ચીનના હુબેઈ પ્રાંતના શિયાંગયાંગ શહેરમાં લુનર ન્યૂ યર (Lunar New Year) ના જશ્ન દરમિયાન એક કાળઝાળ દુર્ઘટના ઘટી છે. બુધવારે બપોરે ઝેંગજી ટાઉનમાં આવેલી ફટાકડાની એક દુકાનમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં 12 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવો અનુભવ થયો હતો અને જોતજોતામાં આખી દુકાન આગની લપેટમાં આવી ગઈ હતી.
દોઢ કલાકના તાંડવ બાદ આગ કાબૂમાં
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના બુધવારે બપોરે અંદાજે 2 વાગ્યે બની હતી. વિસ્ફોટ બાદ લગભગ 50 ચોરસ મીટરનો વિસ્તાર ભીષણ આગની ઝપેટમાં આવી ગયો હતો. ફાયર બ્રિગેડ અને રાહત-બચાવ ટીમોએ ભારે જહેમત ઉઠાવી હતી અને આશરે દોઢ કલાકની મથામણ બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
એક જ અઠવાડિયામાં બીજો મોટો અકસ્માત
ચીન માટે આ અઠવાડિયું ફટાકડાની દુર્ઘટનાઓની દ્રષ્ટિએ ખૂબ જ ઘાતક સાબિત થયું છે:
રવિવારની ઘટના: પૂર્વ જિયાંગ્સુ પ્રાંતમાં પણ ફટાકડાની દુકાનમાં આગ લાગવાથી 8 લોકોના મોત થયા હતા.
મંગળવારની ચેતવણી: આ ઘટનાઓ બાદ ચીની સરકારે મંગળવારે જ ચેતવણી જારી કરી હતી કે 'સ્પ્રિંગ ફેસ્ટિવલ' દરમિયાન ફટાકડા સુરક્ષા માટે સૌથી મોટું જોખમ છે, પરંતુ તેના બીજા જ દિવસે આ મોટી દુર્ઘટના ઘટી હતી.
ઉજવણી અને સુરક્ષા વચ્ચેનો સંઘર્ષ
ચીનમાં લુનર ન્યૂ યર અને અન્ય તહેવારો પર ફટાકડા ફોડવાની પરંપરા સદીઓ જૂની છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષા અને વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને અનેક શહેરોમાં ફટાકડા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમ છતાં, ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં આ આદેશોનો ભંગ અને બેદરકારીને કારણે વારંવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે.