જામનગરના ઉધોગપતિએ એક મહિલાને હાઇવે પર આવેલા એક વીલામાં લઈ જઈ બેભાન કરનારૂ પ્રવાહી કોલ્ડ્રીંકસમાં પીવડાવ્યા બાદ દુષ્કર્મ આચર્યુ હતું અને અંગત પળોનું શુટિંગ કરી બ્લેકમેલ કરીને મહિલાનું શારીરીક શોષણ કરવામાં આવતુ હતું, દરમિયાન મહિલાએ હિંમત કરીને સિક્કા પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં ઉદ્યોગપતિ સામે ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ફરિયાદ બાદ આરોપી ઉધોગપતી ભુગર્ભમાં ઉતરી ગયો છે જેની શોધખોળ આદરવામાં આવી રહી છે.
ઓફિસમાં પણ બોલાવીને અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને બેડેશ્વર વિસ્તારમાં ઓઇલ મિલ ધરાવતા વિશાલ મહેન્દ્રભાઈ મોદી નામના અગ્રણી ઉધોગપતિેની સામે એક મહિલાએ તાજેતરમાં અહીંના સિક્કા પોલીસ મથકમાં તેણી પર વારંવાર દુષ્કર્મ ગુજારી પોતાના અંગત પળોના મોબાઇલમાં વીડિયો ઉતારી લઈ તેના આધારે બ્લેકમેલ કરતો હતો અને પોતાની અંબર સિનેમા રોડ પર આવેલી ઓફિસમાં પણ બોલાવીને અનેક વખત દુષ્કર્મ ગુજારતો હતો, અને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળી જઇ આખરે મામલો પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યો હતો.
આરોપીએ મહિલા સાથે પરિચય કેળવી વિશ્વાસમાં લીધી
ફરિયાદમાં જાહેર થયા મુજબ, આરોપી વિશાલને લોનની જરૂરિયાત હતી અને તે સંદર્ભે ભોગ બનનાર મહિલા આરોપી ઉધોગપતિના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ પર વાતચીત શરૂ થઈ અને આરોપીએ મહિલા સાથે પરિચય કેળવી વિશ્વાસમાં લીધી હતી. ફેબ્રુઆરી માસમાં આરોપીએ મહિલાને એક પ્રોપર્ટી પર મોર્ગેજ લોન કરાવવાની વાત કરી તે પ્રોપર્ટી જોવા માટે સ્વામિનારાયણ મંદિર પાસે બોલાવી હતી.
વારંવાર દુષ્કર્મ ગુજાર્યું અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો
આરોપી પોતાની કાર લઈને ત્યાં પહોંચ્યો હતો અને મહિલાને સરમત પાટિયા પાસે આવેલા એક વિક એન્ડ હોમ નામના વિલામાં લઈ ગયો હતો. લોન બાબતેની વાતચીત દરમિયાન આરોપીએ મહિલાને કોલ્ડ્રીંક્સ પીવા આપ્યું હતું. આ કોલ્ડ્રીંક્સ પીધા બાદ મહિલા બેભાન થઈ ગઈ હતી. જેથી તેણીની ઇચ્છા-મરજી વિરુધ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ દરમિયાન આરોપીએ પોતાના મોબાઈલમાં અંગત પળોના ફોટા તેમજ વીડિયો ઉતારી લીધા હતા. આ ફોટા અને વીડિયોના આધારે આરોપીએ મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેણે મહિલાને પોતાની ઓફિસ પાસે બોલાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે.
પૂર્વ પોલીસકર્મીએ ફરિયાદ ન કરવા મહિલાને દાંટી મારી
આ ઉપરાંત ફરિયાદમાં જામનગર પોલીસમાં ફરજ બજાવી ચૂકેલા એક પૂર્વ પોલીસ કર્મચારી સહિતના નામોનો ઉલ્લેખ કરાયો છે અને તેઓ આરોપીના મિત્ર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પૂર્વ પોલીસકર્મીએ ફરિયાદ ન કરવા મહિલાને દાંટી મારી હોવાનો આક્ષેપ કરાયો છે. સિક્કા પોલીસે જુદી જુદી કલમો હેઠળ ઉધોગપતિ સામે ગુનો નોંધ્યો છે, અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જામનગર શહેરમાં આ બનાવે ભારે ચકચાર જગાવી છે. ફરીયાદ બાદ આરોપી ભુગર્ભમાં ઉતરી ગયો છે, આ અંગેની આગળની તપાસ એએસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ સિકકાના પીઆઇ ચાવડા ચલાવી રહ્યા છે