જામનગર અને દેવભુમી દ્વારકા રાજપુત સેવા સમાજ દ્વારા તા. ૨૨ના રોજ મહારાણા પ્રતાપની જન્મજયંતીની કરાશે ભવ્ય ઉજવણી

  • May 20, 2023 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ હકુભાની રકતતુલા દ્વારા તેમનું સન્માન કરાશે : ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મહામંત્રી રત્નાકર, ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી સહિતના અગ્રણીઓની હાજરી : સોમવારે રકતદાન કેમ્પ અને શોભાયાત્રા બાદ મહારાણા પ્રતાપની પ્રતીમાને કરાશે પુષ્પાંજલી : લોકડાયરો યોજાશે

જામનગર શહેરમાં સોમવાર તા. ૨૨ના રોજ શ્રી મહારાણા પ્રતાપની ૪૮૪મી જન્મજયંતી નિમિતે જામનગર અને દેવભુમી દ્વારકા રાજપુત સમાજ દ્વારા સૌપ્રથમ વખત રાજપુત સમાજનું વાત્સલ્ય જમણ યોજવામાં આવ્યું છે, રકતદાન કેમ્પ પુર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)નું રકતતુલા અને સન્માન કાર્યક્રમ તેમજ ગાંધીનગરથી જીલ્લા પંચાયત સુધી વિશાળ શોભાયાત્રા અને મહારાણા પ્રતાપના સ્ટેચ્યુને પુષ્પાંજલીનો કાર્યક્રમ ઉપરાંત પદમ બેન્કવેટ હોલ, એરપોર્ટ રોડ ખાતે રાત્રે કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહીર અને કિંજલ દવેનો લોકડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, આ દિવસે પુર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિવસ પણ છે, રાજપુત સમાજ દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર, ગૃહમંત્રી હર્ષ સંઘવી, પુર્વ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ, પુર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, ખોડલધામ સમિતિ કાગવડના પ્રમુખ નરેશભાઇ પટેલ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરત બોઘરા, પ્રદેશ મંત્રી રઘુભાઇ હુંબલ, અખિલ ભારતીય રાજપુત યુવા સંઘના એમ.ડી. ડો. જયેન્દ્રસિંહ જાડેજા, માંગરોળના રાજભા ચુડાસમા અને મહરાણા પ્રતાપ સ્મૃતી સંસ્થાન રાજકોટના ડો. યોગરાજસિંહ જાડેજા હાજર રહેશે.
આ પ્રસંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા રાજપુત સમાજના પ્રમુખ નવલસિંહ જાડેજા અને પ્રવિણસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, લગભગ ૧૫ હજાર લોકોનો ભોજન સમારંભ યોજાશે, મહારાણા પ્રતાપની ૪૮૪મી જન્મ જયંતીની આ વખતે વિશિષ્ટ ઉજવણી કરાશે અને આવનારા દિવસોમાં પણ દર વર્ષે આવી ઉજવણી કરાશે, અમારા સમાજના ગૌરવરુપ વ્યકિત વિશેષ ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) આ કાર્યક્રમનો તમામ ખર્ચ ભોગવશે અને રકતતુલા તેમજ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મહા રકતદાન શિબિર પટેલ કોલોની શેરી નં. ૧૨, ગાંધીનગર ખાતે આવેલ ગુર્જર સુતાર જ્ઞાતીની વાડી (વિશ્ર્વકર્મા બાગ) ખાતે સોમવાર તા. ૨૨ના રોજ યોજાશે, ત્યારબાદ રકતદાન કેમ્પનો કાર્યક્રમ યોજાયો છે તે રકત જી.જી. હોસ્પીટલમાં આપવામાં આવશે, આ કાર્યક્રમ બપોરના ૨ થી ૭ દરમ્યાન યોજાયા બાદ સાંજે ૬ વાગ્યે ગુર્જર જ્ઞાતીની વાડીએથી એક વિશાળ શોભાયાત્રા શરુ થશે જે મુખ્ય માર્ગો પર ફરીને મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ પાસે આવશે અને ત્યાં સમાજના અગ્રણીઓ દ્વારા પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો છે, રાજપુત વાત્સલ્ય ભોજનના દાતા પુર્વ રાજયમંત્રી અને ભાગ્યલક્ષ્મી એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ જાડેજા છે, રાત્રે ૯ વાગ્યે ભવ્ય લોકડાયરો તેમજ રકતતુલા કાર્યક્રમ અને સન્માન સમારંભ યોજવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application