દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરસ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરીય કાર્યક્રમ યોજાયો હતો. ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામમાં ૨૩ ઔદ્યોગીક એકમો સાથે રૂ. ૭,૧૪૬ કરોડથી વધુ રકમના એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા. ઉપરાંત, પ્રતિકાત્મક રૂપે પાંચ ઉદ્યોગ સાહસિકો સાથે કાર્યક્રમમાં એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા.
આ તકે અધિક ઉદ્યોગ કમિશનર આર.એન.ડોડીયાએ વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત યોજાયેલા ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામમાં સૌને આવકારતા જણાવ્યું હતું કે, દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં શરૂ કરેલ વાઈબ્રન્ટ ગુજરાત આજે બે દાયકાઓ બાદ વટવૃક્ષ બન્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત એ માત્ર નામ નથી પણ ગુજરાતના ઔદ્યોગીક વિકાસને પ્રતિબિંબિત રૂપ સીમાચિન્હ બન્યું છે. જ્યારે ઔદ્યોગિક વિકાસની વાત આવે મોટા મોટા ઉદ્યોગોની સાથે સાથે સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોના વિકાસને વિસ્તૃત કરવાનું કાર્ય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

વધુમાં અધિક ઉદ્યોગ કમિશનરે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ઔદ્યોગિક રોકાણકારો માટે ફેવરિટ પ્લેસ બન્યું છે. સેમિક્ધડક્ટર, ગ્રીન એનર્જી, ફિનટેક, સોલર એનર્જી સહિત તમામ ક્ષેત્રે ગુજરાત એક રોલ મોડલ બન્યું છે. વાઈબ્રન્ટની સફળતાને છેવાડા સુધી પહોંચાડવા માટે રિજિયન કોન્ફરન્સ તેમજ જિલ્લા સ્તરે કાર્યક્રમ યોજીને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવાનો ઉમદા પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ આગામી તા.૮ થી ૧૦ જાન્યુઆરીના રાજકોટ ખાતે યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરસમાં સહભાગી થવા સૌને અનુરોધ કરું છું.
આ તકે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટએ આપણા સૌ માટે કોઈ અજાણ્યો શબ્દ નથી. છેવાડાના વિસ્તાર સુધી ઔદ્યોગિક વિકાસ થકી આર્થિક વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધતા સાથે આગળ ધપી રહી છે. આજે ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામમાં અંદાજિત રૂ.૭ હજાર કરોડથી વધુ રકમના એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે. ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દેવભૂમિ દ્વારકામાં વિકાસની વિપુલ તકો રહેલી છે. છેલ્લા થોડા વર્ષોમાં રિન્યુએબલ એનર્જી, સોલાર તથા વિન્ડ એનર્જી ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં હોસ્પિટાલિટી ક્ષેત્રે વિપુલ તકો રહેલી છે. જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં મહાનુભાવો હસ્તે લાભાર્થી ઉદ્યોગકારોને સહાય વિતરિત કરવામાં આવી હતી. ઉપરાંત, મહાનુભાવો સહિતનાઓએ વાઈબ્રન્ટ ગુજરાતની ફિલ્મ નિહાળી હતી.
ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામમાં નયારા એનર્જી લી., ટાટા કેમિકલ્સ લી., સુઝલોન વેસ્ટર્ન ઈન્ડિયા પ્રોજેક્ટ્સ લી., આર.એસ.પી.એલ લી., વિવિધ હાથવણાટ વસ્તુઓ તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા રોજગાર કચેરી, આરોગ્ય, બાગાયત, સમાજ કલ્યાણ(વિકસતિ જાતિ), સમાજ સુરક્ષા, બાળ સુરક્ષા એકમ સહિત વિવિધ વિભાગના સ્ટોલ ઉપલબ્ધ કરાયા હતા.

બીજા તબક્કામાં વિવિધ તો તજજ્ઞો દ્વારા ક્રેડિટ લિંકેજ સેમિનાર, સ્ટાર્ટ અપ સેમિનાર, પી.એમ.એફ.એમ.ઈ યોજના સેમિનાર, ટુરિઝમ, જી.પી.સી.બી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અમલીકૃત યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરસ અંતર્ગત જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં કુલ ૨૩ એકમોએ રૂ.૭,૧૪૬ કરોડથી વધુ રકમના એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા. જેમાં જુનિપર ગ્રીન એનર્જી લી. દ્વારા રૂ.૪૫૦૦ કરોડ, શિવમન વિંડ એનર્જી પ્રાઈવેટ લી. દ્વારા રૂ.૯૧૦ કરોડ, સુઝલોન વેસ્ટર્ન ઈન્ડિયા પ્રોજેક્ટ્સ લી. દ્વારા રૂ.૯૦૦ કરોડ, પાવરિકા લી. દ્વારા રૂ.૮૦૦ કરોડ, હાઈલાઇન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૭.૮૧ કરોડ, ગ્લોબલ માઇન્સ એન્ડ મિનિરલ દ્વારા રૂ.૭ કરોડ, સ્ટાર મિનિરલ દ્વારા રૂ.૩.૯૮ કરોડ, કૃષ્ણ કૃપા સ્ટોન ક્રશર દ્વારા રૂ.૩.૭૦ કરોડ, રામ સ્ટોન ક્રશર દ્વારા રૂ.૩.૪૪ કરોડ, શુભમન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૧.૭૭ કરોડ, વિનાયક એન્ટરપ્રાઈઝ દ્વારા રૂ.૧.૧૭ કરોડ, સગુણા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૧.૨૦ કરોડ, કનૈયા ટ્રેડર્સ દ્વારા રૂ.૧.૦૯ કરોડ, રાધેશ્યામ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૦.૮૨ કરોડ, ચંદ્રભાગા એન્ટરપ્રાઈઝ દ્વારા રૂ.૦.૭૫ કરોડ, ગણેશ ઓઈલ મિલ દ્વારા રૂ.૦.૭૫ કરોડ, ગોકુલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૦.૬૫ કરોડ, આવળ કૃપા ઓઈલ મિલ દ્વારા રૂ.૦.૫૮ કરોડ, આલાબાપુ ઓઈલ મિલ દ્વારા રૂ.૦.૪૯ કરોડ, ક્રિષ્ના મિલ દ્વારા રૂ.૦.૪૬ કરોડ, નાગેશ્વર ઓઈલ મિલ દ્વારા રૂ૦.૪૬ કરોડ, શ્રીનાથજી મીની ઓઈલ મિલ દ્વારા રૂ.૦.૩૦ કરોડ તેમજ જયકિશન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૦.૩૦ કરોડના સૂચિત રોકાણ એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા.
વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર પી.બી.પટેલ દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મદદનીશ કમિશનર ટી.સી.પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, અગ્રણી સર્વે મયુરભાઈ ગઢવી, પી.એસ.જાડેજા સહિત ઉદ્યોગ સાહસિકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.