પશ્ચિમ એશિયામાં જહાજોની અવરજવર માટે અત્યંત મહત્વના ગણાતા વિસ્તારમાં ઈરાને ફરી એકવાર બળપ્રયોગ કર્યો છે. ટોગોના ધ્વજ સાથે આગળ વધી રહેલા 'MT Chiron' નામના કેમિકલ ટેન્કરને ઈરાની દળોએ અટકાવ્યું હતું અને ચેતવણી આપતા અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે આ જહાજ અન્ય જહાજોના કાફલા સાથે ઓમાનના શિનાસ બંદર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું.

તમામ ભારતીય નાવિકો સુરક્ષિત
આ હુમલા બાદ ભારતના પોત પરિવહન અને જળમાર્ગ મંત્રાલયે તાત્કાલિક સ્થિતિની સમીક્ષા કરી હતી. મંત્રાલયના ડાયરેક્ટર મનદીપ સિંહ રંધાવાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, જહાજ પર સવાર તમામ ૧૨ ભારતીય ક્રૂ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે. ફારસી ખાડી (Persian Gulf) માં હાજર તમામ ભારતીય જહાજો અને તેમાં કાર્યરત નાવિકો પર ભારત સરકાર સતત નજર રાખી રહી છે. સરકાર દરેક ભારતીય નાવિકની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સંપર્કમાં છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનનો કબજો અને વધતું જોખમ
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ જેવી સ્થિતિમાં હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) મુખ્ય કેન્દ્ર બની છે. ઈરાની નૌસેનાએ સ્પષ્ટ એલાન કર્યું છે કે તેમની પરવાનગી વિના કોઈ પણ જહાજ હોર્મુઝ પાર કરી શકશે નહીં. ઈરાની નૌસેના સતત એવા જહાજોને નિશાન બનાવી રહી છે જેઓ આ રસ્તો પાર કરવાનો પ્રયાસ કરે છે. તાજેતરમાં જ ઈરાને ત્રણ જહાજોને અટકાવીને પોતાના કબજે લીધા હોવાના અહેવાલ છે. વિશ્વના કુલ તેલ પરિવહનનો મોટો હિસ્સો આ માર્ગેથી પસાર થાય છે, જેના પર ઈરાન પોતાનું પ્રભુત્વ સ્થાપવા માંગે છે.
ભારત સરકારનું એલર્ટ મોડ
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પશ્ચિમ એશિયામાં બદલાતી જતી પરિસ્થિતિઓ પર ભારતની ચાંપતી નજર છે. ખાસ કરીને ફારસી ખાડીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ભારતીય નેવી અને શિપિંગ મંત્રાલય સંકલનમાં રહીને કામ કરી રહ્યા છે. 'MT Chiron' પર થયેલો ગોળીબાર એ વાતનો સંકેત છે કે આ વિસ્તારમાં જહાજો માટે જોખમ વધી રહ્યું છે. આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય જળસીમામાં પરિવહન કરતા અન્ય ભારતીય જહાજોને પણ સાવચેતી રાખવા અને ઈમરજન્સી પ્રોટોકોલનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.