BREAKING NEWS

જામનગર શહેરમાં ઘણા વર્ષે થર્ટીફર્સ્ટનો કોઇ કરંટ દેખાયો નહીં: રિસોર્ટમાં થઇ જમાવટ

  • January 01, 2026 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરમાં ગઇકાલે ૨૦૨૫ના વર્ષને બાય-બાય કરવા માટે ખાસ કોઇ ઉજવણી થઇ ન હતી, બે-ત્રણ જગ્યાએ નાના-મોટા આયોજન કરવામાં આવ્યા હતાં, ગયા વર્ષે તો જોરદાર ઉજવણી થઇ હતી તેના કરતા આ વખતે કોઇ કરંટ દેખાયો નહીં, દુકાનો અને શો-રૂમમાં પણ સાન્ટા બનીને બાળકોને રીઝવતા લોકો બહુ ઓછા દેખાયા હતાં, ડીકેવી કોલેજ, ટાઉનહોલ, ચાંદીબજાર સહિતના કેટલાક સ્થળોએ જે જોરદાર ફટાકડા ફોડાતા હતાં તેમાં પણ આ વખતે કોઇ ચામ હતો નહીં, માત્ર રામધૂન અને સુંદરકાંડના પાઠના આયોજન કરાયા હતાં, શહેરની ભાગોળે સેવન સિઝન રિસોર્ટમાં યુવા ધને નવા વર્ષને વધાવ્યું હતું.


સામાન્ય રીતે કેટલાક સ્થળોએ ડાન્સ વિથ ડીનરના કાર્યક્રમો યોજવામાં આવે છે, તો વળી કેટલાક સ્થળોએ ડ્રેસકોડમાં પાર્ટીમાં આવવા નકકી કરાતું હોય છે, પરંતુ આ વર્ષ એવી કોઇ પાર્ટી થઇ ન હોવાનું જાણવા મળ્યું છે, એકાદ-બે સ્થળોએ આ પ્રકારની પાર્ટી યોજાઇ હતી અને સામાન્ય રીતે ઠંડીના હીસાબે લોકો પોતાના ઘરે કે અગાસી ઉપર આ પ્રકારની પાર્ટી યોજી હતી. 




બજારની વાત લઇએ તો દરવખતે થર્ટીફર્સ્ટની ઉજવણી અને નવા વર્ષના આગમનને વધાવવા ફટાકડાનું પણ ધોમ વેંચાણ થતું હોય છે, ઉપરાંત સ્પેશ્યલ કેક પણ બનાવાના ઓર્ડરો દેવામાં આવે છે, કેટલાક સ્થળોએ મીઠાઇ પણ વેંચવામાં આવે છે, પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષથી જે રીતે નવા વર્ષના આગમનને જોરદાર વધાવવા માટે પાર્ટીઓ થતી હતી એટલી બધી પાર્ટી આ વખતે થયું ન હોવાનું જાણવા મળે છે. 


શહેરમાં આ વર્ષે ખાસ કોઇ ઉજવણીના દ્રશ્યો જોવા મળ્યા ન હતાં, જેમ બજારોમાં ખરીદીમાં નિરશતા છે જો કે આ વર્ષ સારૂ ગયું હોય છતાં પણ કોણ જાણે કેમ ૩૧ ડીસેમ્બરના રોજ દર વખતે વિવિધ પ્રકારની પાર્ટીઓ યોજાય છે તે પાર્ટીઓમાં થોડી રૂકાવટ આવી હોવાનું પણ જાણવા મળ્યું છે, ગયા વર્ષે પણ ડાન્સ વિથ ડીનરના એક વ્યકિતના રૂ.૭૦૦ થી ૧૦૦૦ ચાર્જ લેવાયો હતો. કયાંક તો ખાલી ડીનરનો ચાર્જ લેવામાં આવે છે અને જો તમારે ડાન્સ પાર્ટીમાં સામેલ થવું હોય તો અલગ ચાર્જ ચુકવવો પડે છે.

​​​​​​​


રણછોડદાસજી આશ્રમ ખાતે રણજીતનગરમાં સુંદરકાંડના ધાર્મિક પાઠ રાખવામાં આવ્યા હતાં જેમાં લોકો ઉમટયા હતાં, બીજી તરફ ટાઉનહોલ પાસે જયોત ટાવરમાં પણ રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ૨૦૨૬ના આગમનને લઇને જામનગરમાં આ વખતેની પાર્ટી ફીકી રહી હતી અને આયોજનો પણ ખાસ થયા ન હતાં તે પણ હકીકત છે. જો કે ગામડાઓમાં આ પ્રકારની પાર્ટીઓ પહેલેથી જ થતી નથી એવી કોઇ ઉજવણી પણ થતી નથી, શહેરી વિસ્તારમાં વિદેશની જેમ આવી પાર્ટી યોજાતી હોય છે ત્યારે ૨૦૨૬ના નવા વર્ષને વધાવવા એવી ખાસ કોઇ ઉજવણી થઇ ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application