BREAKING NEWS

કીર્તિ પટેલ સામે સુરતમાં વધુ એક ગુનો નોંધાયોઃ ભાવનગરના બોરડા ગામના સરપંચ પતિ સામે પડવું મોંઘું પડ્યું

  • July 12, 2026 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોતાના વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હંમેશા ચર્ચામાં અને વિવાદોમાં રહેતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે. સુરતના પુણાગામ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ભાવનગરના બોરડા ગામના સરપંચના પતિ અને જાણીતા વેપારી રાજુભાઈ ભમ્મરે આ બંને સામે તેમના પરિવારની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભયંકર બદનક્ષી કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે સુરત પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.


સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયો અનુસાર, આ ઘટના બાદ કીર્તિ રણછોડભાઈ અડાલજા પુણા પોલીસ સ્ટેશનની બહાર અત્યંત આક્રમક મૂડમાં જોવા મળી હતી. તેણે ત્યાં હાજર લોકો અને મીડિયા સામે બૂમો પાડતા આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, હવે બહુ થયું, હું મારા પર થતા આવા ખોટા કેસ એક પણ ટકા સહન નહીં કરું. તેણે જાહેરમાં ગુસ્સો ઠાલવતા ફરિયાદ કરનાર ‘રાજુ’ નામના વ્યક્તિને પણ ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને જણાવ્યું હતું કે જો કોઈ ફરિયાદ કરવી હોય તો તે પોલીસ સ્ટેશનની બહાર જ ઉભી છે, સામે આવીને મર્દની જેમ વાત કરી બતાવે. કીર્તિએ પોતાના પર થયેલા કેસોને પાયાવિહોણા ગણાવીને સામો બદનક્ષીનો દાવો કરવાની પણ ગંભીર ચીમકી ઉચ્ચારી હતી.

આ હાઈપ્રોફાઈલ કેસની ગંભીરતાને જોતા પુણાગામ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૨૯૬(બી), ૩૫૧(૨), ૩૫૬(૩), ૫૪(આઈ) તેમજ આઈટી એક્ટની કલમ ૬૭ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની આગળની તપાસ હાથ ધરી છે. આ હાઈપ્રોફાઈલ કેસની ઊંડાણપૂર્વકની તપાસ પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ (પોલીસ ઇન્સ્પેક્ટર) આર. એચ. મોરીને સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ વિરુદ્ધ અગાઉ પણ અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં અનેક ગુનાઓ અને મારામારીના વિવાદો સામે આવી ચૂક્યા છે અને તે અવારનવાર જેલની હવા પણ ખાઈ આવી છે.


ફરિયાદી રાજુ ભમ્મરે પોલીસ સમક્ષ કરેલા ચોંકાવનારા ખુલાસા મુજબ, તેઓ અગાઉ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી અને હાલમાં સસ્પેન્ડ થયેલી મહિલા કર્મચારી નયના બારૈયા સાથે આશરે ૨૧ મહિના સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા હતા. આ સંબંધમાં તિરાડ પડ્યા બાદ અને સંબંધ પૂરો થયા બાદ, નયના બારૈયાની સીધી ઉશ્કેરણી અને કહેવાથી જ કીર્તિ પટેલે રાજુભાઈ અને તેમના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ઝેર ઓકવાનું અને સમાજમાં બદનામ કરવાનું એક પૂર્વયોજિત ષડયંત્ર રચ્યું હતું, જેના ભાગરૂપે આ કૃત્ય કરવામાં આવ્યું છે.


તપાસમાં સામે આવ્યું છે કે, ગત 5 જૂન, 2026ના રોજ કીર્તિ પટેલે રાજુભાઈના મોબાઈલ નંબર પર વોટ્સએપ કોલ કર્યો હતો અને તેમની પત્ની (જેઓ ગામના વર્તમાન સરપંચ છે) ને તેમના જ સગા ભાઈ સાથે અનૈતિક સંબંધ હોવાના ગંભીર, સદંતર ખોટા અને વાંધાજનક આક્ષેપો કર્યા હતા. આ સાથે જ કીર્તિ પટેલે ફોન પર 'હું તને જોઈ લઈશ અને બતાવી દઈશ' તેવી ગંભીર ધમકી આપીને અત્યંત અભદ્ર, અશોભનીય અને ન બોલવાના ગાળો જેવા અપશબ્દોનો જાહેરમાં પ્રયોગ કર્યો હતો. આ ફોન કોલ બાદ ફરિયાદીનો પરિવાર ભારે માનસિક તણાવમાં આવી ગયો હતો.

ફોન પર ધમકી આપ્યા બાદ પણ કીર્તિ પટેલ અટકી નહોતી. તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ આઈડી 'KIRTI NI MOJ5143' પરથી અવારનવાર વિવાદિત વીડિયો અને રીલ્સ અપલોડ કર્યા હતા. જેમાં રાજુભાઈના ઘર અને આખા પરિવાર વિશે અત્યંત ભદ્દી અને અશ્લીલ વાતો ફેલાવી પત્ની અને ભાઈના ચરિત્ર પર જાહેરમાં કાદવ ઉછાળ્યો હતો. આ જાહેર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો મૂકીને સમગ્ર પ્રતિષ્ઠિત પરિવારની સામાજિક આબરૂને ધૂળધાણી કરવાનો હીન પ્રયાસ કરાયો હતો જેને કારણે સમાજમાં તેમની બદનક્ષી થઈ હતી.

વાયરલ થયેલા આ વીડિયોમાં કીર્તિ પટેલે એવા પણ ગંભીર અને સનસનાટીભર્યા આક્ષેપો કર્યા હતા કે રાજુએ અંદાજે ૨૫૦ જેટલી નિર્દોષ છોકરીઓની જિંદગી બગાડી છે અને તેનું સમર્થન કરનારા લોકોની મા-બહેનો વિશે પણ અત્યંત આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી. વધુમાં, વીડિયોમાં એવી પણ ધમકી આપી હતી કે 'જ્યાં તું સામે મળીશ ત્યાં નયના તારા કપડાંનું બિલ આપશે અને તારે એમજ કપડાં વગર ઘરે જવું પડશે' જેવી ધમકીઓ આપીને આર્થિક બાબતો તેમજ નાણાં પડાવવા અંગે પણ ખોટા અને ભયભીત કરનારા કથનો કર્યા હતા.


આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારી અને શરમજનક બાબત એ છે કે, કીર્તિ પટેલે અપલોડ કરેલા આ તમામ બદનક્ષીકારક અને અપમાનજનક વીડિયોને કાયદાની રક્ષક ગણાતી અને હાલ સસ્પેન્ડેડ મહિલા પોલીસ કર્મચારી નયના બારૈયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી 'naina paliwal 0005' પર સ્ટોરી અને સ્ટેટસમાં શેર કરીને આ ગુનાહિત કૃત્યમાં પૂરેપૂરો સાથ-સહકાર આપ્યો હતો. હાલ પુણા પોલીસે આ મામલે સત્તાવાર ફરિયાદના આધારે ગુનો નોંધીને બંને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિગતો મેળવી બંને આરોપીઓ સામે કાયદેસરની ધરપકડની તજવીજ તેજ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application