ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા ધેંધુ ગામે એક અત્યંત ચકચારી અને કંપારી છૂટી જાય તેવી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં માત્ર ૨૦ વર્ષના એક નિર્દોષ યુવકની દુપટ્ટા અને વાયરના તાર વડે ગળું દબાવીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. હત્યા કર્યા બાદ પકડાઈ જવાના ડરથી પુરાવાનો નાશ કરવાના આશયથી યુવકની લાશને એક સફેદ કલરના કોથળામાં ભરીને આરોપી દંપતી પોતાના ઘરને બહારથી તાળું મારીને ફરાર થઈ ગયું હતું. આ ભયાનક ઘટનાની જાણ થતાં જ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ મામલે કલોલ તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપી દંપતીની ધરપકડ કરી લીધી છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર, આ ૨૦ વર્ષીય યુવકની હત્યા પાછળ કોઈ મોટું બ્લેકમેઈલિંગ કાંડ જવાબદાર હોવાની આશંકા સેવાઈ રહી છે. આ પૂર્વયોજિત ષડયંત્રના ભાગરૂપે આરોપી દંપતીએ યુવકને અગાઉથી કોઈ બહાને પોતાના ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ મોકો જોઈને યુવકને ઘરમાં જ દુપટ્ટા અને તાર વડે ટૂંપો આપીને પતાવી દેવાયો હતો. હાલ પોલીસ આ બ્લેકમેઈલિંગની દિશામાં અને હત્યા પાછળના અસલી હેતુને સ્પષ્ટ કરવા માટે આરોપીઓની આકરી પૂછપરછ કરી રહી છે.
પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ, કલોલના ધેંધુ ગામના ઠાકોરવાસમાં રહેતા અને સ્થાનિક સ્તરે ખેતી તેમજ ડ્રાઈવિંગનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવતા રમેશજી ઉદાજી ઠાકોરના મોટા દીકરા હાર્દિક (ઉંમર વર્ષ ૨૦) ની આ ક્રૂર હત્યા કરવામાં આવી છે. મૃતક હાર્દિક માણસા ખાતે આવેલી એસ.ડી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરતો હતો. અભ્યાસની સાથે-સાથે તે પોતાના પિતરાઈ ભાઈ અને વ્યવસાએ વકીલ એવા સુનીલજી ઠાકોર સાથે માણસા કોર્ટમાં કામકાજ શીખવા અને મદદ કરવા માટે પણ જતો હતો.
ધટનાના દિવસે એટલે કે ૧૧ જુલાઈ, શનિવારના રોજ સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ હાર્દિકના પિતા રમેશજી પોતાની ઇકો ગાડી લઈને આલમપુરની શાકભાજી માર્કેટમાં રીંગણ વેચવા માટે ગયા હતા. તે જ સમયે હાર્દિકના માતા અને બહેન પણ ઘરકામ પતાવીને ખેતરે મજૂરી અર્થે ગયા હતા, જેથી હાર્દિક ઘરે એકલો જ હતો. સવારે આશરે ૯:૧૦ વાગ્યે હાર્દિકે તેના પિતા રમેશજીને ફોન કરીને પરબતપુરા ખાતે કોઈ જમીન જોવા જવા અંગે સામાન્ય વાતચીત પણ કરી હતી.
જોકે, ત્યાર બાદ આશરે સાડા દસ વાગ્યાની આસપાસ પિતા રમેશજીએ કોઈ કામ અર્થે ફરીથી દીકરાને ફોન કર્યો ત્યારે હાર્દિકનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. વારંવાર ફોન કરવા છતાં સંપર્ક ન થતાં રમેશજીએ ઘરે આવીને તપાસ કરી તો હાર્દિકનું એક્ટિવા વાહન ઘરે જ પડ્યું હતું પરંતુ તે પોતે ગાયબ હતો. ઘણીવાર સુધી હાર્દિકનો કોઈ પતો ન મળતા ચિંતાતુર પિતા અને કુટુંબીજનોએ નારદીપુર, ધેંધુ ચોકડી અને આજુબાજુના તમામ સંભવિત વિસ્તારો અને સગા-સંબંધીઓને ત્યાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ હાર્દિકની કોઈ ભાળ મળી ન હતી.
આ દરમિયાન બપોરે સાડા ત્રણથી ચાર વાગ્યાના અરસામાં ગામના જ જાગૃત નાગરિક સુરેશજી બાદરજી ઠાકોરે હાર્દિકના પિતાને ફોન કરીને તાત્કાલિક ગામમાં જ રહેતા વિષ્ણુજી ઉર્ફે વાસુભાઈ બળદેવજી ઠાકોરના ઘરે પહોંચવા જણાવ્યું હતું. આથી રમેશજી તાબડતોડ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને હૃદય કંપાવી દે તેવા સમાચાર મળ્યા હતા. સુરેશજીએ જણાવ્યું કે, આ ઘરના માલિક વિષ્ણુજી ઠાકોર અને તેમની પત્ની હંસાબેને હાર્દિકની ગળું દબાવી હત્યા કરી દીધી છે અને તેની લાશ કોથળામાં ભરી ઘરમાં જ મૂકી ભાગી ગયા છે.
ત્યારબાદ રમેશજીએ બંધ ઘર ખોલાવી અંદર જઈને જોયું તો હાર્દિકની લાશ ખરેખર એક સફેદ કોથળામાંથી મળી આવી હતી. આ ભયાનક દ્રશ્ય જોઈ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી, જેના તબીબે હાર્દિકને નિરીક્ષણ બાદ મૃત જાહેર કર્યો હતો. ઘટનાની ગંભીરતાને પગલે કલોલ તાલુકા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને માણસા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. તબીબી અહેવાલમાં હાર્દિકનું મોત શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપી દંપતીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.