છોટીકાશી એક એવું શહેર છે કે જયાં અનેક શિવ મંદિરો આવેલા છે, જામનગરમાં ૧૯૦૭-૦૮માં અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયનની સ્થાપના કરવામાં આવી હતી, મહારાજા રણજીતસિંહજીએ ધ્રાંગધ્રાના રાજવી અજીતસિંહજીની યાદમાં આ પેવેલીયનનું નિર્માણ કરાવ્યું હતું અને તેમાં સલીમ દુરાની, વિનુ માંકડ, અજય જાડેજા, રવિન્દ્ર જાડેજા, દુલીપસિંહજી, રાકેશ ધ્રુવ સહિતના નામાંકીત ખેલાડીઓએ અજીતસિંહજી મેદાનમાં નેટ પ્રેકટીસ કરી હતી અને સલીમ દુરાની તો એક એવા ખેલાડી હતાં કે, પેવેલીયન કે અન્ય સ્ટેન્ડમાંથી લોકો કહે કે સલીમભાઇ વી વોન્ટ સિકસર અને તે જ જગ્યાએ કે જયાંથી અવાજ આવ્યો ત્યાં જ આ ડાબોળી ઓલ રાઉન્ડર સિકસર લગાવતાં હતાં, જામનગરનું આ મેદાન એવું છે કે જેમાં અનેક ક્રિકેટરોને ક્રિકેટ રમવાની તક મળી છે, હાલમાં રવિન્દ્ર જાડેજાના કોચ એવા મહેન્દ્રસિંહ ચૌહાણ ૩૦૦થી વધુ ખેલાડીઓને કોચીંગ આપી રહ્યા છે જયારે જામનગર રૂરલ તરફથી ૧૫૦ થી ૧૭૦ અને રાજય સરકારના યુવક સાંસ્કૃતિ વિભાગ તરફથી રીનાબાની આગેવાની હેઠળ લગભગ ૮૦ જેટલી કિશોરીઓ ક્રિકેટની તાલીમ લઇ રહી છે.
આ મેદાન વર્ષો જુનું છે, પરંતુ આંતરરાષ્ટ્રિય મેચ રમાતા નથી, જામનગરમાં અન્ય જગ્યાએ સ્ટેડીયમ બાંધવાની દશેક વર્ષ પહેલા ચળવળ ઉપડી હતી, પરંતુ આ બધુ કાગળ ઉપર રહી ગયું, ૧૯૦૭-૦૮માં આ ઐતિહાસિક પેવેલીયનની ઇમારત બનાવી હતી અને મહારાજા રણજીતસિંહજીએ અજીતસિંહજીની યાદમાં તેનું નામ અજીતસિંહજી પેવેલીયન રાખ્યું હતું, હાલમાં વિશ્ર્વના ખ્યાતનામ ઓલરાઉન્ડર રવિન્દ્રસિંહ અનિરૂઘ્ધસિંહ જાડેજા ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં કાંડાનું કૌવત દાખવી રહ્યા છે, આઇપીએલમાં તેઓ સફળ ક્રિકેટર તરીકે ખ્યાતનામ થઇ ગયા છે, બેટીંગ હોય કે બોલીંગ ખાસ કરીને ફીલ્ડીંગમાં તેઓ ચીત્તાની ઝડપે કેચ પકડે છે.
સલીમ દુરાની પણ વિશ્ર્વના ખ્યાતનામ ઓલરાઉન્ડર તરીકે જાણીતા છે, તેઓ કહેતા હતાં કે, જયાં પ્રેક્ષક કહે ત્યાં હું સીકસર ફટકારતો હતો, જામનગરના આ મેદાન ઉપર સ્વ.વિનુ માંડક, કશ્યપ મહેતા, વામન જાની, દુલીપસિંહજી, ઇન્દ્રજીતસિંહજી, જામ રણજીતસિંહજી, અજય જાડેજા, રાજેન્દ્ર જાડેજા, ધર્મરાજ જાડેજા, શરદ પીલાઇ, જયંતિ વારા, વિનુભાઇ ગોસાઇ, ચંદ્રશેખર બક્ષી, સત્યન જોશી સહિતના અનેક ક્રિકેટરો રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી અને આંતરરાજય મેચ રમી ચૂકયા છે.

