આજના આધુનિક યુગમાં રોમેન્ટિક રિલેશનશિપમાં રહેતા યુવાનોમાં માનસિક તણાવ અને અસલામતીની ભાવના ચિંતાજનક સ્તરે વધી રહી છે. એક તાજેતરના ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ગ્લોબલ મેન્ટલ હેલ્થના અભ્યાસ અનુસાર, ભારતના જેન-ઝીમાં રિલેશનશિપને લઈને એક મોટો ખુલાસો થયો છે. રિલેશનશિપમાં રહેતા અંદાજે ૫૬ ટકા યુવાનોનો સૌથી મોટો ડર એ છે કે 'ક્યાંક તેમનો પાર્ટનર તેમને છોડી ન દે'. આ અસલામતી તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અત્યંત નકારાત્મક અસર કરી રહી છે.
બેંગલુરુના જાણીતા મનોવૈજ્ઞાનિકો ડૉ. લોકેશ એલ. અને અતીના આઇપે દ્વારા અઢાર થી પચ્ચીસ વર્ષની વયના યુવાનો પર આ ખાસ સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં સામેલ યુવાનોની સરેરાશ ઉંમર ૨૧ વર્ષની હતી. આ રિસર્ચમાં સામે આવ્યું છે કે ૫૭ ટકા યુવાનો એવા છે જેઓ પોતાના પાર્ટનર દ્વારા છોડી દેવાના ડરથી સતત પીડાય રહ્યા છે. આ ઉપરાંત, ભૂતકાળના ખરાબ અનુભવોને કારણે ૫૬ ટકા યુવાનો કોઈની પણ નજીક જતાં અથવા નવો સંબંધ બાંધતા ગભરાય છે, જ્યારે ૫૬ ટકા યુવાનો સંબંધોમાં કમિટમેન્ટ આપવા અંગે ભારે ડર અનુભવી રહ્યા છે.
આ અભ્યાસમાં સંબંધોના બે મુખ્ય પાસાઓ સ્વસ્થ અને અસ્વસ્થ સંબંધો વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. જો સંબંધોમાં સુરક્ષાની ભાવના હોય, તો વ્યક્તિ પોતાના સાથી પર વિશ્વાસ રાખે છે, તેમની લાગણીઓનો આદર કરે છે અને તેની નજીક રહેવાનું પસંદ કરે છે. આનાથી વિપરીત, અસુરક્ષાની ભાવના વ્યક્તિમાં સંબંધ તૂટી જવાનો ભય પેદા કરે છે. આવા લોકો કોઈની નજીક જતા ડરે છે અને ઘણીવાર નુકસાનકારક કે ઝેરી સંબંધોમાં ફસાઈ જાય છે. આ અસલામતીને કારણે સંબંધોમાંથી મળતો સંતોષ ૫૦ ટકા સુધી ઘટી જાય છે અને ૫૮ ટકા કિસ્સાઓમાં યુવાનોમાં ઊંઘની ગંભીર સમસ્યા (અનિદ્રા) જોવા મળી છે, જે આગળ જતાં ભારે માનસિક તણાવનું કારણ બને છે.
સંબંધોમાં નિષ્ફળતા અથવા અતિશય આસક્તિના કારણે દેશમાં આત્મહત્યા અને ગુનાખોરીના આંકડા પણ ચોંકાવનારા સામે આવ્યા છે. વર્ષ 2024ના અહેવાલો મુજબ, પ્રેમ પ્રકરણને કારણે દેશમાં ૧,૩૯૧ હત્યાઓ થઈ છે, જે ભારતમાં થતી હત્યાઓનું પાંચમું સૌથી મોટું કારણ છે. તેવી જ રીતે, પ્રેમ સંબંધોમાં ઊભી થતી મુશ્કેલીઓને કારણે વર્ષ ૨૦૨૪માં ૭,૯૦૫ લોકોએ આત્મહત્યા કરી લીધી હતી, જેમાં ૪,૭૩૨ પુરુષો અને ૩,૧૬૮ મહિલાઓ સામેલ હતી. ૨૦૨૩માં ૧,૪૪૧ હત્યા અને ૮,૦૧૨ આત્મહત્યા લોકોએ પ્રેમમાં નિષ્ફળતાના કારણે પોતાની જિંદગી ટૂંકાવી દીધી હતી, જે દર્શાવે છે કે આ સમસ્યા વર્ષોવર્ષ વધુ ઘાતક બની રહી છે.
અખબારમાં કેટલાક હૃદયદ્રાવક કિસ્સાઓ પણ શેર કરવામાં આવ્યા છે. હૈદરાબાદની કોમાલી નામની એક વિદ્યાર્થીનીએ પ્રેમ સંબંધ બગડતાં ડાયરીમાં લખ્યું હતું કે, તેને જવા દેવો જોઈએ, પણ જો તે પાછો આવ્યો તો...? અને ત્યારબાદ તેણે આત્મહત્યા કરી લીધી. મુંબઈમાં બી.કોમ.ના ત્રીજા વર્ષમાં ભણતી ૨૦ વર્ષની જાના સેઠિયાએ બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થતાં ડિપ્રેશનમાં આવી ઇમારત પરથી કૂદીને જીવ આપી દીધો. બેંગલુરુના અભિષેકે લિવ-ઇનમાં રહી ગુપ્ત લગ્ન કર્યા બાદ ટ્રસ્ટ ઇશ્યૂ (અવિશ્વાસ) વધતાં ફાંસી લગાવી લીધી અને સુસાઈડ નોટમાં લખ્યું કે, હું તેના પ્રેમમાં પાગલ હતો, પણ તે મને દગો આપી ગઈ.