાલિકામાં આધારકાર્ડ કેન્દ્રમાં દરરોજ ૪૫૦ અરજદારો આવે છે. નવજાત બાળકોના નવા આધારકાર્ડ ઉપરાંત મુખ્યત્વે જુના આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી ઉમેરવા કે અપડેટ કરવા તેમજ એડ્રેસ ચેન્જની એપ્લિકેશન વધુ હોય છે. બેન્કો અને પોસ્ટ ઓફિસમાં પણ આધારકેન્દ્રની સુવિધા ઉપલબ્ધ છે અને ત્યાં આગળ પણ આ તમામ કામગીરી થઇ શકે છે પરંતુ અરજદારોનો ધસારો તો મહાપાલિકામાં જ વધુ રહેતો હોવાને લીધે નવું આધુનિક બિલ્ડીંગ નિર્માણ કરાયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application