જામનગરમાં શિયાળાની સિઝન શરૂ થઇ ચૂકી છે, કોચ મહેન્દ્રસિંહ ૩૦૦થી વધુ યુવક-યુવતિઓને સવારે ૬ થી ૯ અને સાંજે ૪ થી ૭ દરમ્યાન ક્રિકેટનું કોચીંગ આપે છે, આ કેમ્પમાંથી ઘણા બધા મહીલા ક્રિકેટરો પણ ડીસ્ટ્રીકટ અને ગુજરાત લેવલે પણ મેચો રમી ચૂકયા છે, મહીલા ક્રિકેટર રીનાબા ૮૦થી વધુ કિશોરીઓેને તાલીમ આપે છે જયારે જામનગર રૂરલ તરફથી હિતેશ ભટ્ટ ૧૫૦ થી ૧૬૦ યુવાનોને કોચીંગ આપી રહ્યા છે, શિયાળો આવતાં જ હજુ પણ કેમ્પોમાં વધુ યુવાનો અને યુવતિઓ તાલીમ લેવા આવશે.
૧૯૯૩ની સાલમાં એક એવો બનાવ બન્યો કે, જામનગરના ક્રિકેટર કશ્યપ મહેતાને ઓચીંતી તક મળી ગઇ, એક ટીમમાં કપીલ દેવ કેપ્ટન હતાં અને બીજી ટીમમાં ભારતના પૂર્વ કેપ્ટન મહમદ અઝરૂદીન હતાં, છેલ્લી ઘડીએ મહમદ અઝરૂદીન જામનગર ન આવતા તેની જગ્યાએ જામનગરના લોકલ ખેલાડી કશ્યપ મહેતાને તક મળી હતી અને આ મેચમાં તેણે સૌથી વધારે ૩ વિકેટ ઝડપી હતી, અંશુમન ગાયકવાડ અને કપીલ દેવની વિકેટ મેળવતા સુનીલ ગાવસ્કર ઇલેવન વિજેતા થઇ હતી અને કશ્યપ મહેતાને મેન ઓફ ધી મેચનું બિરૂદ મળ્યું હતું, આ મેચમાં સચીન તેંડુલકર, મનોજ પ્રભાકર, વિનોદ કાંબલી જેવા ખેલાડીઓ હતાં, તેઓ છેલ્લા ૧૦ વર્ષથી સૌરાષ્ટ્ર જુનિયર સીલેકશન કમીટીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે, આમ જામનગરનું અજીતસિંહજી પેવેલીયન એટલે કે મેદાન વિશ્ર્વભરમાં પ્રખ્યાત થયું છે, ૧૯૩૩માં આ મેદાનમાં એસ્ટાબ્લીસ્ટ થયું હતું અને પ્રથમ મેચ રમાયો હતો, ૨૦૧૩ની સાલમાં સરકારે પેવેલીયન, સ્પોર્ટસ કોચીંગ સેન્ટર અને ૨૦ હજાર દર્શકોનો સમાવેશ થઇ શકે તેવું સ્ટેડીયમ બનાવ્યું છે.
જામનગરમાં આંતર રાષ્ટ્રિય ક્રિકેટ મેચ કયારે રમાશે ?
જામનગરે અનેક ખ્યાતનામ ક્રિકેટરો આપ્યા છે, વિનુ માંકડ, સલીમ દુરાની, રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ તો વિશ્ર્વભરમાં જામનગરનું નામ રોશન કર્યુ છે ત્યારે સરકારે હવે જામનગરને એક એવું મોટુ સ્ટેડીયમ આપવું જોઇએ કે જયાં દુલીપ ટ્રોફી, રણજી ટ્રોફી અને આંતર રાષ્ટ્રિય મેચો રમાઇ શકે, શહેરની બહાર સરકારી જમીન ફાળવીને પણ નવોદીત ક્રિકેટરો માટે આ સુવિધા ઉભી કરવાની જર છે તેમ ક્રિકેટરોની માંગ છે.