રાજકોટ શહેરના ઇતિહાસમાં પહેલી વખત મહાપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર થવામાં આટલો વિલંબ થયો છે, ૭૨ કલાકથી લટકતી ભાજપના ૭૨ ઉમેદવારોની યાદી હવે આજે બપોરે અથવા તો રાત્રી સુધીમાં જાહેર થશે તેમ જાણવા મળે છે. રાજકોટના નેતાઓ ગત મોડી રાત્રે ગાંધીનગરથી પરત ફર્યા છે.
રાજકોટ મહાપાલિકાના ૧૮ વોર્ડના ૭૨ ઉમેદવારોની યાદીમાં અનેક મોટા માથાઓ અને પૂર્વ પદાધિકારીઓના નામ ઉપર કાતર મુક્યાની ચર્ચા છે. રાજકોટના જૂથવાદ અને ખેંચતાણથી પ્રદેશ નેતાગીરી ભારે નારાજ થઇ છે. કદાચ હાલ સર્જાયેલી પરિસ્થિતિ મામલે ચૂંટણી પરિણામો બાદ રાજકોટના નેતાઓને પ્રદેશ પાઠ ભણાવશે તેવી ચર્ચા છે.
હાલ તો ૯૦ ટકા નવા અને યુવા ચહેરાઓ તેમજ ૧૦ ટકા જુના જોગીઓ સાથેની યાદી આવી રહ્યાની ચર્ચા છે. જો કે અનામતના કારણે અમુક વોર્ડમાં એકાદ-બે ઉમેદવારો તો અમુક વોર્ડમાં ચારે ચાર ઉમેદવારોની પૂરેપૂરી પેનલ બદલવામાં આવી હોવાની વાત છે. રાજકોટના નેતાઓએ છેલ્લે સુધી પોતાના માનીતાઓ અને મળતિયાઓ ટિકિટ આપવા ખેંચતાણ કરતા કોકડું ગૂંચવાયું હતું, પ્રદેશના નેતાઓ રાજકોટમાં સંકલનના અભાવની સ્થિતિ નિહાળી ચોંકી ઉઠ્યા હતા.
રાજકોટમાં ઉમેદવારોને ટેલિફોનીક જાણ કરાઇ
રાજકોટ મહાપાલિકાના ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં ભારે વિલંબ થતા ફોર્મ ભરવા સહિતની તૈયારી માટે ખૂબ ઓછો સમય રહ્યો હોય આજે બપોરે અથવા રાત્રે યાદી જાહેર થાય તે પૂર્વે સવારથી અમુક ઉમેદવારોને ટેલિફોનીક જાણ કરવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળે છે.
કાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત કાલે તા.૧૧ એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. આજે ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા માટે ઉમેદવારો પાસે ખૂબ ઓછો સમય રહેશે.