રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૬માં આજી નદી કાંઠાના જંગલેશ્વર વિસ્તારમાં ફેબ્રુઆરી મહિનામાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશન બાદ તાજેતરમાં રજૂ થયેલા ડિમોલિશન દરમિયાન ચા-પાણી, ફૂડ પેકેટ સહિતના ખર્ચના રૂ.૨૭.૨૦ લાખના બિલને લઇને વિવાદ સર્જાતા મેયર ડો.નેહલ શુક્લએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી સમગ્ર મામલે તલ સ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપવા આદેશ કર્યો હોવાનું તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
આ સમગ્ર મામલે રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તેમણે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવા માંગ કરી છે. મેયરે તપાસ માટે સક્ષમ અધિકારીના અધ્યક્ષ સ્થાને વિશેષ તપાસ કમિટી કમિટી રચી રજૂ થયેલા તમામ બિલો, ખર્ચની પ્રક્રિયા, મંજૂરીની પદ્ધતિ, જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે તલસ્પર્શી તપાસ કરીને વિસ્તૃત અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. તપાસમાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ, બેદરકારી અથવા નાણાકીય અનિયમિતતા સામે આવશે તો જવાબદાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. એક તબક્કે તેમણે ઉમેર્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીએ બિલ અટકાવ્યું તેથી જ સમગ્ર વાત સામે આવી તે બાબત જ સૂચવે છે કે અમારો ઇરાદો શુધ્ધ છે અને પારદર્શક છે.
જંગલેશ્વર મેગા ડિમોલિશન દરમિયાન અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ જવાનો માટે થયેલા ખાણી-પીણીના ખર્ચનું રૂ.૨૭.૨૦ લાખનું ફૂડ બિલ રજૂ થતાં અનેક સવાલો ઉપસ્થિત થયા છે. આ બિલમાં અંદાજે રૂ.૨૦.૬૮ લાખનું ભોજન બિલ, રૂ.૬.૩૦ લાખની ચા-કોફી-બિસ્કિટ, ચાર હજાર બોટલ લીંબુ સરબત અને વિવિધ નાસ્તાની વસ્તુઓનો સમાવેશ થતો હોવાનું સામે આવ્યું છે. આ બિલ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થતાં તેને મંજૂરી આપવાના બદલે પેન્ડિંગ રાખી અધિકારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ છે કે જંગલેશ્વર ડિમોલિશનને લગતા અન્ય ખર્ચ, જેમાં મિનરલ વોટર માટે આશરે રૂ.૧૨ લાખથી વધુનું બિલ સહિતના મુદ્દાઓ પણ ચર્ચામાં આવ્યા છે. આવા તમામ ખર્ચની પારદર્શિતા અને જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં તે અંગે હવે તપાસ કમિટીના અહેવાલ પર સૌની નજર છે. જો કે તપાસ અહેવાલ કેટલા દિવસમાં આપવો તે અંગે મેયર દ્વારા કોઈ ડેડલાઇન અપાઇ નથી પરંતુ હવે કમિશનર ગણતરીના દિવસોમાં તપાસ રિપોર્ટ રજૂ કરશે તેવી ધારણા છે.
કોઇ ઢીલ નહીં રખાય, તપાસ થશે તેની ખાતરી આપું છું: શહેર ભાજપ અધ્યક્ષ
રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે મેયર ચેમ્બરમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સના પ્રારંભે શહેર ભાજપ અધ્યક્ષ ડો.માધવભાઇ દવેએ જંગલેશ્વર મેગા ડિમોલિશનના લાખો રૂપિયાના ખાણી પીણીના બિલ મામલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર મામલાને મહાપાલિકાના પદાધિકારીઓની ટીમે પૂરી ગંભીરતાથી લીધો છે અને ઊંડાણ પૂર્વક ચર્ચા વિચારણા કરી છે. આ બાબતે કોઈ પણ પ્રકારની ઢીલ રાખ્યા વિના તપાસ કરાશે.
બિલ પેમેન્ટ અટકાવશું, ચૂકવાઇ ગયા હશે તો પરત લેશું: મ્યુનિ.કમિશનર
મેયર ડો.નેહલ શુક્લએ તપાસનો આદેશ કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જંગલેશ્વર મેગા ડિમોલિશન એ રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન છે જેમાં ૧૬૦૦ મકાનો તોડવામાં આવ્યા હતા અને સાત દિવસ કામગીરી ચાલી હતી, આમ છતાં ફૂડ બિલ બાબતે જે વિવાદ થયો છે તે મામલાની તપાસ કમિટી રચીને તપાસ કરવામાં આવશે. જે ફૂડ બિલ મુદે વિવાદ થયો છે તેનું પેમેન્ટ અટકાવવામાં આવશે અને જે બિલ ચૂકવાઈ ગયું હશે તેમાં કંઇ વાંધાજનક જણાશે તો ચૂકવાયેલા પૈસા પરત લઇશું તેની હું ખાતરી આપું છું. સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કમિટી રચાશે અને તેમાં ડિમોલિશનમાં ફરજ બજાવનાર ઇસ્ટ ઝોનના કોઇ અધિકારીઓનો સમાવેશ નહીં કરીએ. વ્હેલી તકે રિપોર્ટ આપીશું.