BREAKING NEWS

લોધિકાના રાવકીમાં દારૂની મહેફિલમાં ડખ્ખો, યુવાનને ધોકાના ઘા મારી પતાવી દીધો

  • July 06, 2026 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોધિકાના રાવકી ગામે રહેતાં ભરત વાલજીભાઈ ડાંગર (ઉ.વ.૩૩) ની ગઈકાલે સવારે કારમાંથી લાશ મળી આવી હતી. શંકાસ્પદ જાણાતા આ બનાવનો ભેદ લોધિકા પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે બે આરોપીઓને ઝડપી લઈ પુછતાછ કરતા દારૂની મહેફિલ બાદ ડખો થતાં યુવકને ધોકાના ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દિધો હોવાનું ખુલ્યું હતું.


બનાવ અંગે મેટોડા જીઆઇડીસીમાં રહેતાં રેખાબેન ચિરાગભાઈ બગડા (ઉ.વ.૩૬) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિજય ઉર્ફે જીગો રમેશ ડાંગર અને કટ્ટી કેશુ બગડા (રહે. બંને રાવકી) નું નામ આપ્યું છે. બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાવકી ગામમાં એસેન્ટ કારમાંથી ભરતભાઈ બેભાન હાલતમાં મળી આવતાં તેને રાજકોટની સિવિલમાં ખસેડાયા હતા. જયાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા. બનાવ શંકાસ્પદ હોવાથી મોતનું કારણ જાણવા ફોરેન્સિક નિષ્ણાંત તબીબો પાસે

પોસ્ટમોર્ટમ કરાવાયુ હતું. સાથો-સાથ લોધિકા પોલીસે તપાસ શરૂ કરી હતી.


તપાસના અંતે બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું હતું. ભરતભાઈની હત્યામાં તેના જ કૌટુંબિક ભાઈ વિજય ઉર્ફે જીગો ડાંગર અને મિત્ર કટ્ટી બગડાની સંડોવણી ખુલતાં બંન્નેને પોલીસે સકંજામાં લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં એવુ ખુલ્યું છે કે, મૃતક અને આરોપીઓ સાથે રાત્રે સાથે જમ્યા હતા અને દારૂની મહેફિલ પણ માણી હતી.


સવારે બંને પક્ષો વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં ગાળાગાળી-લાફાવાળી થયા બાદ બંને આરોપીઓએ મૃતકને ધોકાના ઘા ઝીંકી પતાવી દીધો હતો. ત્યાર બાદ લાશ એસેન્ટ કારમાં મુકી દીધી હતી. જોકે બંને વચ્ચે કંઇ બાબતને લઈ ઝઘડો થયો તે બાબતે લોધિકા પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે. આરોપીઓની પૂછપરછ પછી જ હત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. બંને આરોપીઓએ હત્યા બાદ મૃતકની લાશ કારમાં રાખી દીધાનું ખુલ્યું છે. લોધિકા પોલીસે શકમંદ વિજય ડાંગર અને કટ્ટી બગડાની સઘન પૂછપરછ શરૂ કરી છે. આ બંનેએ જ મૃતકની લાશ કારમાંથી મળ્યાની નોંધ કરાવી બનાવને કુદરતી કે અકસ્માતે મોતમાં ખપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતકને સંતાનમાં એક અઢી વર્ષની પુત્રી અને આઠ મહિનાનો એક પુત્ર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application