રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે વહેલી સવારે વરસાદી માહોલમાં મુહૂર્તના સોદા થયા હતા જેમાં મગફળીનો પ્રતિ ૨૦ કિલોના રૂ.૧૧૫૧ના ભાવે સોદો થયો હતો.
વિશેષમાં યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, વરસાદી માહોલને કારણે અગાઉથી કરેલા રજિસ્ટ્રેશન અનુસાર મગફળી ભરેલા ૨૦૦ વાહનોને જ એન્ટ્રી અપાઇ હતી તેમજ કપાસમાં ૧૦૦ વાહન અને સોયાબીન ભરેલા ૧૦૦ વાહનને એન્ટ્રી અપાઇ હતી. કપાસમાં અંદાજે ૧૦ હજાર મણની આવક વચ્ચે ઉભા પાલની હરાજી કરાઇ હતી. સૌરાષ્ટ્રના અન્ય અનેક યાર્ડમાં વરસાદને કારણે આજે હરાજી બંધ રહી હતી, જ્યારે રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં હરાજી ચાલુ રાખીને નૂતન વર્ષનું મુહૂર્ત સાચવી લેવામાં આવ્યું હતું.
જ્યારે કપાસમાં દસ હજારની મણની આવક થઇ હતી પરંતુ વરસાદ બાદ ભેજયુક્ત તેમજ પીળાશ પડતો માલ આવતા પ્રતિ ૨૦ કિલોના ભાવ ટોપ ક્વોલિટીમાં ૧૪૪૪થી ૧૫૦૦ સુધી ઉપજ્યો હતો. ખુલતી બજારે મુહૂર્તના સોદામાં મગફળી અને કપાસ બાદ ત્રીજા ક્રમે સૌથી વધુ આવક સોયાબીનની થઇ હતી, સોયાબીન ભરેલા ૧૦૦ વાહનોને એન્ટ્રી અપાઇ હતી.
રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા સહિતના બોર્ડ ઓફ ડિરેક્ટર્સએ સ્થળ ઉપર હાજર રહી હરાજી અને મુહૂર્તના સોદા કરાવ્યા હતા. વરસાદી માહોલને ધ્યાને લઇને ખેડૂતોને જણસીઓ ઢાંકીને જ લાવવા અનુરોધ કરાયો છે.