જસદણની આલ્ફા જવાહર નવોદય અને બાલાચડી ટ્રેનિંગ સેન્ટર તેમજ હોસ્ટેલમાં 10 વર્ષીય માસૂમ બાળકી આયુષી બલદાણીયાના શંકાસ્પદ મોતના મામલે જસદણ પોલીસે સંચાલકો સામે કડક કાનૂની શિકંજો કસ્યો હતો. હોસ્ટેલ પ્રશાસનની ઘોર બેદરકારીના કારણે જ દીકરીનું મોત નીપજ્યું હોવાના પરિવારના ગંભીર આક્ષેપો બાદ પોલીસે સંચાલક અને માલિક જયસુખ સંખાળવા તથા હિરેન સંખાળવા સામે ભારતીય ન્યાય સંહિતા BNS ની કલમ 105 (સાપરાધ મનુષ્યવધ) અને 54 હેઠળ ગુનો નોંધી બંનેની અટકાયત કરી હતી.
આજે બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે ગોંડલ અદાલતમાં રજૂ કરવામાં આવતા કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પરિવારનો આક્રોશ હતો કે આયુષીની તબિયત લથડી હોવા છતાં હોસ્ટેલ પ્રશાસને તેની કોઈ દરકાર લીધી ન હતી અને તેને કોઈ તબીબ પાસે પણ લઈ જવામાં આવી ન હતી. આટલા દિવસો સુધી બીમારી ચાલી હોવા છતાં હોસ્ટેલ દ્વારા પરિવારને કોઈ જાણ સુધ્ધાં કરવામાં આવી ન હતી, જેના કારણે આયુષીની સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ હતી અને અંતે તેણે જીવ ગુમાવવો પડ્યો હતો. હાલ જસદણ પોલીસે રિમાન્ડ મેળવીને આ શંકાસ્પદ મોતના મામલે હોસ્ટેલ પ્રશાસનની ગુનાહિત બેદરકારી દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.