રાજકોટના બહુચર્ચિત જંગલેશ્વર મેગા ડિમોલેશન બિલ કૌભાંડનો મામલો હવે રાજ્યના પાટનગર ગાંધીનગર સુધી પહોંચ્યો છે. આ ગંભીર પ્રકરણમાં મોટાપાયે નાણાકીય અનિયમિતતાના આક્ષેપો બાદ સરકાર હરકતમાં આવી છે. આ સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવા અને સત્ય જાણવા માટે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વરા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જંગલેશ્વર મેગા ડિમોલેશનની કામગીરીના ખાણી પીણીના બિલોમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ બાદ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ તાત્કાલિક અસરથી એક ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના છે. જોકે, આ પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા આ મામલે સીધી દરમિયાનગીરી કરવામાં આવી છે અને તપાસ સાથે જોડાયેલી સમગ્ર ટીમને ગાંધીનગર ખાતે હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
આજે ગાંધીનગરમાં યોજાનારી બેઠકમાં મેયર ડો.નેહલ શુક્લ અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા હાજર રહીને સમગ્ર પ્રકરણ અંગે સ્પષ્ટતા કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા આ સમગ્ર કૌભાંડ અંગે આકરા વલણ સાથે જવાબદારી નક્કી કરવામાં આવશે. બિલોમાં કઈ રીતે અને કોની મિલીભગતથી કૌભાંડ આચરવામાં આવ્યું તે અંગે અધિકારીઓ અને પદાધિકારીઓનો ક્લાસ લેવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. રાજકોટ મહાનગરપાલિકાના આ કૌભાંડે શાસક પક્ષ અને વહીવટી તંત્રની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. ગાંધીનગર સુધી મામલો પહોંચતા જ રાજકોટ મનપાના વર્તુળોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હવે સરકાર દ્વારા આ બાબતે કોઈ કડક પગલાં લેવામાં આવે છે કે કેમ, તે જોવું રહ્યું. આગામી સમયમાં આ તપાસના આધારે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાયદાકીય કાર્યવાહીની શક્યતાને નકારી શકાય તેમ નથી.
અલબત્ત રાજકોટ મનપાના વર્તુળોના જણાવ્યા મુજબ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે નવી પોલિસી આવી રહી હોય તે અંગે આયોજિત વર્કશોપમાં હાજરી આપવા મેયર અને કમિશનર આજે ગાંધીનગર ગયા છે ! આ વર્કશોપમાં રાજ્યના અન્ય મહાનગરોના મેયર અને કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળે છે. જો કે એવો સવાલ પણ ચર્ચામાં છે કે જંગલેશ્વર ખાણી પીણી બિલ મામલે આટલો મોટો વિવાદ સર્જાયો હોય એવા સંજોગોમાં મેયર અને કમિશનર ગાંધીનગર ગયા હોય ત્યારે તેમનો ખુલાસો ન પૂછાય તેવું બને ખરા ?