દ્વારકામાં કાન્હાના બર્થ-ડેને વધાવવા કૃષ્ણભક્તો આતુર

  • September 06, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં ગઇકાલ રાત સુધી મોટાભાગની હોટલો અને ધર્મશાળા ખાલીખમ્મ: આજ સાંજથી કૃષ્ણભક્તોનો પ્રવાહ વધે તેવી શક્યતા: પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો: આવતીકાલે રાત્રે ૧ર વાગ્યે ભગવાન દ્વારકાધીશની થશે વિશિષ્ટ આરતી: જન્મ્ાાષ્ટમીના દિવસે મરાત્રે ૧ર થી ર દરમ્યાન દર્શન કરી શકાશે

દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા કૃષ્ણભક્તો આતુર થયા છે, ગઇકાલ સાંજ સુધી ભક્તોનો જેટલો પ્રવાહ દ્વારકામાં આવવો જોઇએ એટલો આવ્યો નથી અને દ્વારકાની મોટાભાગની હોટલ, ધર્મશાળાઓ ખાલીખમ્મ છે, આઠમના દિવસે બે લાખથી વધુ ભક્તો દ્વારકાધીશના દર્શને આવે તેવી શક્યતા છે, ત્યારે સમગ્ર જન્મોત્સવને લઇને જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ મજબુત પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે, આઠમના દિવસે રાત્રે ૧ર વાગ્યે દ્વારકાધીશના જન્મોત્સવને વધાવવામાં આવશે, ત્યારે રાત્રે ૧ર થી ર દરમ્યાન ભક્તો દર્શન કરી શકશે.
દ્વારકાના જગતમંદિર ઉપરાંત ૧૬ જેટલા મંદિરોને શણગારવામાં આવ્યા છે, એસ.ટી. અને રેલ્વે દ્વારા વધારાની બસ અને ટ્રેનની સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી છે, ભગવાનને દરરોજ ૧૧ ભોગ અને ચાર આરતી કરવામાં આવે છે, જન્માષ્ટમીના દિવસે કાર્યક્રમની વાત લઇએ તો નિત્યક્રમ મુજબ આઠમના દિવસે સવારે ૬ વાગ્યે મંગલા આરતી, ત્યારબાદ ૬ થી ૮ મંગલા દર્શન, ૮ વાગ્યે ભગવાન દ્વારકાધીશને ખુલ્લે પડદે સ્નાન કરાવાશે, ૯ વાગ્યે મંદિર બંધ કરાવશે, ૯ થી ૯.૩૦ ભગવાનને વિવિધ શણગાર કરવામાં આવશે, જેમાં રાજા પહેરાવા તેવા દાગીના પહેરાવાશે, હીરાજડિત મુકુટ અને સોનાના આભૂષણોથી ભગવાનનો શણગાર કરવામાં આવશે.
સવારના ૧૦.૪પ વાગ્યે શ્રૃંગાર આરતી, બપોરના ૧ર વાગ્યે રાજભોગ, ૧ વાગ્યાથી પ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે, સાંજે સંઘ્યા ભોગ, ૮.૩૦ વાગ્યા શયન આરતી, રાત્રે ૯ વાગ્યે મંદિર બંધ થશે, ત્યારબાદ ૧૦ વાગ્યે સ્નાનઅભિષેક અને દ્વારકાધીશને અલગ અલગ વસ્ત્રો પહેરાવવામાં આવશે, રાત્રે ૧ર વાગ્યે નંદ ભેર આનંદ ભયોના નાદ સાથે ભગવાન દ્વારકાધીશના જન્મદિવસને વધાવવામાં આવશે, રાત્રે ૧ર થી ર દરમ્યાન ભગવાનના દર્શન ખુલ્લા રહેશે.
શહેરમાં ઇસ્કોન ગેઇટ, રબારી ગેઇટ અને સરકારી કચેરીઓને શણગારવામાં આવ્યા છે, ગઇકાલે ભગવાનને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો, જેમાં જુદી જુદી વાનગી પીરસવામાં આવી હતી, ભગવાન શ્રીકૃષ્ણના પરપ૦ જન્મોત્સવ દરમ્યાન દ્વારકા જિલ્લાની પોલીસ ઉપરાંત અલગ અલગ ગામોમાંથી પોલીસનો બંદોબસ્ત આવ્યો છે, કેટલાક રસ્તાઓ બંધ કરાવવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે, કોઇપણ જાતની અવ્યવસ્થા ન સર્જાઇ તે માટે માહિતી કેન્દ્ર પણ ખોલવામાં આવ્યું છે, આમ ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવને વધાવવા કૃષ્ણભક્તો અધીરા બન્યા છે.
આવતીકાલે હિન્દુ સેના ધ્રોલ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વૈષ્ણવોની હવેલી ખાતેથી શોભાયાત્રા સવારે ૯ વાગ્યે પ્રસ્થાન કરશે જે શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થશે, આ શોભાયાત્રામાં યુવાન ભાઇઓ-બહેનો દ્વારા રાસગરબા, હુડો રાસ જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, હિન્દુ સેના દ્વારા યોજાનાર આ શોભાયાત્રામાં સર્વેને જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
**
ત્રણ કાર્યોથી સમસ્યાનું નિરાકરણ આવી શકે... શંકરાચાર્યજી
સમાધાન થાય તે સારો સંદેશ છે. મૂર્તિ જેની પ્રત્યે વિરોધ છે તેને દૂર કરાય, જે ગ્રંથો સાથે તેમણે પોતાનો ઈતિહાસ જોડી દીધો છે તેને દૂર કરાય, અને હવેથી આવું ન થાય તેનું સ્થાયી આશ્વાસન આપવામાં આવે. સ્વામિનારાયણ સંપ્રદાયના પાંચ છ શાખા છે જેની સાથે સમન્વયથી એવો નિર્ણય લેવાય કે હવેથી આવું ન થાય તેવું સ્થાયી આશ્વાસન મળે. તેઓ પોતાની ઉપાસના તેમની પધ્ધતિથી કરે તેમા કોઈને આપત્તિ નથી. કોઈપણ દેવી દેવતાનું અપમાન કરી તમે તમારી ઉન્નતિ ન કરી શકો આ વાકય આજે ફરી શંકરાચાર્યે દોહરાવ્યું હતું.
**
આપણી લડાઈ વિધર્મીઓ સામે છે, અંદરો અંદરની નહિં... શંકરાચાર્યજી
અંદરોઅંદર લડાઈ કરવા કરતાં આ મામલે સર્વે હિન્દુ ધર્મના લોકોએ સમાધાનકારી વલણ અપનાવાય વિવાદ ખત્મ કરાય અને વિધર્મીઓ સામે લડાઈ કરવા, ગૌમાતાની રક્ષા કરવા, ધર્માંતરણ વિરૂધ્ધ સૌએ સાથે મળી આગળ આવવું પડશે. અંદરોઅંદર લડાઈથી બીજાને બળ મળશે. હિન્દુ ધર્મના લોકોને તોડવાની પ્રવૃત્તિ કરનારાઓને મોકો ન આપી સર્વે એ એક થવું પડેશે એમ તેમણે ઉમેર્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application